(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક બાદ આપવામાં આવેલી માહિતી અનુસાર બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.
વન પર્યાવરણ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યકક્ષાના પ્રધાન પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ભુપેન્દ્ર પટેલ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે.
આ સંદર્ભમાં એનટીસીએની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીસીપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા.
તેમણે આ હેતુસર ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવાના દિશાનિર્દેશો બેઠકમાં આપ્યા હતા. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.