Tue Nov 17 2026

Logo

દશેરાને દિવસે ઘોડું ન દોડવું...

2026-10-18 08:35:37
Author: Henry Shastri
દશેરાને દિવસે ઘોડું ન દોડવું...

ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી

ગયા રવિવારથી શરૂ થયેલો ભક્તિ અને શક્તિનો તહેવાર આ વર્ષ પૂરતો પૂર્ણાહુતિના આરે આવીને ઊભો છે. નવરાત્રિ દરમિયાન લોકોએ માતાની આરાધના કરી અને મન મૂકી ગરબા અને રાસની રમઝટ બોલાવી. દરેક નોરતું એક દેવીને સમર્પિત છે નવ નોરતાં પછી મંગળવારે વિજય દશમી - દશેરાનો પાવન તહેવાર છે. દર વર્ષે આસો મહિનાની સુદ દશમે ઉજવાતો તહેવાર અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મની જીતના પ્રતીક તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અસત્ય પર વિજય મેળવ્યો હોવાથી રાવણ દહન કરવામાં આવે છે.

ગુજરાતીમાં દશેરાના તહેવાર સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રખ્યાત અને રોચક કહેવત છે ‘દશેરાના દિવસે ઘોડું ન દોડવું.’ શબ્દકોશમાં આપેલા અર્થ અનુસાર ‘દશેરાને દિવસે ઘોડું ન દોડવું ’ એટલે ખરે વખતે કે અણીના સમયે અપેક્ષા અનુસાર કામ ન થવું અથવા ઓછું થવું. કોઈ વસ્તુ કે આવડતની સૌથી વધુ જરૂર હોય, ત્યારે જ અણીના સમયે કામ ન આવે અથવા  નિષ્ફળ જાય એવો પણ ભાવાર્થ છે. આ કહેવત પાછળ એક પૌરાણિક કહેવતકથા જોડાયેલી છે, જે મહાભારતના મુખ્ય પાત્ર કર્ણ અને ગુરુ પરશુરામ સાથે સંબંધિત છે.

કુંતી પુત્ર કર્ણ એક મહાન અને અપ્રતિમ ધનુર્ધર હતો. કર્ણની ઈચ્છા અર્જુનથી શ્રેષ્ઠ બનવા માગતો હતો. બ્રહ્માસ્ત્ર અને ભાર્ગવાસ્ત્ર જેવા પરમ શક્તિશાળી શસ્ત્રો શીખવાની ઈચ્છા હતી. એણે દ્રોણાચાર્ય પાસે બ્રહ્માસ્ત્ર શીખવાની માગણી કરી. પણ અર્જુન પ્રત્યેનો તેનો દુષ્ટ ભાવ જાણીને દ્રોણે તેને બ્રહ્માસ્ત્ર ન શીખવ્યું. અર્જુન કરતાં શ્રેષ્ઠ થવા તે જામદગ્ન્ય પરશુરામ પાસે ગયો. સિદ્ધિ મેળવવા અસત્ય બોલ્યો કે હું ભાર્ગવ બ્રાહ્મણ છું. પરશુરામે તેને બ્રહ્માસ્ત્ર શીખવ્યું. આમ કર્ણએ સાચી ઓળખ છુપાવી ભગવાન પરશુરામ પાસે અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા મેળવી.

એક દિવસની વાત છે. ગુરુ પરશુરામ કર્ણના ખોળામાં માથું મૂકીને નિદ્રાધ્યાન થયા હતા. એ સમયે એક ઝેરી ભમરો કર્ણની સાથળ પર આવીને ડંખ મારવા લાગ્યો. ગુરુની ઊંઘ ન બગડે તે માટે કર્ણ લોહી નીકળ્યું હોવા છતાં સહેજ પણ હલ્યા વિના અસહ્ય પીડા સહન કરતો રહ્યો. લોહી ગુરુ પરશુરામના શરીરને અડકતા તેઓ જાગી ગયા. આવી અસહ્ય પીડા બ્રાહ્મણ તો સહન કરી જ ન શકે. એટલે પરશુરામને શંકા પડી કે કર્ણ ક્ષત્રિય હોવો જોઈએ. કર્ણએ સત્ય સ્વીકારી લીધું પણ પરશુરામ ક્રોધિત થયા અને કર્ણને શ્રાપ આપ્યો કે ’તેં અસત્ય બોલીને મારી પાસેથી વિદ્યા મેળવી છે. જીવનના સૌથી મહત્ત્વના યુદ્ધમાં આ વિદ્યાની સૌથી વધુ જરૂર હશે, ત્યારે જ તું આ બધી વિદ્યા ભૂલી જઈશ અને તારું અસ્ત્ર કામ નહીં આવે. અંતિમ સમયે સમકક્ષ યોદ્ધા સાથે લડતાં તને બ્રહ્માસ્ત્રનું વિસ્મરણ થશે’. પરશુરામ પાસે અભ્યાસ કરતો હતો તે અરસામાં કર્ણે પ્રમાદવશ એક બ્રાહ્મણની હોમધેનુના વાછરડાની હત્યા કરી હતી. બ્રાહ્મણે તેને શાપ આપેલો : ‘યુદ્ધમાં ભૂમિ તારા રથચક્રને ગ્રસી જશે.’ 

