Mon Jul 20 2026

Logo

રામોલ ફટાકડા ફેક્ટરીનો માલિક ઝડપાયો, સફાળી જાગેલી મનપાએ અન્ય ફેક્ટરીઓ સિલ કરી

2026-07-19 16:25:15
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં ફટાકડાની ગેરકાયદે ચાલી રહેતી ફેકટરીએ નવ શ્રમિકના જીવ લીધાની ઘટના શનિવારે બની હતી. શ્રમિક બાળક, કિશોરો અને મહિલાઓના મૃત્યુની ઘટનાના મુખ્ય આરોપી ફેક્ટરીનો માલિક મેહુલકુમાર ભાઈલાલભાઈ ડોડિયા ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તેને દબોચી લીધો હતો. 

મેહુલ ડોડિયાને પકડ્યા બાદ અમદાવાદ પોલીસે માહિતી આપી હતી કે મેહુલ સાબરમતીથી ઝડપાયો હતો. તેની માતા અને પાર્ટનર સાદિક સૈયદને પણ પકડી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરી બંધ હતી, પરંતુ ગણેશોત્સવ માટે ફટાકડાનો ઓર્ડર મળ્યો હોવાથી 25 દિવસથી ચાલી રહી હતી. દાહોદથી શ્રમિકોને બોલાવવામાં આવ્યા હતા. મૃતકોમાં મોટાભાગના દાહોદના હોવાનું પણ જાણવા મળ્યું હતું. બ્લાસ્ટ સમયે મેહુલ અને તેની માતા ત્યાં જ હતા. મેહુલ ભાગી નીકળ્યો હતો. માતા રમીલાબેનના કાનના પડદાને નુકસાન ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે. 

અગાઉ 2014માં પણ અહીં બ્લાસ્ટ થયો હતો અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી 2020માં મેહુલના નામે લાયસન્સ લેવામાં આવ્યું હતું, જેની મુદ્ત 2026,માર્ચમાં પૂરુ થઈ ગયું હતું અને ફેક્ટરી બંધ કરી દેવામાં આવી હતી, તેવી માહિતી મળી પોલીસસૂત્રો દ્વારા મળી હતી. 

જોકે ગેરકાયદે ચાલતી આવી ફેક્ટરીઓને કારણે સ્થાનિક તંત્ર સામે સવાલ ઊઠી રહ્યા છે ત્યારે સફાળી જાગેલી અમદાવાદ મહાનગરપાલિકાએ અન્ય ગેરકાયદે ચાલતી ફેકટરીઓને સિલ માર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. જેમાં 

કિંગ ફાયર વર્ક્સ નારોલ વિસ્તારમાં ઝિશાનુદ્દીન ઝહીરુદ્દીન સૈયદ દ્વારા ચલાવવામાં આવતું હતું બીજું યુનિટ પણ  નારોલ વિસ્તારમાં કમરુદ્દીન બદરુદ્દીન સૈયદ દ્વારા અને ગ્યાસપુર વિસ્તારમાં 'જોય એન્ડ એન્જોય ફાયર વર્ક્સ' નામથી ચાલતા યુનીટ્સને અમદાવાદ મનપાએ સિલ કરી દીધા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે.