મિલકતની નોંધપોથી - નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
સામાન્ય સંજોગોમાં જમીન/ મિલકતને લગતા વેચાણ, ખરીદ તથા અન્ય વહેવાર રેવન્યૂ રેકૉર્ડ યાને 7:12 તથા હકપત્રકને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. રેવન્યૂ રેકૉર્ડ પર જે વ્યક્તિ માલિક તથા કબજેદાર દર્શાવ્યા હોય તેને માલિક કબજેદાર માની લઈ જમીનના વહેવાર તેવી વ્યકિત સાથે કરવામાં આવે છે.
જોકે કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લેતાં 7:12 હકકપત્રક યાને રેવન્યૂ રેકૉર્ડ પર જેઓનાં નામ માલિક / કબજેદાર દર્શાવ્યાં હોય તે કાયદેસરના માલિક/ કબજેદાર ન પણ હોય અથવા તેમની સાથે અન્ય વ્યકિત પણ સહમાલિક હોઈ શકે છે અથવા જેઓનાં નામ 7:12 /હકપત્રકમાં દર્શાવેલ હોય તે માલિક/ કબજેદાર ન હોય અને અન્ય કોઈ વ્યક્તિ માલિક /કબજેદાર હોઈ શકે છે. આમ મિલકતની માલિકી માત્ર રેવન્યૂ રેકૉર્ડના આધારે નક્કી થઈ શકે નહીં.
સામાન્ય રીતે મહેસૂલી અધિકારીઓ દરેક મિલકતના તબદીલીના વ્યવહારો મુજબના હકપત્રક રેવન્યૂ રેકૉર્ડમાં ફેરફારની નોંધ કરતા હોય છે, વારસાઈ, વેચાણ, બક્ષિસ, વહેંચણ વગેરે જેવા વ્યવહારો જે તે મિલકતના રેવન્યૂ રેકૉર્ડમાં સક્ષમ મહેસૂલી અધિકારી નોંધ કરતા હોય છે, પરંતુ માત્ર રેવન્યૂ રેકૉર્ડમાં થયેલ નોંધ મિલકતના એકલા અને સાચા માલિક હોવાનું કદાચ સાચું હોઈ શકે નહીં અને મિલકતમાં ટાઇટલ ક્લિયર છે કે કેમ તેવું પણ કહી શકાય નહીં.
કોઈ પણ મિલકતમાં રેવન્યૂ રેકૉર્ડમાં ગમે તે મતલબની નોંધ હોય તેમ છતાં મિલકતની માલિકીનો પ્રશ્ર્ન હોય તો તે આધારભૂત દસ્તાવેજને આધારે નક્કી થઈ શકે. જયારે મિલકતની માલિકી અંગેની તકરાર-દાવો કરવામાં આવે ત્યારે માલિકીના દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ મિલકતની માલિકી નક્કી કરવાની હકુમત અને સત્તા માત્ર અને માત્ર સિવિલ કોર્ટને જ છે.
જ્યારે કોઈ મિલકતની માલિકી અંગે સિવિલ કોર્ટમાં દાવો થાય ત્યારે તે મિલકત સંબંધી મહેસૂલ અધિકારી દ્વારા ગામ દફ્તરે નોંધાયેલ રેવન્યૂ રેકૉર્ડ સિવિલ દાવાના કામે આખરી યાને અંતિમ પુરાવા નથી. યાને સિવિલ કોર્ટના દાવાના કામમાં રેવન્યુ રેકૉર્ડ બંધનકર્તા નથી.
રેવન્યુ રેકૉર્ડનો ઉપયોગ માત્ર સરકાર દ્વારા મહેસૂલની રકમ વસૂલવા માટે જ કરવામાં આવે છે અને તે મુજબની પરિસ્થિતિ સ્થાપિત થયેલી છે કે રેવન્યૂ રેકૉર્ડની નોંધોનું મહત્ત્વ ફક્ત સરકારી નાણાંકીય વસૂલાતની સવલત રહે તે પૂરતી મર્યાદિત છે અને તે કોઈ મિલકતમાં કોઈ હક, અધિકાર કે ટાઈટલ ઉત્પન્ન કરતા નથી કે તેનાથી કોઈના હક, અધિકાર કે ટાઈટલ છીનવાઈ જતાં નથી. મિલકતોમાંની માલિકી રેવન્યૂ રેકૉર્ડમાં કરવામાં આવેલી નોંધ પર માત્ર આધાર પર નક્કી કરી ન શકાય.
રેવન્યૂ રેકૉર્ડનું માત્ર સંભવિત મૂલ્ય છે. તેમ જ કોઈપણ વ્યકિત કે જે ખરી હકીકતે કોઈ મિલકતમાં પોતાનો દિવાની હક ધરાવતો હોય તેવી વ્યક્તિ તે મિલકતના રેવન્યૂ રેકૉર્ડમાં થયેલ ફેરફાર સંબંધી નોંધને ચૅલેન્જ કરી સક્ષમ દિવાની કોર્ટ પાસેથી દાદ માગી શકે છે. તેથી કહી શકાય કે રેવન્યૂ રેકૉર્ડનું માત્ર સંભવિત (અનુમાનકીય) મૂલ્ય છે. સક્ષમ દીવાની કોર્ટ માલિકી અંગેના દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ મિલકતની માલિકી નક્કી કરે છે.
કોઈપણ વ્યકિત કે જે કોઈ મિલકતના રેવન્યૂ રેકૉર્ડ પર નામ ન હોય, પરંતુ તે મિલકતમાં દિવાની હક, અધિકાર ધરાવતો હોય તેવી વ્યકિત સિવિલ કોર્ટમાં તકરાર ઉપસ્થિત કરતા અટકતો નથી યાને તકરાર ઉપસ્થિત કરવા હક, અધિકાર માગવા હકકદાર છે. ભલે તે વ્યક્તિએ આવી તકરાર જ્યારે તે મિલકતમાં ફેરફારની નોંધ કરવામાં આવી હોય ત્યારે ઉપસ્થિત કરી ન હોય તેમ છતાં તે વ્યક્તિ દીવાની તકરાર ઉપસ્થિત કરી શકે છે. અને તેવી પરિસ્થિતિમાં તેવી વ્યક્તિને પ્રતિરોધ યાને એસ્ટોપલ લાગુ પડતો નથી. એમ કહી શકાય કે મિલકતની માલિકી માત્ર રેવન્યૂ રેકૉર્ડના આધારે નક્કી થઈ શકે.
(સંદર્ભ: કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલના કાયદેસરના વારસો અને પ્રતિનિધિ વિરુદ્ધ ચંદ્રકાંત ઈશ્વરભાઈ પટેલ - નામદાર ગુજરાત હાઈ કોર્ટ)