સતત ત્રણ મૅચમાં દાવના પહેલા જ બૉલમાં વિકેટ લેનાર પ્રથમ બોલર
કોલકાતાઃ અહીં રવિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે રાજસ્થાન રૉયલ્સ (RR)નો બ્રિટિશ પેસ બોલર જોફ્રા આર્ચર 35 રનમાં ફક્ત એક વિકેટ લઈ શક્યો હતો, પરંતુ તેને એ એક વિકેટે રેકૉર્ડ અપાવ્યો છે. આ વખતે જોફ્રાએ આગઝરતી બોલિંગ કરી અને એવો વિક્રમ રચી દીધો જે 19 વર્ષની આઇપીએલમાં અગાઉ કોઈએ નહોતો કર્યો.
જોફ્રાએ પહેલા જ બૉલ પર કોલકાતાની વિકેટ લીધી હતી. તેણે ઓપનર ટિમ સિફર્ટને આઉટ કર્યો હતો. જોકે જોફ્રાના પ્રથમ બૉલ પર આઉટ થનાર તે પહેલો બૅટ્સમૅન નથી. સતત ત્રીજી મૅચમાં જોફ્રાએ ઇનિંગ્સના પહેલા જ બૉલ પર વિકેટ લીધી. આ પહેલાં તેણે બેંગ્લૂરુના ફિલ સૉલ્ટને અને એ અગાઉ હૈદરાબાદના અભિષેક શર્માને દાવના પહેલા જ બૉલ પર આઉટ કર્યો હતો.
આઇપીએલના ઇતિહાસમાં કોઈ બોલરે લાગલગાટ ત્રણ મૅચમાં દાવના પ્રથમ બૉલમાં વિકેટ લીધી હોય એવું પહેલી જ વખત બન્યું છે. જોફ્રાએ આ વખતની ટૂર્નામેન્ટમાં પાવરપ્લેમાં સૌથી વધુ છ વિકેટ લીધી છે.
એટલું જ નહીં, જોફ્રાએ મોહમ્મદ શમીના એક વિક્રમની બરાબરી પણ કરી હતી. અત્યાર સુધી શમી એકમાત્ર બોલર હતો જેણે આઇપીએલના ઇતિહાસમાં પાંચ વખત દાવના પ્રથમ બૉલમાં વિકેટ લીધી હતી. જોકે જોફ્રાએ તેની બરાબરી કરી લીધી છે.