Tue Nov 17 2026

Logo

રમન્તે તત્ર દેવતા:

2026-10-18 08:32:26
Author: Vinod Bhatt
રમન્તે તત્ર દેવતા:

વિનોદ ભટ્ટ

ગીધુકાકાએ મને 1925 માં પ્રગટ થયેલ ‘મનુસ્મૃતિ’ પુસ્તક મેળવી આપ્યું. અત્યારે તે અલભ્ય છે, પણ ચારસો પાનાંના એ ગ્રંથની કિંમત ફક્ત બે રૂપિયા છે - અલબત્ત એ બે રૂપિયા એટલે 1925ની સાલના બે રૂપિયા. ભગવાન મનુએ આ ગ્રંથ કેટલાં હજાર વર્ષ પહેલાં લખ્યો હશે એ સંશોધનનો વિષય છે. પણ મને તો આજેય તે વાંચવાની મઝા પડી ગઈ. નારી વિશે મનુએ કેટલાક ઉપદેશો શ્ર્લોક રૂપે આપ્યા છે.

મનુ જણાવે છે કે પોતાની પત્નીને સુકેશી (સુલક્ષણા કે બાબલાની બા) કહી બોલાવવી નહીં. તેને આર્યાનું સંબોધન કરવું. ના, પોતાની ભાર્યાને ‘ડાર્લિંગ’ કહેવાની પણ તેણે ના પાડી છે. અને પરસ્ત્રીને બોલાવ્યા વગર રહી શકાતું ન હોય તો તેને સુભગા, ભવતી અને (તેની મા સાથે હોય તો) ભગિનીનું સંબોધન કરવું. (પ્રિય વાચક આમાં કેટલુંક જે મનુ પોતે, ભગવાનનું સ્ટેટસ ધરાવવાને કારણે કહી શકતા નથી એ ગીધુકાકાએ કહ્યું છે, એમ માનવું.)

બર્નાર્ડ શૉના નામે પણ આ રમૂજ ચડી છે. તે સાંકડી કેડી પરથી પસાર થતા હતા. ત્યાં સામેથી તેમનો એક કટ્ટર શત્રુ આવતો હતો. બેમાંનો એક જણ સહેજ દબાય તો જ બીજો પસાર થઈ શકે એટલી બધી સાંકડી એ કેડી હતી. શૉના શત્રુએ તેમને જણાવ્યું કે મૂર્ખ લોકોને હું રસ્તો આપતો નથી. શૉ સહેજ ખસી જતાં કહ્યું, ‘હું આપું છું.’ શૉએ જે રમૂજમાં કહ્યું છે તે મનુએ ગંભીરતાથી કહ્યું છે : ‘રસ્તે ચાલતાં સ્ત્રી સામે મળે તો તેને માર્ગ આપવો.’ (અધ્યાય 2 / શ્ર્લોક 138.) ભગવાન મનુનાં સ્ત્રી દાક્ષિણ્યનેય ટપી જાય એટલું બધું સ્ત્રી-દાક્ષિણ્ય આજના વાહન-ચાલકો ધરાવે છે. કોઈ સુંદર ક્ધયા બસસ્ટૉપ પર એકલી ઊભી હોય તો તેને લિફ્ટ આપી, જ્યાં જવું હોય ત્યાં સુધી પહોંચાડવાની તત્પરતા તે હંમેશાં દાખવતા હોય છે.

સ્ત્રી ઉપરાંત રાજા, વરરાજા, સ્નાતક અને બીમારને પણ રસ્તો આપવાનું મનુએ ફરમાન કર્યું છે. અલબત્ત, રાજાનું સ્થાન આજે પ્રધાનોએ લીધું છે ને જે રસ્તા પરથી વડા કે મુખ્ય પ્રધાનશ્રી પસાર થવાના હોય એ રસ્તો જ પ્રજા માટે કલાકો સુધી બંધ કરી દેવામાં આવે છે. આ કારણે પ્રજાજને રસ્તો આપવાનો પ્રશ્ન રહેતો નથી. પ્રધાનને રસ્તો કરી આપવાનો હોય છે. હા, સામેથી વરરાજા આવતો હોય તો સહાનુભૂતિથી તેને રસ્તો આપવો જોઈએ - બાકી તો એનાં લાગ્યાં તો એને જ ભોગવવાનાં હોય છે. એ જ રીતે સ્નાતકને પણ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ નોંધાવવા જવાનું મોડું ન થાય એ માટે તેને પણ રસ્તો કરી આપવો - આ રીતે કોઈ બેકાર સ્નાતક કે જેને અંગ્રેજીમાં ગ્રૅજ્યુએટ કહે છે તેને ઝડપથી જવા માટે માર્ગ કરી આપવામાં તેને નોકરી અપાવ્યા જેટલું પુણ્ય થાય છે, અને દરદીની રાહ જોઈ જોઈને ડૉક્ટર ભૂખે ન મરી જાય, ડૉક્ટર હત્યાનું પાપ આપણા માથે ન આવે એ કારણે દરદીને ડૉક્ટર પાસે વેળાસર જવા દેવા તેને માર્ગ આપવો.

