Sun Aug 23 2026

Logo

માનસ મંથનઃ આપણા જીવનમાં જયારે આરામ પ્રગટે તે દિવસને રામનવમી સમજો

2026-03-23 10:51:00
Author: Morari Bapu
Article Image

 

મોરારિબાપુ

ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો છે. રામનવમી-રામજન્મને દિવસે આ કથાનો વિરામ થશે. હું વિચારી રહ્યો હતો કે આ કથામાં ‘રામચરિત-માનસ’માંથી ક્યા વિષય પર બોલું ? બહુધા જયારે રામનવમી પર ક્યાંય પણ કથા હોય છે ત્યારે રામજન્મને કેન્દ્રમાં રાખી મારી વ્યાસપીઠ મુખર થતી રહે છે. તો મને થયું કે આ વખતે હું ‘રામજનમ કે હેતુ અનેકા’ એ વિષય પર કહું.

ભગવાન રામને પ્રગટ થવાના અનેક હેતુ છે. અને એ બધા હેતુ સામાન્ય નથી, પરમ વિચિત્ર છે અને એકથી એક ચઢિયાતા છે. તો ભગવાન રામના પ્રાગટ્યના જે પરમ વિચિત્ર અનેક હેતુઓ છે, એ હેતુઓના સંદર્ભમાં આપણે નવ દિવસ ચર્ચા કરશું અને આ કથાનો સબ્જેક્ટ રહેશે ‘રામજનમ કે હેતુ અનેકા.’

રામકથા વિશે તમને નવું હું શું કહું? કોણ નથી જાણતું રામકથા વિશે? આખી દુનિયા જાણે છે. રામકથાથી બધા પરિચિત છે, કેમકે રામકથા આપણા બધાની કથા છે. શું આપણા જીવનમાં ‘બાલકાંડ’ નથી આવતો ? ‘બાલકાંડ’ વિના તો આપણે આગળ વધી જ નથી શકતા. શું આપણા જીવનમાં યુવાનીનો ‘અયોધ્યાકાંડ’ નથી આવતો, જેમાં કશ્મકશ હોય ? મળવાનું હોય કંઇક અને મળી જાય કંઇક ! શું યુવાનીમાં આપણને સફળતા અને અસફળતાનાં દ્વંદ્વ ઘેરી નથી વળતાં ?

કોઇ પણ ધર્મનો માણસ હોય; બધાનાં જીવનમાં ‘બાલકાંડ’ છે, બધાનાં જીવનમાં ‘અયોધ્યાકાંડ’ છે અને એક સમયે બધાનાં જીવનમાં ‘અરણ્યકાંડ’ આવે છે. માણસ થાકીને વિચારે છે કે હવે હું કોઈ એવા મારગમાં ચાલુ કે જ્યાં એકાંત હોય, શાંતિ હોય. આપણા બધાનાં જીવનમાં ‘કિષ્ક્ધિધાકાંડ’ આવે છે. ‘કિષ્ક્ધિધા’ એટલે મૈત્રી. આપણે એકબીજા સાથે મૈત્રીથી જોડાયેલા છીએ. કોના જીવનમાં ‘સુંદરકાંડ’ નથી આવતો? 

હું તો યુવાન ભાઈ-બહેનોને કહીશ કે આપના જીવનમાં ‘સુંદરકાંડ’ ચાલી રહ્યો છે. ભારતીય પરંપરાને નજર સમક્ષ રાખીને મોજમાં રહો. અને કોના જીવનમાં ‘લંકાકાંડ’ નથી આવતો? સંઘર્ષ, સમર્પણ, અપહરણ, શું શું નથી આવતું ? અને કોના જીવનમાં ‘ઉત્તરકાંડ’ નથી આવતો? ઉત્તરાવસ્થા કોને નથી આવતી?

તો, રામકથા સૌની કથા છે. શું કામ આપણે તેને નાની બનાવીએ ? કેટલાક લોકો આલોચનાના રૂપમાં કહે છે કે, ‘અરે ભાઈ, છોડ ને આ રામાયણ !’ ‘રામાયણ’ છોડી શકાય નહીં, કેમ કે ‘રામાયણ’ તમારું જીવન છે. પછી તમે કોઈ પણ પંથના હો, શું ફરક પડે છે ? રામ એટલે શું ? રામ એટલે સાત વસ્તુ. રામનો અવતાર સાતમો અવતાર છે. આપને ત્યાં દશાવતાર મનાય છે. મારી તલગાજરડી વ્યાસપીઠ એ કહેવા માંગે છે, મારો રામ નાનો નથી. જે રામનામ લેવાથી લોકો ડરે છે કે તમે સાંપ્રદાયિક થઇ ગયા ! નહીં, રામ એટલા નાના નથી. રામની સામે આકાશ નાનું પડે. રામના શીલ આગળ સિંધુ શરમિંદો થઈ જાય છે. રામ ધૈર્ય આગળ પૃથ્વી શરમ અનુભવે છે.

ઓશોએ રામની આલોચના પણ કરી છે. કરે, સૌની નિજતા છે. આપણે સંવાદના માણસો એ વિવાદમાં શું કામ પડીએ ? એ જ ઓશોએ એકવાર કહ્યું હતું કે આ વિશ્વમાં જયારે પરમતત્ત્વને કોઈ નામ આપવાની વાત આવી ત્યારે સૌથી પહેલાં એનું નામ ‘રામ’ અપાયું હતું. હું ઓશોને સલામ કરું; કેમકે રામ એ તત્ત્વ છે; રામ એ સદા-સર્વદા છે.

