નવી દિલ્હી: ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCRA) એ ભારતનું સોવરેન રેટિંગ BBB+ થી અપગ્રેડ કરીને A-કર્યું છે. આ એજન્સીએ આ પગલાના મુખ્ય કારણો તરીકે દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ, મજબૂત ખાનગી વપરાશ અને જાહેર રોકાણનો ઉલ્લેખ કર્યો છે.
દેશમાં નાણાકીય વ્યવસ્થાની મજબૂતીમાં થયેલા સુધારાએ પણ આ સકારાત્મક પરિવર્તનમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
સાત ટકાનો ઉચ્ચ વિકાસ દર જાળવી રાખ્યો
જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રે લગભગ સાત ટકાનો ઉચ્ચ વિકાસ દર જાળવી રાખ્યો છે. જેને મજબૂત ખાનગી વપરાશ અને જાહેર રોકાણ દ્વારા ટેકો મળ્યો છે. ભારત સરકારે ડિજિટલ જાહેર માળખાગત વિકાસ અને જીએસટી ના અમલીકરણ સહિત ઉત્પાદકતા અને આર્થિક વૃદ્ધિને વધારવાના હેતુથી નીતિઓ અમલમાં મૂકી છે. આ પગલાંથી દેશને આર્થિક મજબૂતી મળી છે.
રેટિંગને એક સ્તરથી 'A-' સુધી અપગ્રેડ કર્યું
એજન્સીએ વિદેશી અને સ્થાનિક ચલણ બંને માટે ભારતના લાંબા ગાળાના ઇસ્યુ રેટિંગને એક સ્તરથી 'A-' સુધી અપગ્રેડ કર્યું છે. ભારતનું કન્ટ્રી સીલિંગ પણ અપગ્રેડ કરીને 'A'કરવામાં આવ્યું છે.
અર્થતંત્રમાં 7.7 ટકાનો વધારો
ઉલ્લેખનીય છે કે, ભારતની વસ્તી 1.4 અબજથી વધુ છે અને તેનો સામાન્ય GDP 3.9 ટ્રિલિયન ડોલર છે. વર્ષ 2026 ના નાણાકીય વર્ષમાં ખાનગી વપરાશ મજબૂત રહ્યો છે. જેને વ્યક્તિગત આવકવેરામાં ઘટાડા અને GST દરોમાં ઘટાડાનો ટેકો મળ્યો. જ્યારે GDPના સંદર્ભે અર્થતંત્રમાં 7.7 ટકાનો વધારો થયો છે.
વર્ષ 2026 ની શરૂઆતથી ફુગાવો વધ્યો
તેમજએજન્સીને અપેક્ષા છે કે ભારત વર્ષ 2027 ના નાણાકીય વર્ષમાં છ ટકાથી વધુનો ઉચ્ચ વિકાસ દર જાળવી રાખશે. ખાદ્ય અને ઉર્જાના ભાવમાં વધારાને કારણે વર્ષ 2026 ની શરૂઆતથી ફુગાવો વધ્યો છે. તેમ છતાં આરબીઆઈની અપેક્ષા મુજબ છે.