સ્ત્રીને અબળા ગણીને તેના રક્ષણની જવાબદારી મનુએ રાજા પર નાખી છે. ના, માત્ર 33 ટકા નહીં, 100 ટકા જવાબદારી રાજાના શિરે મુકાઈ છે અને સ્ત્રીનું અપહરણ કરનારનો વધ કરવાનું પણ કહ્યું છે. (8/323.) સ્ત્રીનું હરણ કરી તેની સાથે પરણનારને આજન્મ કેદની સજા આપોઆપ થઈ જાય છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ આ રીતે અપહરણ કરનાર ત્યાંર પછીના જન્મમાં રીંછ તરીકે અવતરે છે. ગીધુકાકા જણાવે છે કે, જાહેર રસ્તા પર મદારીના નચાવ્યાથી નાચતા રીંછ તરફ આઠ આના, રૂપિયો ફેંકીને તેના પ્રત્યે દયા બતાવવી નહીં-તેને પોતાના ગુનાની સજા પોતાની રીતે ભોગવવા દેવી.

સ્ત્રીની હત્યા કરનારને મનુએ મોતની સજા ફરમાવી છે (9/232) એ પાપનું કોઈ પ્રાયશ્ર્ચિત નથી, પણ જો સ્ત્રી રાજા હોય, ને તેની હત્યા કરવામાં આવે તો એ હત્યારાઓનું સન્માન કરનારાઓને શી સજા કરવી, એ બાબત મનુએ કશું કહ્યું નથી. શક્ય છે તેમણે એવી કલ્પના પણ નહીં કરી હોય કે, ભારતવર્ષમાં આવુંય થઈ શકે છે.

ભગવાન મનુને પુત્રીઓ ચોક્કસ હોવી જોઈએ. માટે જ તેમણે કહ્યું છે કે ક્ધયા ભલે આજીવન કુંવારી રહે, પણ તેને ગુણહીન પુરુષ સાથે પરણાવવી નહીં. પણ સ્ત્રીપક્ષે મુશ્કેલી એ છે કે લગ્ન અગાઉ પુરુષના જે ગુણો માટે સ્ત્રી તેને પરણતી હોય છે એ ગુણોમાં જ લગ્ન બાદ તેને દુર્ગુણના દર્શન થાય છે. આ કારણે મોટા ભાગની સ્ત્રીઓને સારો વર મેળવવામાં ખૂબ તકલીફ પડે છે - લગ્ન પહેલાં અને લગ્ન બાદ, બંને વખત.

અત્યારનાં મા-બાપ કરતાંય મનુ મૉડર્ન વિચાર ધરાવતા હતા. તેમણે કહ્યું છે કે, ક્ધયાને તેના મા-બાપ યોગ્ય સુવ્વર શોધી આપતા ન હોય એ ક્ધયાએ નાસીને નહીં, પણ નાસ્યા વગર ઇચ્છાવર મેળવી લેવો (9/90). આવી રીતે પરણવામાં કશું જ પાપ નથી. (9/91). આવાં લગ્નથી નારાજ થયેલાં સાસુ-સસરાના આશીર્વાદ કેવી ભાષામાં માગવા એ અંગે મનુએ કશું કહ્યું નથી. હા, છોકરીને એવી ચેતવણી આપી છે કે આવી રીતે પિતાનું ઘર છોડતી વેળાએ માતા-પિતા કે ભાઈએ લગ્નમાં આપવા ધારેલ અલંકારો સાથે લઈ જવા નહીં. લઈ જાય તો તે ચોર ઠરે છે. મનુની આ વાતની મા-બાપને ખબર હોવાને કારણે નાસી ગયેલ છોકરીઓનાં ઘણાં મા-બાપો, દીકરી દાગીના ચોરી ગયાની ખોટી ફરિયાદ પોલીસમાં કરે છે ને દીકરી સગીર ને નાદાન હોવાની ફરિયાદ જમાઈ સામે કરે છે. આ ઉત્તરાર્ધવાળી હકીકતની જાણ જમાઈને લગ્ન પછી કેટલાંક વર્ષે થાય છે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

ભગવાન મનુએ કદાચ છાતી પર પથ્થર મૂકીને, ઉદારતા બતાવતાં કહ્યું છે કે બ્રાહ્મણ પોતાનાથી હલકી, ઊતરતી જ્ઞાતિમાંથી ક્ધયા લાવી શકે છે. એ જ પ્રમાણે ક્ષત્રિય અને વૈશ્ય પણ કરી શકે છે, પરંતુ બ્રાહ્મણને જો શુદ્ર સ્ત્રી પરણે તો તેની સંતતિ સાતમી પેઢીએ બ્રાહ્મણ બને છે. બ્રાહ્મણ થવા માટે આ સંતતિએ છ છ પેઢી સુધી રાહ જોવી પડે છે!

