Mon Sep 28 2026

Logo

થોડી સ્માર્ટનેસથી ઘરને રાખો સ્વચ્છ ને સુઘડ...

2026-09-06 10:13:00
Author: Madhu Singh
થોડી સ્માર્ટનેસથી ઘરને રાખો સ્વચ્છ ને સુઘડ...

ટૂંકુ ને ટચ - મધુ સિંહ

ચોમાસાની ઋતુ તો સોહામણી હોય છે, પરંતુ તેની સાથે કાદવ, પાણીનો ભરાવો અને મચ્છર-માખીઓનો ઉપદ્રવ માથાનો દુ:ખાવો બની જાય છે. વરસાદમાં એક નહીં અનેક મુસીબતો હોય છે. કપડા સુકાવવાની પણ તકલીફ વધી જાય છે. એવામાં જો ઘરની સાફ-સફાઈમાં થોડી સ્માર્ટનેસ દેખાડીએ તો મકાન પણ સ્વચ્છ રહે છે. સફાઈનો ઉદ્ેશ માત્ર ધૂળ હટાવવાનો નથી, પરંતુ ભેજને પણ નિયંત્રણ કરવાનો હોય છે. ઇન્ફેક્શન ફેલાવનારા જીવાણુઓનો ફેલાવો થતો પણ અટકાવવો જરૂરી છે. એથી જ સાફસફાઈ કરો પણ સ્માર્ટ બનીને.

સૌથી પહેલા ઘરના પ્રવેશદ્વાર પર ધ્યાન આપવું. બહારથી ગંદકી ઘરમાં આવે છે. એથી એને અંદર આવતા અટકાવવી જોઈએ. ઘરના પ્રવેશદ્વાર પર સારી ગુણવત્તાવાળા ડૉરમેટ રાખવા જોઈએ. જે બહારથી આવતી તમામ ગંદકીની અંદર નથી આવવા દેતી. જોકે કેટલાંક લોકો હલકી કક્ષાના ડૉરમેટ દરવાજા પાસે રાખે છે. જે ગંદકી અટકાવવાને બદલે એને વધારવાનું કામ કરે છે. 

વરસાદ દરમિયાન ઘરમાં દરરોજ પોતું લગાવવું. એના માટે કિટાણુનાશક દવાનો ઉપયોગ કરવો. ફક્ત પાણીથી પોતુ મારવાથી જમીન ભીની રહે છે, કિટાણુ પણ ફેલાય છે અને લપસવાનો પણ ડર રહે છે. એથી માઇક્રોફાઇબરનો ઉપયોગ કરવો જોઈએ.
ચોમાસામાં કિચન અને બાથરૂમની સફાઈ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. રસોઈ જો ભેજવાળી જગ્યાએ હશે તો એ જલદી ખરાબ થઈ જશે. દાળ, મસાલા અને લોટને એર ટાઇટ ડબ્બામાં રાખવા જોઈએ. સિંકને રોજ સાફ રાખવું. રાતે સિંકમાં પાણી જમા ન થવા દેવું. કચરાની ટોપલીને રોજ ખાલી કરવી અને અઠવાડિયામાં બે વખત એને ધોવી જોઈએ. 

બાથરૂમમાં ભેજ વધુ હોય છે. એથી એક્ઝોસ્ટ ફેન જરૂરથી ચાલુ કરવો અને બારી ખૂલ્લી રાખવી. જમીન પર પાણી જમા ન થવા દેવું. ટાઇલ્સ અને ખૂણાની પણ સારી રીતે સફાઈ કરવી. પથારી, ઓશિકા અને ગાદલામાં પણ ભેજ વધુ જમા થાય છે. એથી થોડો તડકો આવે તો એને તડકામાં રાખવા. તડકો ન હોય તો વેક્યુમ ક્લિનરથી સાફ કરવા. 

વરસાદની ઋતુમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સફાઈ પણ જરૂરી છે. ટીવી, લેપટોપ, મોબાઈલ અને સ્વિચ બોર્ડ પર ધૂળ અથવા ભેજ જામી જાય છે. એથી એને સૂકા કપડાંથી સાફ કરવા. 

માત્ર ઘરને સાફ રાખવું જ પૂરતું નથી ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ તેમની સાથે જોડાયેલું હોય છે. થોડી સાવચેતી, નિયમિત સફાઈ અને ભેજ પર નિયંત્રણ ફંગસ, એલર્જી, ડેંન્ગ્યૂ, મેલેરિયા અને અન્ય ઇન્ફેક્શનથી બચાવી શકે છે.