Mon Oct 05 2026

Logo

ગુનેગારી જગતમાં સિક્કો જમાવવા શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કાવતરામાં જોડાયા

2026-02-17 14:32:00
Author: Yogesh C. Patel
ગુનેગારી જગતમાં સિક્કો જમાવવા શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કાવતરામાં જોડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગને કથિત રીતે ઑપરેટ કરતા ફરાર આરોપી શુભમ લોણકર સંબંધી સોશ્યલ મીડિયા પોસ્ટથી પ્રભાવિત થઈને ગુનેગારી જગતમાં પોતાનું નામ બનાવવા આરોપીઓ શેટ્ટી ટાવર પર ગોળીબારના કાવતરામાં સામેલ થયા હતા. પકડાયેલા આરોપીઓએ યુપી એસટીએફની પ્રાથમિક પૂછપરછમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
 
આરોપીએ જણાવ્યું હતું કે શુભમ લોણકર ગૅન્ગ માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયા પર સતત આવતી અનેક પોસ્ટ તેમણે જોઈ હતી. આ પોસ્ટમાં ગૅન્ગના કારનામા વિશે લખેલું હોય છે. ક્યારેક ગુણગાન ગાવામાં આવતાં તો ક્યારેક ગૅન્ગના ફફડાટનો ઉલ્લેખ રહેતો. પરિણામે આવી પોસ્ટથી પ્રભાવિત થઈને આરોપીઓ ગુનેગારી જગતમાં પોતાની છાપ ઊભી કરવા માગતા હતા.
 
આ જ ઉદ્દેશથી આરોપીઓ વિષ્ણુ કુશવાહા સાથે જોડાયા હતા. રાજસ્થાનના ગંગાનગરમાં પાંચ કરોડની ખંડણી માટે ગોળીબાર કરનારા લોણકર ગૅન્ગના ગોલુ પંડિત સાથે વિષ્ણુની મિત્રતા હતી. એ કેસમાં ગોળીબાર માટે ગોલુને મોટી રકમ ચૂકવવામાં આવી હતી. શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર માટે પણ વિષ્ણુએ જ આખી ટીમ બનાવી હોવાનું કહેવાય છે.

પકડાયેલા આરોપીમાંથી ચાર જણ અગાઉ મુંબઈ આવ્યા હતા અને અનેક વાર શેટ્ટી ટાવરની રૅકી કરી ગયા હતા. શૂટર માટે મુંબઈમાં છોડવામાં આવેલા સ્કૂટરની ડિકીમાંથી સેમી ઑટોમેટિક પિસ્તોલ મળી હતી. આ પિસ્તોલથી જ ગોળીબાર કરાયો હતો, એવું આરોપીએ જણાવ્યું હતું.