Wed Jun 10 2026

Logo

ચીન-પાક સાવધાન! ભારતે 12 પરમાણુ હથિયાર કર્યા 'એક્ટિવ મોડ'માં તૈનાત, મિનિટોમાં મળશે જડબાતોડ જવાબ

2026-06-09 16:27:00
Author: Devayat Khatana
Article Image

ઈતિહાસમાં પહેલીવાર ભારતે બદલી પરમાણુ નીતિ, જાણો પાકિસ્તાન કરતાં ભારત કેમ નીકળ્યું આગળ અને કેટલો થયો ખર્ચ

નવી દિલ્હી: ભારતે પોતાના બે પાડોશી દેશોના સબંધે સતત એક્ટિવ મોડમાં રહેવું પડે છે, ત્યારે તાજેતરના જ એક અહેવાલમાં થયેલા ખુલાસો થયો છે કે ભારતે 12 પરમાણુ હથિયાર ઓપરેશનલ એટલે કે મલા માટે સંપૂર્ણ તૈયાર સ્થિતિમાં તૈનાત કર્યા છે. ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે પોતાની સુરક્ષા નીતિમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો હોવાનુ કહેવાય છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ભારત પરમાણુ હથિયારો અને તેને લઈ જનારી મિસાઈલોને અલગ-અલગ રાખે છે, પરંતુ હવે પ્રથમ વખત ભારતે કેટલાક પરમાણુ હથિયારોને યુદ્ધ જહાજ, સબમરીન અથવા અન્ય સૈન્ય પ્લેટફોર્મ પર તરત જ ઉપયોગમાં લઈ શકાય તેવી રીતે ગોઠવ્યા છે. 

રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે કુલ 190 પરમાણુ હથિયારો છે. તેમાંથી જે 12 હથિયારો ઓપરેશનલ છે તેને મિસાઈલ, સબમરીન કે ફાઈટર જેટ જેવી ડિલિવરી સિસ્ટમ સાથે જોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઓગસ્ટ 2024 થી ભારતે પરમાણુ મિસાઈલ લઈ જવા સક્ષમ બે સબમરીન 'INS અરિઘાત' અને 'INS અરિદમન'ને પણ ઓપરેશનલ કરી દીધી છે. 

આ સબમરીનો લાંબા સમય સુધી સમુદ્રમાં રહી શકે છે અને તેમને સુરક્ષા અને જવાબી ક્ષમતા જાળવી રાખવા માટે ડેટરન્સ પેટ્રોલ માટે મંજૂરી મળી ચૂકી છે. ભારતની "નો ફર્સ્ટ યુઝ" નીતિને જોતા આ સબમરીનો અને તૈયાર કરાયેલા હથિયારોનો મુખ્ય હેતુ દુશ્મન દેશ દ્વારા પરમાણુ હુમલો થાય તો તેનો જડબાતોડ જવાબ આપવાનો છે.

અહેવાલ મુજબ પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે, પરંતુ તેમાંથી એક પણ હથિયાર હાલમાં ઓપરેશનલ તૈનાતીની સ્થિતિમાં નથી. આ આંકડા દર્શાવે છે કે ભારત પાકિસ્તાનની સરખામણીમાં વધુ ઝડપથી પરમાણુ હથિયારોનો વિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રે નોંધપાત્ર ખર્ચ પણ કરી રહ્યું છે. 
દાયકાઓ જૂની પરમાણુ વ્યવસ્થામાં ભારતનો આ બદલાવ દર્શાવે છે કે શાંતિના સમયમાં પણ ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને જવાબી કાર્યવાહી માટે સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રહેવા માંગે છે.

આ ઉપરાંત, અન્ય રિપોર્ટમાં પણ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં વિશ્વભરમાં પરમાણુ હથિયારો પાછળ રેકોર્ડ બ્રેક 119 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચમાં અમેરિકા 69.2 અબજ ડોલર સાથે સૌથી મોખરે છે, ત્યાર બાદ ચીને 13.5 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે.
 
અન્ય દેશોની વાત કરીએ તો યુનાઇટેડ કિંગડમે 12.6  અબજ ડોલર, રશિયાએ 9.5  અબજ ડોલર, ફ્રાન્સે 7.7 અબજ ડોલર, ભારતે 2.8 અબજ ડોલર, પાકિસ્તાને 1.5 અબજ ડોલર અને ઇઝરાયલે 1.2 અબજ ડોલરનો ખર્ચ પરમાણુ હથિયારો પાછળ કર્યો છે.