કેનવાસ - અભિમન્યુ મોદી
ઈશ્વરે મનુષ્યને આપેલા અનેક વરદાનોમાં યાદશક્તિનું સ્થાન બહુ ઊંચું છે, પરંતુ તેનાથીયે મોટું અને પવિત્ર વરદાન જો કોઈ હોય તો તે વિસ્મૃતિ એટલે કે ભૂલી જવાની નૈસર્ગિક ક્ષમતા છે. કાળક્રમે જૂનાં જખમો રુઝાઈ જાય છે, વિરહની તીવ્રતા ઓછી થાય છે અને અપમાનોની ડંખતી ક્ષણો ઝાંખી પડી જાય છે, કારણ કે આપણી ચિત્તવૃત્તિઓ સમયની સાથે સ્મૃતિઓના રંગોને ધીમે ધીમે આછા કરતી જાય છે. દરિયાકિનારે રેતી પર દોરેલાં ચિત્રોને જેમ પાણીનું મોજું આવીને સાફ કરી જાય, તેમ સમય પણ આપણી માનસિક પીડાઓ પર પંપાળીને એક ધૂંધળું આવરણ ચડાવી દે છે.
જો માણસને ભૂલી જવાની આ કુદરતી શક્તિ ન મળી હોત, તો જિંદગીમાં અનુભવેલું દરેક દર્દ, દરેક હૃદયભંગ અને દરેક ગ્લાનિ પોતાના મૂળ સ્વરૂપે અકબંધ રહીને માણસના મગજને ક્યારનુંય ક્રેઝી કરી ચૂકી હોત. વિસ્મૃતિ એ કોઈ નિષ્ફળતા કે મગજની ખામી નથી, પણ આત્માના નવસર્જન માટે કુદરતે આપેલી એક અદ્ભુત સંજીવની છે, જેના સહારે માણસ ભૂતકાળના બોજને પાછળ છોડીને વર્તમાનમાં નવેસરથી શ્વાસ લઈ શકે છે.
જોકે એકવીસમી સદીની ટેકનોલોજીએ માણસ પાસેથી આ મોટું અને પવિત્ર વરદાન છીનવી લીધું છે. ડિજિટલ ક્રાંતિ અને ક્લાઉડ સ્ટોરેજના આગમન સાથે જ માનવજાતે ભૂલી જવાનો અધિકાર ગુમાવી દીધો છે. જે સિલિકોન ચિપ્સ અને ડિજિટલ સર્વર્સ પર આપણો ડેટા સચવાય છે, તે મશીનો પાસે ન તો હૃદય છે કે ન તો સંવેદના. અલ્ગોરિધમ્સ કોઈ પણ ક્ષમા કે અનુકંપા વગર દરેક પિક્સેલ, દરેક ટેક્સ્ટ મેસેજ અને દરેક ફોટોગ્રાફને ગણિતીય ચોકસાઈ સાથે સાચવી રાખે છે.
દસ વર્ષ પહેલાં લખાયેલો કોઈ કાચો વિચાર, કોઈ વ્યક્તિ સાથે થયેલો અર્થહીન ઝઘડો કે જે ચહેરાને આપણે કાયમ માટે ભૂલી જવા માંગતા હોઈએ, તે બધું જ ડિજિટલ સ્મૃતિગૃહમાં એકદમ તાજું અને સુરક્ષિત પડ્યું રહે છે. જે ગોપનીયતા અને સ્મૃતિઓની વિલીનતા સમયના પ્રવાહમાં સ્વાભાવિક રીતે ઘટવી જોઈતી હતી, તેને ટેકનોલોજીએ કાયમી બનાવી દીધી છે.
આર્જેન્ટિનાના પ્રખર સાહિત્યકાર જોર્જ લુઈસ બોર્હેસે તેમની એક જગવિખ્યાત વાર્તા ‘ ફ્યુનેસ ધ મેમોરિયસ’ માં એક એવા પાત્રની કલ્પના કરી હતી જે એક અકસ્માત પછી દુનિયાની દરેક નાની-મોટી વિગત ક્યારેય ભૂલી શકતો નથી. તે રસ્તા પરથી પસાર થતાં દરેક વૃક્ષ પરના પાંદડાઓની સંખ્યા અને આકાશમાં બદલાતાં વાદળોના દરેક આકારને આજીવન યાદ રાખી શકતો હતો.
