Wed Jun 17 2026

Logo

અમેરિકન ડૉલર સામે રૂપિયામાં 15 પૈસાનો સુધારો

2026-04-01 19:54:59
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ શાંત પડે તેવા આશાવાદ હેઠળ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના બંધ સામે 15 પૈસાના સુધારા સાથે 94.70ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આગલા બંધ સામે 1.50 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત મંગળવારના 94.85ના બંધ સામે સુધારાના અન્ડરટોને 93.62ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.22 અને ઉપરમાં 93.57 સુધી મજબૂત થયા બાદ અંતે 15 પૈસાના સુધારા સાથે 94.70ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સ્થાનિક ફોરેક્સ માર્કેટ મહાવીર જયંતીની જાહેર રજાને કારણે બંધ રહી હતી, જ્યારે સોમવારે રૂપિયો સૌ પ્રથમ વખત 95ની સપાટી પાર કરીને અંતે 94.85ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે ગત 27મી માર્ચના રોજ રિઝર્વ બૅન્કે સર્ક્યુલર બહાર પાડીને આગામી 10મી એપ્રિલ સુધીમાં બૅન્કોને તેની નેટ ઓપન પોઝિશન 10 કરોડ ડૉલર સુધી મર્યાદિત રાખવાનો આદેશ આપ્યો હોવાથી અમુક અંશે વેચવાલીનું દબાણ ઉપરાંત આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.13 ટકા ઘટીને 99.63 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1722.48 પૉઈન્ટનો અને 540.55 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. 

તેમ છતાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.50 ટકા વધીને બેરલદીઠ 105.53 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી અને ગત સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 11,163.06 કરોડની ચોખ્ખી વેચવાલીના નિર્દેશો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.