Tue Nov 17 2026

Logo

મળતાંની સાથે આપણ હલીમળી રહીએ ને કાઢીએં દલડાનાં કૂડ...

2026-10-18 08:38:05
Author: Giriraj
મળતાંની સાથે આપણ હલીમળી રહીએ ને કાઢીએં દલડાનાં કૂડ...

વલો કચ્છ - ગિરિરાજ

દશેરા આવે છે ત્યારે યાદ આવે માનવીય વિકારો પર આદર્શતાનો જય. માનવતાનો ધૂણો ધખાવતા મહાત્મા કચ્છના પરમ સંત મેકરણ તરીકે સ્થાપિત થયાં. જેણે રામ નામ ભજનનો અનોખો મહિમા ગાયો છે. કચ્છની ધરતી પર મેકરણ ડાડાએ સંવત 1674નાં આસો વદ 14ના રોજ કુલ અગિયાર દિવ્યાત્માઓ સાથે જીવતાં સમાધિ લીધી હતી. ત્રણ સદી વીતી ગઈ હોવા છતાં કચ્છીને મન મેકણ જાણે હજુ જીવંત હોય તેવું ભાસે!

સીમમાં કોઈ સ્થળે ઊભા ઊભા તરેલા મેકરણ ભજન ગાતા હતા;
એ જી વાલીડાનાં નેણુંમાં વરસે ઝીણાં નૂર
એ આવો! આવો તો મળીએ જી.
મળતાંની સાથે આપણ હલીમળી રહીએ ને કાઢીએં દલડાનાં કૂડ.
એમાં સાયબોજી મારો રાજી રિયે ફાગણ ફૂલ્યો ઝીણે ફૂલ.
એ આવો! આવો તો મળીએ જી.
ખોટાબોલાનો આપણ સંગ ન કરીએ ને, આદ અનાદનાં બોલે કૂડ;
એવાંની સંગત આપણે કેદી ન કરીએ (એની) આંખુમાં નાખો ઝીણી ધૂડએ આવો! 
આવો તો મળીએ જી.
અંત્યજ હોય તેને ઝાઝેરી ખમ્મા એનાં કેશરવરણાં હોય નૂર;
એની તો સંગતું આપણ દોડી દોડી કરીએ ને જમડાને ઈ તો રાખે દૂર -એ આવો! 
આવો તો મળીએ જી.
કાયા માયાનો તમે ગરવ ન કરજો આઈ તો રે’વાનું છે કૂડ; 
મેકરણ કાપડી એણી વિધે બોલ્યા રે,જાવું છે પાણીહંદે પૂર 
એ આવો! આવો તો મળીએં જી.
સંત મેકરણનો રાગ સૂરીલો નહોતો, એ ગાતા ત્યારે બરાડા જેવું લાગતું. એક કુંભાર ત્યાં દોડયો આવ્યો. જોઈને પાછો વળ્યો.
‘કેમ, ભાઈ?’ મેકરણે પૂછ્યું.
‘કાંઈ નહીં, ડાડા !’
‘ના ના, કહો તો ખરા.’
‘ઈ તો મારો ગધેડો ખોવાણો’તો, તે ગોત કરવા નીકળેલ છું, ડાડા !’
મેકરણ સમજી ગયા. પોતાનો સૂર ગધેડા જેવો છે. થોડી વાર દુ:ખ પામ્યા. પણ પછી એકાએક મસ્તીમાં આવી જઈને પૂરી ખુમારીભરી સાખી લલકારી :
ન જાણું રાગ ન રાગણી, ઈ તો રઢજાં રડાં; 
હકડો રીજાવું નાથ કેબ્યાને પેદારસેં હણાં.
‘રાગ અને રાગિણીઓ હું નથી જાણતો. ગાનાર તો ગાડર (ઘેટાં)ની જેમ બરાડે છે. ભલે ભાંભરડા દેતા. મારે કાંઈ મનુષ્યોને રીઝવવાં નથી. હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તો હું મારાં જોડે જોડે મારું.’
જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા; 
ખેડી ખેડી આપો ડઈ રિયા અખિયું કઢીતા કગા.
‘રામને જેઓએ નથી ભજ્યા, તેઓ બળદનો અવતાર પામે છે. ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય ત્યારે તેમની આંખો કાગડા ઠોલતા હોય છે.’
જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ગધા; 
મીઠેજ્યું છાંટું ખણીને સેરીએ સેરીએ ભગા.
‘રામને ન ભજનારાઓ ગધેડાનો અવતાર પામે છે. પછી મીઠાંનાં છાલકાં ઉપાડી ઉપાડીને શેરીએ શેરીએ ભાગતા હોય.’
જે નર રામ ન ભુજિયા, સે સરજ્યા કૂતા;
ભૂખ ભાડવે જે પેટ મેં સેરીએ સેરીએ સૂતા.
રામને ન ભજનારા કૂતરા સરજ્યાં. પછી એ નાલાયકો ભૂખ્યાં પેટે શેરીઓમાં સૂતાં હોય છે.
એણે પછી કચ્છીમાં પોકાર કર્યો કે
ગૂઢારથ જ્યું ગાલિયું વધી વડ થઈયું, 
તાણે કે ન પૂછિયું, મું પણ ન ચઈયું.
ગાલડિયું ગૂઢેરથ જ્યું, વધી વધી વડ થયું, 
અંગે માડુએ ન પૂછ્યું, દલજી દલને રિયું.
‘જીવનનાં નિગૂઢાર્થોની વાતો મારા હૃદયમાં વધી વધીને વડ જેવડી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી, કે ન મેં કોઈને વગર પૂછ્યે કહી. ગૂઢાર્થોની વાતો મારા હૃદયમાં વધી વધીને મોટા વડ જેવડી બની ગઈ, પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી એટલે એ દિલની વાતો મારા દિલમાં જ રહી ગઈ.’
અને મને પૂછવા આવનારા કોણ હતા? મારી પાસેથી કોઈ વરદાન લેવા આવ્યા. કોઈ સંસારી લાભ લૂંટવા આવ્યા.
વડા ધણીજી વિનતિયું જાગી કોન કિયું;
વણ કમાણીએ મોજું ભાગે, 
લાજુ કો ન થિયું!
મહાન ધણી ઈશ્વરની માગણીઓ તો કોઈએ પૂરી કમાણી કર્યા વગર તેઓએ ઈનામો માગ્યાં. નાલાયકોને શરમ પણ ન આવી!
એ ગૂઢાર્થોનું જ્ઞાન મેકરણે ક્યાં જઈને મેળવ્યું?
જાં વિંઝાં જરાણમેં, તે ભવારે માથે ભાર; 
ખિલી કે ન ખીંકારેઓ કેં ન કેઓ સતકાર.
જાં વિંઝાં જીરાણમેં, કરિયાં સેણે કે સડ; 
મિટ્ટી ભેરા વ્યા મિલી હુંકારો ડિયે ન હડ.
જાં વિંઝાં જીરાણમેં, ત કોરો ઘડો મસાણ, 
જડે તડેં માડુઆ ! ઈ પલ થિંદી પાણ.
‘હું કબ્રસ્તાનમાં ગયો ત્યાં તો મારા ભાઈઓ (માટીના) અભાર તળે ચંપાયેલા હતા. મને કોઈએ હસીને બોલાવ્યો નહીં, કોઈએ મારો સત્કાર કર્યો નહીં. હું સ્મશાનમાં ગયો. સ્વજનોને મેં સાદ પાડયા. પણ એ તો માટીમાં મળી માટી બની ગયા છે. એમનું હાડકું પણ હોંકારો આપે તેમ નહોતું. હું સ્મશાનમાં ગયો. ત્યાં કોરો ઘડો ચિતા પર પડ્યો હતો. અરે માનવો, જતે દિવસે આપણી પણ એ જ પળ આવી પહોંચશે.’
ઊ ભુંગા ઊ ભેણિયું, ઊ ભિતેં રંગ પેઆ; 
મેકરણ ચેતો માડુ આ! રંગીધલ વેઆ.
આ એ જ ઝૂંપડાં છે, એ જ જગ્યાઓ છે, ભીંતો પરના એ જ રંગ કાયમ છે. પરંતુ મેકરણ કહે છે કે અરે લોકો, એને રંગનારાં ચાલ્યાં ગયાં.
કુરો કરિયાં, કિત વિંઝાં, કે’ કે કરિયાં સડ! 
જમ જોરાણું થે મુંકે, આડી ડઈ વ્યો અડ. 
હું શું કરું? ક્યાં જાઉં? કોને સાદ કરું? આ જમ જુલમી થયો અને મારી આડે પડદો નાખી ગયો.
કોણ તર્યું? કોણ ખાટી ગયું? આ અસારતામાંથી કોણઊગર્યું? 
મેકરણ કહી ગયા :
ખારાઈધલ ખટેઆ; મેડીધલ મુઠા: 
સરઘાપુરજી સેરીએ, મું ડીંઘલ ડિઠા.
ખાટી ગયા તો ખવરાવનારા; ધનને એકઠું કરનારાને તો સાથે માત્ર મૂઠો જ આવ્યો. સ્વર્ગભુવનની શેરીએ તો દાતાજનોને જતાં દીઠા છે.
અને બીજા કોણ તરી ગયા?
જિની જુવાણી જારવઈ મોડે રખેઓ મન, 
સરઘાપુરજી સેરીએ કલ્લોલું તા કન.
જેમણે જુવાની જાળવી અને મનને દાબીને જેમણે અંકુશમાં રાખ્યું, તેઓ જ સ્વર્ગપુરની શેરીએ કલ્લોલ કરી રહ્યા છે.