Thu Sep 17 2026

Logo

દિલ્હીમાં પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધી ધરણા બેસી ગયા! જાણો શું છે સમગ્ર મામલો...

2026-08-21 13:49:00
Author: Vimal Prajapati
દિલ્હીમાં પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધી ધરણા બેસી ગયા! જાણો શું છે સમગ્ર મામલો...

નવી દિલ્હીઃ જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગન વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોચબની ફરિયાદ પર એફઆઈઆર (FIR) ન નોંધાતા વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પોતે પીડિત વિદ્યાર્થીને સાથે રાખીને દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બહાર જ ધરણા પર બેસી ગયા છે.

FIR દાખલ કરાવવા માટે પોલીસ મથકે પહોંચ્યા રાહુલ ગાંધી

CJP દ્વારા 20 જુલાઈના રોજ આયોજિત 'ચલો સંસદ' માર્ચ દરમિયાન સુરક્ષા દળો દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરાયો હોવાનો ગંભીર આરોપ છે. આ માર્ચમાં સામેલ સાહિલ લોચબને આંખ અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાહિલ અને તેના પરિવારનો આરોપ છે કે, દિલ્હી પોલીસે આ અંગે ફરિયાદ લેવાનો અને એફઆઈઆર દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ વાતની જાણ થતાં રાહુલ ગાંધી પીડિત સાથે પહેલા કનાટ પ્લેસ અને ત્યારબાદ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે DCP ઓફિસે પહોંચ્યા હતા.

જોઈન્ટ સીપી સાથે મુલાકાત બાદ ધરણાં શરૂ કર્યાં

રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી નુપુર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી અને તપાસ ક્યાં સુધી પહોંચી તે અંગે જવાબ માંગ્યો હતો. પોલીસ તરફથી કેસ નંબર કે તપાસ અધિકારી અંગે કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા, રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અચાનક પોલીસ સ્ટેશનની બહાર જ જમીન પર બેસી ગયા હતા. કોંગ્રેસ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પોલીસ આ મામલે વિધિવત એફઆઈઆર દાખલ નહીં કરે, ત્યાં સુધી રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ ત્યાંથી હટશે નહીં.

 

દિલ્હી પોલીસે આ મામલે શું કહ્યું?

આ સમગ્ર મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે, તેમની પાસે ભીડ નિયંત્રણ માટે પેલેટ ગન નથી અને તેમણે આ પ્રકારના કોઈ હથિયારનો ઉપયોગ કર્યો નથી. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અને AIIMS ના તબીબી અહેવાલો મુજબ, સર્જરી દરમિયાન સાહિલના શરીર અને આંખમાંથી ધાતુના નાના છર્રા કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદથી જ કોંગ્રેસ અને વિપક્ષી દળો કેન્દ્ર સરકાર તથા દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.