Sat Jun 27 2026

Logo

મુલુંડમાં મેટ્રોના બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટનામાં પાંચની ધરપકડ...

2026-02-15 18:13:37
Author: Yogesh C Patel
Article Image

બે દિવસ અગાઉ બેસાડેલા પૅરાફિટનું યોગ્ય રીતે કૉન્ક્રીટાઈઝેશન ન કરવાને કારણે ઘટના બની: પોલીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મુલુંડમાં લાલ બહાદુર શાસ્ત્રી (એસબીએસ) રોડ પર નિર્માણાધીન મેટ્રો-ચારના ગર્ડરનો સ્લેબ તૂટી પડવાને કારણે એકનું મોત અને ત્રણ જણ જખમી થવાની ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત કંપનીના પાંચ અધિકારીની ધરપકડ કરી હતી. સંબંધિત કંપનીઓ દ્વારા બે દિવસ અગાઉ બ્રિજ પર બેસાડવામાં આવેલા પૅરાફિટનું યોગ્ય રીતે કૉન્ક્રીટાઈઝેશન ન કરવાને કારણે આ ઘટના બની હોવાનો દાવો પોલીસ ફરિયાદમાં કરાયો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મુલુંડ પોલીસે મિલન રોડ બિલ્ડટેક અને ડીબી હિલ એલબીજીના સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 105, 110, 324(5) અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મેટ્રો-ચારના કામ દરમિયાન સુરક્ષાનાં યોગ્ય પગલાં લેવામાં ન આવતાં હોવાની ફરિયાદ અગાઉ પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.


દરમિયાન આ કેસમાં મુલુંડ પોલીસે શનિવારની મોડી સાંજે મિલન રોડ બિલ્ડટેકના પ્રોજેક્ટ ડિરેક્ટર હરીશ ચૌહાણ, પ્રોજેક્ટ મૅનેજર કુલદીપ સકપાળ, એન્જિનિયર સૌરભ સિંહ સુપરવાઈઝર પ્રશાંત ભોઈર અને ડીબી હિલ એલબીજીના પ્રોજેક્ટ મૅનેજર અવદ્યુત ઈનામદારની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીને કોર્ટે 18 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર મુલુંડ પશ્ર્ચિમમાં એલબીએસ રોડ પર જૉન્સન ઍન્ડ જૉન્સન કંપની સામે મેટ્રો-ચારનું કામ ચાલી રહ્યું હતું. શનિવારની બપોરે 12.35 વાગ્યાની આસપાસ મેટ્રોના બ્રિજને કિનારે લગાવવામાં આવેલું કૉન્ક્રીટ પ્રિકાસ્ટ પૅરાફિટ અચાનક તૂટી પડ્યું હતું. વજનદાર પૅરાફિટ બ્રિજ નીચેના રસ્તા પરથી પસાર થનારી રિક્ષા અને કાર પર પડ્યું હતું, જેને કારણે બન્ને વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

આ ઘટનામાં મહિલા સહિત ચાર ગંભીર રીતે ઘવાયાં હતાં, જેમને મુલુંડની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. ફરજ પર હાજર તબીબે ગંભીર જખમી રામધની બાબાપ્રસાદ યાદવ (49)ને મૃત જાહેર કર્યો હતો. જખમી ત્રણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે જ ફરિયાદી બની આ પ્રકરણે ગુનો નોંધ્યો હતો.

એફઆઈઆર અનુસાર બ્રિજ પર ટર્ન બકલની મદદથી ગુરુવારે જ પૅરાફિટ બેસાડવામાં આવ્યું હતું. પૅરાફિટ બેસાડતી વખતે યોગ્ય રીતે કૉન્ક્રીટાઈઝેશન ન કરીને કામ અધકચરું રાખવાને કારણે પૅરાફિટ તૂટી પડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર આ રીતે બેદરકારીથી કામ કરીને સુરક્ષાનાં જરૂરી પગલાં સુધ્ધાં લેવાયાં નહોતાં. એ સિવાય પૅરાફિટ બેસાડવાનું કામ પૂરું ન થયું હોવા સંદર્ભેની જાણ સંબંધિત વ્યક્તિઓ દ્વારા પોલીસ, ટ્રાફિક પોલીસ, મુંબઈ મહાપાલિકા અથવા અન્ય કોઈ પણ એજન્સીને કરાઈ નહોતી. પરિણામે ઘટનાસ્થળે નિયમિત રીતે વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો અને આવી ગંભીર ઘટના બની હતી.