Sat Sep 05 2026

Logo

સૌરાષ્ટ્રના આ શહેરમાં સ્પેસ લોન્ચિંગ સેન્ટર બનશે, ઉપગ્રહો-રોકેટ લોન્ચ થશે

2026-08-22 10:27:00
Author: Mayur Patel
સૌરાષ્ટ્રના આ શહેરમાં સ્પેસ લોન્ચિંગ સેન્ટર બનશે, ઉપગ્રહો-રોકેટ લોન્ચ થશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાં શ્રીહરિકોટા જેવું એક સ્પેસ લોન્ચિંગ સ્ટેશન (સ્પેસપોર્ટ) સ્થાપવામાં આવશે. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો અવકાશ ક્ષેત્રે એક મોટો કૂદકો લગાવવા જઈ રહ્યો હોવાનું રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ શુક્રવારે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોડિનારથી ઉપગ્રહો-રોકેટ લોન્ચ થશે.

અમદાવાદના સાયન્સ સિટીમાં સ્પેસ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતી વખતે પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત આજે દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. અમદાવાદમાં ઇન-સ્પેસ (IN-SPACe)નું મુખ્ય મથક આવેલું છે, ત્યારે હવે સૌરાષ્ટ્રના કોડિનાર નજીક નવું લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં સેટેલાઇટ ઉત્પાદન માટે વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ પહેલ અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી.  આ સ્થળ અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓ માટે અનુકૂળ માનવામાં આવે છે. ભારતનું મુખ્ય સ્પેસપોર્ટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલું છે, જ્યારે તમિલનાડુના કુલશેખરપટ્ટિનમ ખાતે બીજું સ્પેસપોર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના કોડીનાર નજીક એક સ્પેસ લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી હાલ પ્રારંભિક તબક્કામાં છે. ઇસરો સાથે મળીને આ સ્થળનું ટેકનિકલ મૂલ્યાંકન અને સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમામ વિશિષ્ટતાઓ નક્કી થયા બાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે. લોન્ચિંગ સ્ટેશન માટે જમીન સંપાદન કરવા કલેકટરને સૂચના આપવામાં આવી છે.

અગાઉના અહેવાલોમાં પણ ગીર અને કોડીનાર વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારને ગુજરાતમાં અવકાશ સંબંધી ગતિવિધિઓ માટે સંભવિત ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં વિધાનસભામાં મોઢવાડિયાએ માહિતી આપી હતી કે આ માટે યોગ્ય સ્થળની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.

આ ક્ષેત્રમાં રાજ્યમાં ખાનગી ક્ષેત્રની સક્રિયતા પણ જોવા મળી છે. આ વર્ષની શરૂઆતમાં એક સ્ટાર્ટઅપ દ્વારા ધોલેરા ખાતે સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ કરીને પ્રથમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના અંદાજ મુજબ, રાજ્યમાં 20થી વધુ સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓ સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે, જ્યારે ઇન-સ્પેસે આ વર્ષે અમદાવાદ નજીક ખોરાજ ખાતે સ્પેસ ટેક માટે સ્પેશિયલ ઝોનની પણ જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ આંધ્રપ્રદેશનું શ્રીહરિકોટ ઈસરોના સેટેલાઈટ લોન્ચિંગ સ્ટેશન તરીકે દેશ અને દુનિયામાં જાણીતું છે. અહીં સતિષ ધવન અવકાશ કેન્દ્ર આવેલું છે, જ્યાંથી ભારતે પોતાનાં ઘણાં ઉપગ્રહ અવકાશમાં મોકલ્યા છે. સ્ટેશન તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતું છે. જ્યાંથી ભારતે પોતાનાં ઘણાં ઉપગ્રહો અવકાશમાં મોકલ્યાં છે. શ્રીહરિકોટા પુલીકટ સરોવર અને બંગાળની ખાડી વચ્ચે આવેલી છે. જોકે, અહીંથી અવકાશમાં છોડવામાં આવતા ઉપગ્રહો સીધા જ અવકાશમાં જતાં નથી, તેના ભૌગોલિક સ્થાનના કારણે તેને કર્વ લઈને પછી અવકાશ તરફ ગતિ કરવી પડે છે, આને કારણે લોન્ચિંગ રોકેટને વધારે પાવરની જરૂર રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી ઈસરો દ્વારા દેશના જુદા જુદા લોકેશનો માટે શોધખોળ કરવામાં આવતી હતી, એમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતેનું લોકેશન યોગ્ય જણાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.