મહેસાણા : મહેસાણાના સતલાસણા તાલુકાના બેડસ્મા ગામે પુત્રના વરઘોડા દરમિયાન હુમલો કરી પથ્થરમારો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વરઘોડો કાઢવા બાબતે ઉશ્કેરાયેલા સમાજના સાત જેટલા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે સતલાસણા પોલીસ મથકે સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
બેન્ડ-વાજા બંધ કરી દેવા ધમકી આપી
આ સમગ્ર ઘટનાની મળતી વિગત મુજબ સતલાસણાના બેડસ્મા ગામે રહેતા પ્રધાનજી ચૌહાણના પુત્ર નવઘણસિંહના લગ્ન હોવાથી 23 જાન્યુઆરીની સાંજે ફાર્મ હાઉસથી ગામમાં વરઘોડો નીકળ્યો હતો. બેન્ડ-વાજા સાથે નીકળેલો વરઘોડો જ્યારે ગામના ચોકમાં પહોંચ્યો અને સબંધીઓ રાસ-ગરબા રમી રહ્યા હતા. ત્યારે ગામના જ કાળુસિંહ રંગતસિંહ ચૌહાણ અને રાજદીપસિંહ કાળુસિંહ ચૌહાણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ 'આ વરઘોડો કોને પૂછીને કાઢ્યો છે?' તેમ કહી બિભત્સ શબ્દો બોલવાનું શરૂ કરી અને બેન્ડ-વાજા બંધ કરી દેવા ધમકી આપી હતી.
સાત શખ્સ વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ
આ પથ્થરમારામાં વરરાજાના સંબંધી ઉદલબા સિધ્ધરાજસિંહને જમણા હાથની કોણીએ ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સતલાસણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંતે પ્રધાનજી ચૌહાણે આ સાતે શખ્સ વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાળુસિંહ રંગતસિંહ ચૌહાણ, રાજદીપસિંહ કાળુસિંહ ચૌહાણ, વિક્રમસિંહ નટવરસિંહ ચૌહાણ, સંજયસિંહ મેતુસિંહ ચૌહાણ, ભરતસિંહ કનુસિંહ ચેલસિંહ ચૌહાણ, વિક્રમસિંહ બચુસિંહ ચૌહાણ અને નિલેશસિંહ કરણસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો હતો.