Sun Aug 23 2026

Logo

ભારતીય ક્રિકેટમાં જોરમાં ચર્ચા...બીજી ટેસ્ટમાં આ દિગ્ગજ સ્પિનરને પડતો મૂકીને કદાચ આ નવા સ્પિનરને અજમાવાશે

Colombo   2026-08-20 18:53:11
Author: Ajay Motiwala
Article Image

કોલંબોઃ ભારતે બુધવારે શ્રીલંકા સામે મૂળ રાજસ્થાનના યુવાન સ્પિનર માનવ સુથારની (બન્ને દાવ મળીને) કુલ 10 વિકેટની તેમ જ દેવદત્ત પડિક્કલના પ્રથમ દાવના 167 રનની મદદથી સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતી લીધી ત્યાર બાદ હવે રવિવાર, 23મી ઑગસ્ટથી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ પર રમાનારી બીજી ટેસ્ટ પણ જીતીને ભારત 2-0થી ક્લીન સ્વીપ કરવા કોઈ કસર બાકી નહીં રાખે, પરંતુ એ માટે ટીમમાં એક ફેરફાર થશે એવી સંભાવના છે.

એવું માનવામાં આવે છે કે બીજી ટેસ્ટમાં 194 આંતરરાષ્ટ્રીય મૅચના અનુભવી લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવના સ્થાને 33 વર્ષીય નવા રાઇટ-આર્મ ઑફ સ્પિનર સારાંશ જૈનને અજમાવવામાં આવશે. એવું મનાય છે કે સારાંશના સમાવેશ સાથે ટીમ વધુ સંતુલિત બનશે.

જાડેજાએ અત્યંત મહત્ત્વની વિકેટ લીધી

ગૉલની પ્રથમ ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં એક વિકેટ લીધી હતી. ખાસ કરીને બુધવારના છેલ્લાં દિવસે જાડેજાએ જ કૅપ્ટન ધનંજય ડિસિલ્વા (59 રન)ને આઉટ કરીને સોનાલ દિનુશા (89 રન)ની 95 રનની ભાગીદારી તોડી હતી અને ભારતના વિજયની સંભાવના વધી ગઈ હતી. જોકે કુલદીપ યાદવને આખી મૅચમાં એક જ વિકેટ મળી હતી. બીજા દાવમાં તે 11 ઓવરમાં (38 રનના ખર્ચે) એકેય વિકેટ નહોતો લઈ શક્યો. કુલદીપ (Kuldeep) ટીમના મુખ્ય સ્પિનર્સમાં ગણાય છે, પણ તેના સ્થાને સારાંશને રમાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો અપાશે તો નવાઈ નહીં લાગે.

શા માટે સારાંશને તક અપાશે?

શ્રીલંકાના ટૉપ-ઑર્ડરમાં ઘણા લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન છે એટલે તેમની સામે મધ્ય પ્રદેશનો ઑફ-સ્પિનર સારાંશ સારી અસર પાડી શકે એવું ભારતીય ટીમ મૅનેજમેન્ટનું માનવું છે. રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન સામે બૉલ બહારથી અંદર લાવવામાં માહિર હોય એવો સ્પિનર મૅનેજમેન્ટ ઇચ્છે છે. બીજું, હેડ-કોચ ગૌતમ ગંભીર ટીમમાં ઑલરાઉન્ડર રાખવાનું વધુ પસંદ કરતો હોય છે. સારાંશ (Saransh) નીચલા ક્રમે બૅટિંગમાં ઉપયોગી પણ થઈ શકે એમ છે. ઉલ્લેખનીય છે કે કુલદીપે ગૉલ ટેસ્ટમાં પ્રથમ દાવમાં અણનમ 13 રન બનાવ્યા હતા.

કુલદીપ હવે પહેલી પસંદ નથી?

ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે એક સમયનો ભારતનો સર્વશ્રેષ્ઠ સ્પિનર કુલદીપ યાદવ હવે કૅપ્ટન શુભમન ગિલ અને હેડ-કોચ ગૌતમ ગંભીરની જોડી માટે સ્પિનરોમાં પ્રથમ પસંદ નથી. તેને ગૉલની પ્રથમ ટેસ્ટમાં કુલ માત્ર પચીસ ઓવર બોલિંગ અપાઈ હતી. માનવ સુથાર અને જાડેજાએ મળીને આખી મૅચમાં કુલ 14 વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપ એક જ વિકેટ લઈ શક્યો હતો. એવું માનવામાં આવે છે કે ટીમ મૅનેજમેન્ટ હવે કોલંબોમાં ત્રીજા સ્પિનર તરીકે સારાંશ જૈન પર કળશ ઢોળશે.

પેસ બોલર્સમાં ફેરફાર થશે?

ધ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 51 રન બનાવીને ભારતને 462 રનનું ટોટલ મેળવવામાં સારું યોગદાન આપ્યું હતું એટલે તેને બીજી ટેસ્ટમાં પણ રમાડવામાં આવશે એવી સંભાવના છે. એ જોતાં, સરફરાઝ ખાને કદાચ વધુ રાહ જોવી પડશે. પેસ બોલર્સની વાત કરીએ તો ટીમ મૅનેજમેન્ટ મોહમ્મદ સિરાજની આક્રમકતા અને પ્રસિદ્ધ ક્રિષ્નાની નવા બૉલના બાઉન્સર્સથી શ્રીલંકન બૅટ્સમેનોને પરેશાન કરવાની કળાથી સંતુષ્ટ છે એટલે (2-0થી શ્રેણી જીતવાનો આશય હોવાથી) કોલંબોમાં નવોદિતો આકિબ નબી કે ગુરનૂર બ્રારને અજમાવવાનું જોખમ નહીં લેવામાં આવે એવું મનાય છે.

બીજી ટેસ્ટ માટેની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

શુભમન ગિલ (કૅપ્ટન), કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, માનવ સુથાર, સારાંશ જૈન, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.