સુરતઃ ભાવનગરના નકલી દારૂકાંડથી ગુજરાતમાં ચકચાર મચી છે. બીજી તરફ સુરતનો એક યુવક ભાવનગરથી દારૂ પીધા બાદ સુરત આવ્યો હતો. આ યુવક અઠવાલાઈન્સ ખાતે આવેલી ગર્લ્સ પોર્લિટેકની કોલેજમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવે છે. તેની તબિયત લથડતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત અત્યંત નાજુક છે.
ભાવનગરના ચકચારિત દારૂકાંડ પ્રકરણમાં સુરતની અઠવાલાઈન્સ ખાતે આવેલી સરકારી ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં ભાવનગરના પાલિતાણાના ટીંગળી ગામના સંજયસિંહ લક્ષ્મણસિંહ ડોડીયા (ઉ.વ.37) 15મી ઓગષ્ટના રોજ રજા હોવાથી વતન આવ્યો હતો. ત્યા તેણે મિત્રો સાથે દારૂની મહેફીલ માણી હતી અને 16મીએ તે સુરત આવ્યો હતો. તે પછી બપોર બાદ તેની તબિયત બગડી હતી અને પ્રથમ તેને સારવાર માટે વરાછા ખાતે આવેલી મંગલદીપ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તબીબોએ તેની સારવાર થઈ શકે તેમ ન હોય જેથી તેને પૂણા ખાતે આવેલી ખાનગી હૉસ્પિમાં દાખલ કરાયો હતો. જ્યાંથી તેની તબિયત વધુ લથડતાં વધુ સારવાર માટે ખટોદરા કેનાલ રોડ પર આવેલી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન પહેલાં તેણે આંખો બંધ કરી હતી અને બાદમાં હાર્ટ એટેક આવ્યો હતો. ડૉક્ટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે.
તબીબો દ્વારા યુવકના અલગ અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દારૂ પીધો હોવાથી તેનો પણ અલગથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઈથેનોલ અને મીથેનોલ પોઈઝનની અસર હોવાનો પણ રિપોર્ટ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.