શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર લગભગ બે કલાક સુધી ભારે ગોળીબાર થયો છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય સૈનિકોએ સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તરફથી કોઈ પણ ઉશ્કેરણી વગર શુક્રવારે રાત્રે આશરે 9:50 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. જ્યારે સરહદ પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ, ત્યારે તેમણે વળતી જવાબી કાર્યવાહી કરી. આ સમાચાર શનિવારે મોડી રાત્રે સેનાના નિવેદન બાદ સામે આવ્યા છે.
"સરહદ પર ઘૂસણખોરોની હાજરીની શોધ માટે એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે વિસ્તારમાં ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાને પોતાના દેશમાં વધી રહેલી અશાંતિ પરથી ધ્યાન હટાવવા માટે LoC પર ગોળીબાર કર્યો."
દોઢ કલાક સુધી ચાલુ રહ્યો ગોળીબાર
અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક શંકાસ્પદ હિલચાલ દેખાયા બાદ સેનાએ સરહદ પારથી થઈ રહેલા ગોળીબારનો જવાબ આપ્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, LoC નજીક શંકાસ્પદ આતંકવાદીઓને જોયા બાદ સેનાના જવાનોએ ગોળીબાર કર્યો હતો. તરકુંડી ફોરવર્ડ વિસ્તારમાં નાના હથિયારોથી ગોળીબાર થયાની માહિતી મળી હતી અને તે અંદાજે દોઢ કલાક સુધી ચાલુ રહ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત સીઝફાયર નો ભંગ
'ઓપરેશન સિંદૂર' પછી LoC પર સીઝફાયર ઉલ્લંઘનની આ પ્રથમ મોટી ઘટના છે. આ પહેલા માત્ર નાની-મોટી ઘટનાઓ બની હતી જેમાં આઠથી દસ રાઉન્ડ ગોળીબાર થયો હતો. ગયા વર્ષે 7 થી 10 મે વચ્ચે ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' બાદ તરત જ પાકિસ્તાને જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાની પ્રહાર ક્ષમતાનો સામનો ન કરી શકવાને કારણે, પાકિસ્તાની સૈનિકોએ મે મહિનાના બીજા સપ્તાહમાં અંદાજે 14 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો અને પુંછ તેમજ રાજૌરી સેક્ટરમાં સામાન્ય નાગરિકો વાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
22 મિનિટ સુધી ચાલેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન, ભારતીય સેનાએ LoC પાર કર્યા વિના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. તેમણે 26 સચોટ નિશાન સાધતી મિસાઇલો દાગી હતી, જેનાથી મુરિદકેમાં લશ્કર-એ-તૈયબા અને બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય નષ્ટ થઈ ગયા હતા.