પટનાઃ શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતના ટેસ્ટ ખેલાડીઓ શ્રીલંકાના પ્રવાસે ગયા છે, પણ વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશન (Ishan Kishan) હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નાના બ્રેક પર છે એટલે ક્રિકેટની પિચ સિવાયના થોડા કામમાં વ્યસ્ત થઈ ગયો છે જેના ભાગરૂપે તે મંગળવારે પટનામાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની ઑફિસમાં જોવા મળ્યો હતો.
ઇશાન કિશન સવારે આરબીઆઇના કાર્યાલયમાં આવ્યો ત્યારે સ્ટાફર હોવા બદલ તેણે ગળામાં જે આઇડી કાર્ડ પહેર્યું હતું એમાં હિન્દી અને અંગે્રજીમાં `રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા' લખ્યું હતું. તે ઑફિસમાં આવ્યો ત્યારે તેના એક ચાહકે પોતાના મોબાઇલના કૅમેરામાં તેને કેદ કરી લીધો હતો.
Ishan Kishan at Reserve Bank of India Patna 🔥
— Ayush Cricket (@AyushCricket32) August 3, 2026
On duty officer ❤️🔥#IshanKishan pic.twitter.com/EOGNBoYLSi
28 વર્ષના ઇશાન કિશને આ સરકારી નોકરીમાં મોટા ભાગે ક્રિકેટને લગતી પ્રવૃત્તિ કરવાની હોય છે અને આરબીઆઇ સાથે તે ઘણા સમયથી સંકળાયેલો છે. 2024માં તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો ત્યારે તે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આરબીઆઇ વતી એક ટી-20 ટૂર્નામેન્ટમાં રમ્યો હતો.
ઇશાન કિશન હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં આ મહિનાથી જ રમવાનું શરૂ કરશે. 23મી ઑગસ્ટે દુલીપ ટ્રોફી શરૂ થશે જેમાં તે ઈસ્ટ ઝોનની ટીમનું નેતૃત્વ સંભાળશે અને વૈભવ સૂર્યવંશી વાઇસ-કૅપ્ટન તરીકે રમશે.