કથા અનુસાર મહાભારતનું મહાયુદ્ધ ચાલતું હતું ત્યારે અર્જુન સાથેના અંતિમ અને નિર્ણાયક યુદ્ધના દિવસે (જે દિવસને દશેરા/વિજયાદશમી તરીકે પણ યાદ કરાય છે) કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું. ગુરુના શ્રાપને કારણે કર્ણ પોતાની વિદ્યા અને દિવ્યાસ્ત્રો ચલાવવાનો મંત્ર પણ ભૂલી ગયો. સારથિ શલ્યએ પણ સાથ આપવાની ના પાડી દીધી. આમ, વર્ષો સુધી જે ઘોડા (અહીં ઘોડાનો અર્થ રથ, શક્તિ અને વિદ્યાના પ્રતીક તરીકે છે) અને વિદ્યા પર કર્ણને ગર્વ હતો, તે સૌથી મહત્ત્વના દિવસે (દશેરાના દિવસે) જ કામ ન આવ્યા. આ ઘટના પરથી લોકજીવનમાં કહેવત પડી ગઈ કે ‘ગમે તેટલી તૈયારી કરી હોવા છતાં દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું.’

ભાષા  વૈભવ 

વરુણાસ્ત્ર, સર્પાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર

નવરાત્રિ અને વિજયાદશમી સંબંધિત રજૂઆતમાં પણ ગુજરાતી ભાષાનો વૈભવ નજરે પડે છે. વિજયાદશમી સંબંધિત કહેવતકથામાં એક શબ્દ છે જામદગ્ન્ય પરશુરામ. જામદગ્ન્ય એટલે જમદગ્નિનો પુત્ર, પરશુરામ. જમદગ્નિ એટલે ઉગ્ર ક્ષત્રિય પુત્ર. જમદગ્નિ નામ પ્રમાણે બહુ જલદ સ્વભાવના ઋષિ હતા. કર્ણએ અસ્ત્ર - શસ્ત્રની વિદ્યા મેળવી. બંને શબ્દ અલગ અર્થ ધરાવે છે. શસ્ત્ર એટલે એક જાતનું મારવાનું હથિયાર. આયુધ, હાથથી વાપરવાનું હથિયાર.

જેમ કે તલવાર અને ત્રિશુલ. અસ્ત્ર એટલે જેની મદદથી કોઈ ચીજ ફેંકી શકાય તેવું હથિયાર. જેમકે, ધનુષ, બંદૂક. ધનુષથી તીર ફેંકી શકાય અને બંદૂકથી ગોળી. ધનુષ્ય શસ્ત્ર અને એમાંથી છૂટતું બાણ અસ્ત્ર. પૌરાણિક કથાઓમાં મંત્ર ભણીને મૂકવામાં આવતા અસ્ત્રનો ઉલ્લેખ છે. મંત્ર ભણીને અમુક અમુક નામનાં અસ્ત્ર ફેંકવામાં આવતાં અને તે જેવી જાતનાં હોય તેવી દુશ્મનની ઉપર અસર કરતાં. વરુણાસ્ત્રથી વરસાદ પડતો, સર્પાસ્ત્રથી શત્રુઓ સાપના ભયમાં પડતા. બ્રહ્માસ્ત્ર એટલે બ્રહ્માએ બનાવેલું એક અત્યંત વિનાશક શસ્ત્ર. આ અસ્ત્રનો પ્રહાર ક્યારેય ખાલી જતો નથી અને તે સમગ્ર વિશ્વનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વામિત્રે રામને આપેલ દિવ્ય અમોઘ માંહેનું એક અસ્ત્ર. ભાર્ગવાક્ષત્ર પરશુરામએ તૈયાર કરેલું શસ્ત્ર તરીકે પણ ઉલ્લેખ છે. અગ્નિહોત્ર એટલે જીવન પર્યંત આચરવાનું અગ્નિવ્રત. અગ્નિહોત્રમાં ગાયનું દૂધ વપરાય. અગ્નિહોત્ર માટેની ગાય હોમધેનુ કહેવાય.

હોમધેનુ એટલે દૈવી ગાય કામધેનુ (સુરભિ)ની પુત્રી અને મહર્ષિ વસિષ્ઠની પ્રસિદ્ધ નંદિની ગાય તરીકે પણ ઓળખાય છે. નવદુર્ગા એટલે નવરાત્રી દરમિયાન પૂજાતા માતાજીના નવ પવિત્ર સ્વરૂપ: શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. ત્રિગુણ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ માનવ પ્રકૃતિના ત્રણ ગુણ: તમસ (જડતા), રજસ (ગતિવિધિ) અને સત્ત્વ (જ્ઞાન અને સીમાઓ તોડવી) પર વિજય મેળવવાનું પર્વ નવરાત્રી છે. ગરબી અને ગરબો બેઉ ગેય રચનાઓ છે. નાની આત્મલક્ષી રચના ગરબી તરીકે ઓળખાય છે અને મોટી વર્ણનાત્મક પરલક્ષી રચના ગરબા કહેવાય છે. ‘શ્યામ રંગ સમીપે ન જાવું’, ‘શોભા સલૂણા શ્યામની’ વગેરે આત્મલક્ષી પ્રકાર છે અને તેમાં પાંચ સાત કડીથી વધારે નથી હોતી, જ્યારે ‘ગરબે ઘૂમવાને ગોરી નીસર્યાં રે લોલ’ જેવી દસથી વધુ કડી ધરાવતી રચના વર્ણનાત્મક અને પરલક્ષી હોવાથી ગરબા કહેવાય છે.