મારી દૃષ્ટિએ જેને આપણે મૂર્તિમંત કહીએ છીએ, જે અવતાર લઈને રામના રૂપમાં પ્રભુએ લીલા કરી એ રામ તો છે જ; ગુણાતીત શ્રદ્ધાનો દરિયો છે એ, પરંતુ મારાં યુવાન ભાઈ-બહેનો, આજના સંદર્ભમાં રામનું જન્મવું એટલે શું? રામ એટલે આરામ. આપણા જીવનમાં જયારે પણ આરામ પ્રગટે ત્યારે રામનવમી સમજો. ચૈત્ર માસની પ્રતીક્ષા ન કરો; ત્રેતાયુગની પ્રતીક્ષા ન કરો. તમારા નિજજીવનમાં, તમારાં પત્ની-બાળકો સાથે, તમારા સમાજ સાથે જયારે તમે આરામ અનુભવો ત્યારે સમજવું કે તમારા જીવનમાં રામનો જન્મ થયો છે. એ જ છે ચૈત્ર શુક્લ નવમી. 

જે દિવસે રામનું પ્રાગટ્ય આપણા હૃદયમાં આપણે અનુભવીએ એ દિવસ જ રામનવમી ગણાય. ‘માનસ’માં રામજનમમાં પાંચ હેતુ છે. અને એ પણ ગોસ્વામીજીના શબ્દોમાં પરમવિચિત્ર અને એક કરતાં એક ચડિયાતા. એ ખાસ સંકેતો પૂરા પાડે છે.રામ કોઈ વ્યક્તિગત હેતુ માટે જગતમાં આવે છે કે વૈશ્વિક હેતુ માટે ? ક્યાં રામની આ દેશે પૂજા કરી ? વ્યક્તિગત રામની કે વૈશ્વિક રામની ? સાહેબ ! આપણા પુરાણગ્રંથોમાં એવી કથા મળે છે કે ઘણા જન્મો આપણે ત્યાં એવા થયા કે જન્મની પહેલા પૃથ્વી ઉપર અનર્થો સર્જાયા. 

ક્યાંક ભૂકંપ, ક્યાંક દિશાશૂન્યતા, ક્યાંક દિશાઓમાં અગ્નિ, ક્યાંક જવાળામુખી-આ બધાં કારણો બતાવ્યા છે, એની સામે મારા રામનો જનમ લો. એ આવે એટલે આનંદની વૃદ્ધિ થાય છે, શાંતિસ્થપાય છે, પ્રેમ સ્થપાય છે, લોકોને સત્યમાં રુચિ જન્મે છે. મનુ-શતરૂપા માટે વ્યક્તિગત રૂપે રામ આવ્યા. તુલસી કહે છે એ વ્યક્તિગત ભલે આવ્યો પણ, આખા વિશ્વ માટે એમણે અવતાર ધારણ કર્યો છે. એવા વૈશ્વિક રામની પૂજા આ રાષ્ટ્ર કરે છે. શું કામ મંદિરોમાં રામ છે ? રામ વૈશ્વિક છે.

બીજું, રામ એટલે વિરામ. આરામ અને વિરામમાં ફર્ક છે. વિરામ કહેવાય છે વિશેષ આરામને; વિશેષ, વધારે આરામ. આપણો આરામ ક્ષણભંગુર હોય છે; સમયમાં સીમિત હોય છે, પરંતુ આજે બહુ જ વિરામ મળ્યો, એવું અનુભવાય તો સમજવું કે રામ પ્રગટ થયા છે. ત્રીજું, આપણા જીવનમાં વિશ્રામ મળે ત્યારે સમજવું કે રામ પ્રગટ થયા છે. તુલસી કહે છે તેમ, ચોથું, અભિરામ. યુવાનો, યાદ રાખજો, હું પહેલી વાર કહી રહ્યો છું; તમારો ‘સુંદરકાંડ’ ચાલી રહ્યો છે. જયારે તમારો ‘સુંદરકાંડ’ ચાલી રહ્યો છે ત્યારે જ્યાં પણ અભિરામ ચીજ જુઓ ત્યારે સમજવું કે એ રામ છે.  

આપણા દિલમાં આનંદ પ્રગટે ત્યારે સમજવું કે રામ પ્રગટ થયા છે. આનંદ છે રામ. અને મારે આ કથામાં ખાસ કહેવું છે કે છઠ્ઠા રામ છે આરોગ્ય. આપણા શરીરમાં નીરોગીતા હોય ત્યારે સમજવું કે આપણા હૃદયની અયોધ્યામાં રામ જન્મ્યા છે. તલગાજરડાને એવું લાગે છે કે આરોગ્ય એ રામ છે. અને કોઈ પણ હોય; કોઇપણ ધર્મના, કોઈ પણ જાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ વેશના, કોઈ પણ ભાષાના હોય, એ જયારે તમારી પાસે આવે અને તમે એમને પ્રેમથી આવકાર આપો, એ આવકાર સાતમા રામ છે.

મારા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હતા એ મને કહેતા કે બાપુ, રામ-રામ રટવાથી રામના દર્શન થાય કે નહિ એ ખબર નથી, પરંતુ ‘રામ-રામ’ રટવાથી માણસ રામ થઇ શકે. અને એ રામ થવું એટલે કે આરામના રૂપમાં, વિરામના રૂપમાં, અભિરામના રૂપમાં, આરોગ્યના રૂપમાં, આનંદના રૂપમાં, આવકારના રૂપમાં રામ થવું એ.     
(સંકલન: જયદેવ માંકડ)