પ્રેગ્નન્ટ - ગર્ભવતી સ્ત્રી તરફ મનુને ઘણો આદર હોય એમ જણાય છે. આવી સ્ત્રી પાસેથી નાવિકોએ નદી પાર જવાની ઉતરાઈ ન લેવી એવું તેમનું ફરમાન છે. આની પાછળનો તેમનો તર્ક કદાચ એવો હશે કે સ્ત્રી ભવસાગર તારનારી છે એટલે એની પાસેથી ઉતરાઈ ન લેવાય.
મનુસ્મૃતિ તો પાછું નાગરિકશાસ્ત્ર જેવું પણ છે, તેમાં નાગરિકોનાં આચરણની વાત કરી છે. રાજમાર્ગ પર કોઈ એંઠવાડ નાખી ગંદકી ફેલાવે તો તેને સજા ફટકારવાનું તેમણે કહ્યું છે. પણ એંઠવાડ નાખનાર જો ગર્ભવતી સ્ત્રી હોય તો તેને કોઈ સજા નહીં કરતાં માત્ર ઠપકો આપીને જવા દેવાનું જણાવ્યું છે.

મનુ પુરુષ હોવાને કારણે તેમણે પુરુષો તરફ પણ થોડો પક્ષપાત બતાવ્યો છે. જેમ કે પતિ તેની પત્નીને ત્યજી શકે છે, વેચી શકે છે, છતાં એના પર પોતાનો અધિકાર રાખી શકે છે. પત્નીને દુર્ગુણી, દુરાચારી ને ભ્રષ્ટ પતિની પણ દેવની માફક સેવા-પૂજા કરવાનું જણાવ્યું છે.

મનુનું એક ફરમાન થોડું રમૂજી છે. તે જણાવે છે કે કોઈ પુરુષને એક ક્ધયા બતાવીને બીજી કોઈ ભળતી જ ક્ધયાને માંહ્યરામાં પધરાવી દે તો એ પરણનારે એક મૂલ્યમાં બંનેને પરણી જવું. આમાં તો આડકતરી રીતે એ પરણનારને સજા થતી હોય છે - બે સ્ત્રીના પતિ થવું એ કેટલી મોટી સજા છે, એની ભગવાન હોવા છતાં મનુને જાણ લાગતી નથી. પુરુષ તેની પત્નીનો ત્યાગ કેવા સંજોગોમાં કેટલો સમય રાહ જોયા પછી કરી શકે, એ પણ મનુએ ચિંતાથી લખ્યું છે. દ્વેષ કરતી પત્નીને એક વર્ષ સુધી સહન કરવી. (પતિની સહનશક્તિ વધી શકે તેમ ન હોય, અથવા તો) પત્ની એક વરસમાં ન સુધરે તો પતિએ દર-દાગીના લઈ લેવા ને તેની સાથે સહવાસ ન કરવો. પણ જો પત્ની દ્વેષીલી ન હોય પણ પ્રમાદી હોય કે પતિની ઉપેક્ષા કરતી હોય, વાતવાતમાં તેને ઉતારી પાડતી હોય તો તેનો માત્ર ત્રણ મહિના માટે જ ત્યાગ કરવો, પણ એ પહેલાં તેનાં આભૂષણો છીનવી લેવાં. સ્ત્રી સદા દુરાચારિણી, નશાખોર, બેફામપણે વર્તનાર, રોગિષ્ઠ કે ઉડાઉ હોય તો પતિ તેનો કાયમી ત્યાગ કરી શકે.

આ ઉડાઉ અથવા તો ખર્ચાળ પત્નીના ત્યાગની કલમ વર્તમાન કાયદામાં હોય તો લગભગ 99 ટકા પુરુષો પોતાની પત્નીને છોડીને સુખી થઈ જાય. ખેર!

મનુની વાણીમાં વિરોધાભાસ પણ દેખાય છે. ઉ. ત. એક બાજુ તે કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: (જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવો રમે છે) અને એ જ મનુ જણાવે છે કે સ્ત્રીઓ અસત્યની જેમ અશુભ છે (9/8). તો શ્ર્લોક (8/77)માં મનુએ એવુંય જણાવ્યું છે કે (કોર્ટમાં) સ્ત્રીની સાક્ષી પૂરતી ન ગણાય, કેમ કે સ્વભાવે તે અસ્થિર બુદ્ધિની છે. આ વાત ગીધુકાકા જરા જુદી રીતે કહે છે કે વિનુ, તારી કાકી કોઈ વાત કરે એટલે હું તેનો વિરોધ કરતો નથી, કેમ કે દસ મિનિટ પછી એ જ મારી પાસે આવીને તે જ વાતનો વિરોધ કરવા માંડે છે.
મનુએ ભલે કહ્યું કે ન સ્ત્રી શ્ર્નમળર્ટૈડ્ડ્રૂપ્ર અવૃરુટ -પણ આજે તે પુરુષને વધુ લાગુ પડે છે - પરણેલા પુરુષને...