ટૉરન્ટોઃ કૅનેડાના પુરુષોની ક્રિકેટ ટીમ થોડા સમયથી ફિક્સિંગના આરોપો વચ્ચે ઘેરાયેલી છે ત્યારે ટીમના હેડ-કોચ મોન્ટી દેસાઈએ હોદ્દો છોડી દેતાં કૅનેડાની ક્રિકેટ વધુ ચર્ચામાં આવી છે. તેમણે સોશ્યલ મીડિયા મારફત આ નિર્ણયની જાહેરાત કરી છે.
મોન્ટી દેસાઈને હજી આ વર્ષના મે મહિનામાં બીજી વખત હેડ-કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો બીજો કાર્યકાળ માત્ર ત્રણ મહિના જ રહ્યો. ટીમનો સાથ છોડવાનો તેમનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આ ટીમ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહી છે.
મોન્ટી દેસાઈએ રાજીનામાની જાહેરાતમાં લખ્યું, `મારો આ કાર્યકાળ નાનો, પણ અર્થપૂર્ણ રહ્યો. દરેક સ્થિતિ તમને કંઈક નવું શીખવતી હોય છે. આ ટીમ સાથેના અનુભવે મારા આત્મવિશ્વાસને દૃઢ બનાવ્યો છે. હું મારી આ ટૂંકી સફર માટે ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફનો પણ આભારી છું.'

ટી-20 વર્લ્ડ કપ, 2026 બાદ આઇસીસીના ઍન્ટિ-કરપ્શન યુનિટે ભ્રષ્ટાચારને લઈને તપાસ શરૂ કરી છે. દરમ્યાન આઇસીસીએ કૅનેડા બોર્ડ માટેનું ભંડોળ અટકાવી દીધું છે. એ ઉપરાંત, આઇસીસીના અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર તરીકેના માન્યતા પણ રદ કરવામાં આવી છે અને એ પુનઃસ્થાપિત કરવા આઇસીસીએ અમુક શરતો મૂકી છે.
મોન્ટી દેસાઈ ભૂતકાળમાં વેસ્ટ ઇન્ડિઝના બૅટિંગ-કોચ હતા. 2019માં તેઓ યુએઇની ટીમના પણ બૅટિંગ-કોચ હતા. તેઓ રાજસ્થાન રૉયલ્સ તથા ગુજરાત લાયન્સ ટીમ સાથે પણ કામ કરી ચૂક્યા છે.