બોર્હેસે બહુ ઊંડાણથી નોંધ્યું છે કે અદ્ભુત યાદશક્તિ ધરાવતો આ માણસ હકીકતમાં વિચારવા માટે જ અસમર્થ બની ગયો હતો, કારણ કે વિચારવું એટલે સામાન્યીકરણ કરવું, સરખામણી કરવી અને બિનજરૂરી વિગતોને ભૂલી જવી. અવિરત સ્મૃતિઓના વિરાટ બોજ હેઠળ દબાયેલો ફ્યુનેસ અંતે માનસિક રીતે ભાંગી પડે છે.
આજે આખી માનવજાત ધીમે ધીમે આ ફ્યુનેસ જેવી સ્થિતિ તરફ ધકેલાઈ રહી છે. આપણે અણગમતી વિગતો, જૂના ભૂતકાળ અને બિનજરૂરી સ્મૃતિઓના પહાડ નીચે દબાઈને જીવી રહ્યા છીએ, જ્યાં ભૂતકાળ આપણો પીછો છોડવા તૈયાર નથી.
સૌથી મોટો આત્મિક ઉપદ્રવ ત્યારે ઊભો થાય છે જ્યારે સ્માર્ટફોનની નોટિફિકેશન સિસ્ટમ અચાનક પોપ-અપ થઈને જૂની સ્મૃતિઓનો વિસ્ફોટ કરે છે. કોઈ સ્વજનની કાયમી વિદાય પછી કે તૂટેલા સંબંધના આઘાતમાંથી માણસ માંડ માંડ બહાર આવી રહ્યો હોય, ત્યારે સ્ક્રીન પર ચમકતો સંદેશો પૂછે છે કે ‘પાંચ વર્ષ પહેલાં આજના દિવસે તમે શું કરી રહ્યા હતા તે જુઓ... ’. મશીન ક્યાંય દયા દાખવ્યા વગર એ જ સ્મિત, એ જ ચહેરો અને એ જ સુંદર ક્ષણને આંખો સામે લાવીને ઊભી કરી દે છે, જેને ભૂલવા માટે માણસે વર્ષો સુધી માનસિક સંઘર્ષ કર્યો હોય છે. આ માત્ર નોસ્ટાલ્જિયા નથી, પણ એક પ્રકારનો ડિજિટલ ત્રાસ છે. માણસ પોતાની નબળાઈઓમાંથી શીખીને આગળ વધવા માંગે છે, પરંતુ સોશ્યલ મીડિયાની આર્કાઇવ્સ તેને દરરોજ તેના ભૂતકાળનો અરીસો બતાવીને વર્તમાનમાં જીવવા દેતા નથી. ભૂતકાળ હવે એક એવું સરનામું બની ગયું છે જ્યાંથી આપણે નીકળી તો ગયા છીએ, પણ તેનો દરવાજો ક્યારેય બંધ નથી થતો.
જો આપણે આપણી આંતરિક શાંતિ અને સંવેદનશીલતાને બચાવવી હોય, તો આપણે ભૂલી જવાના અધિકારને પુન:સ્થાપિત કરવો પડશે. સ્મૃતિઓ એ તેલચિત્ર જેવી હોવી જોઈએ, જે સમયની સાથે ધીમે ધીમે આછી થાય અને જેના રંગો એકબીજામાં ભળીને સુંદર વિરામ આપે. દરેક વિગતને હાઇ-ડેફિનેશનમાં સાચવી રાખવાની ઘેલછા કવિતાની હત્યા કરી નાખે છે, કારણ કે ક્ષમા અને સ્વીકાર હંમેશાં વિસ્મૃતિની પડછાયામાં જ પાંગરે છે. ભૂતકાળની દરેક ભૂલને ડિજિટલ ચોપડે અમર બનાવી દેવાથી માણસનો આંતરિક વિકાસ રુંધાઈ જાય છે. કોઈ વસ્તુને ભૂલી જવી એ ઇતિહાસનું અપમાન નથી, પણ આજના દિવસને અને નવા અંકુરને ઊગવા માટે જગ્યા કરી આપવાની એક પવિત્ર પ્રક્રિયા છે. સ્માર્ટફોનની ગેલેરીમાંથી બિનજરૂરી ફોટા ડિલીટ કરવા અને જૂના મેસેજનો મોહ છોડી દેવો એ માત્ર ટેકનોલોજીકલ પ્રક્રિયા નથી, પણ મનને નવેસરથી શ્વાસ લેવા માટેની મુક્તિદાયક ક્ષણ છે.