મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા સાત દિવસમાં 24 કરોડ રૂપિયાથી વધુનો દાણચોરીનો ગાંજો પકડી પાડીને છ પ્રવાસીની ધરપકડ કરી હતી. એ સિવાય ત્રણ પ્રવાસી પાસેથી 1.85 કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
કસ્ટમ્સ વિભાગે 11 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંજા સાથે પકડાયેલા છ પ્રવાસી બેંગકોકથી આવ્યા હતા અને તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
કસ્ટમ્સ વિભાગે મળેલી માહિતીને આધારે ત્રણ પ્રવાસીને એરપોર્ટ પર આંતર્યા હતા, જે બેંગકોકથી આવ્યા હતા. ત્રણેયના સામાનની તલાશી લેવામાં આવતાં તેમાંથી કુલ 9.5 કરોડ રૂપિયાનો ગાંજો મળી આવ્યો હતો.
એ જ પ્રમાણે બેંગકોકથી આવેલા અન્ય ત્રણ પ્રવાસીને પણ શંકાને આધારે આંતરવામાં આવ્યા હતા. ત્રણેય પાસેથી 14.7 કરોડ રૂપિયાનો 14 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો હતો, જે તેમણે પોતાના સામાનમાં છુપાવ્યો હતો. પ્રવાસીઓએ બેંગકોકમાં ગાંજો કોની પાસેથી મેળવ્યો હતો અને તે મુંબઈમાં કઇ વ્યક્તિ સુધી પહોંચાડવાના હતા તેની તપાસ કરાઇ રહી છે.