Sun Sep 13 2026

Logo

કાચ હોવા છતાં ફોલ્ડેબલ સ્ક્રીન કેમ નથી તૂટતી? સમજો આ પાછળનું સાયન્સ...

2026-09-02 18:22:33
Author: Darshana Visaria
કાચ હોવા છતાં ફોલ્ડેબલ સ્ક્રીન કેમ નથી તૂટતી? સમજો આ પાછળનું સાયન્સ...

આજકાલ તો સ્માર્ટ ફોન વિનાના જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. એમાં પણ હવે તો યુઝર્સમાં ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. સામાન્ય રીતે સ્માર્ટફોનની સ્ક્રીન પર વપરાતો કાચ સહેજ પણ વાળવાથી તૂટી જતો હોય છે, પરંતુ ફોલ્ડેબલ ફોનની સ્ક્રીનને હજારો-લાખો વખત વાળવા છતાં તે તૂટતી નથી.  આ કોઈ જાદુ નથી, પરંતુ અત્યાધુનિક મટિરિયલ સાયન્સ અને મેકેનિકલ એન્જિનિયરિંગનો અદભુત સમન્વય છે. આવો જાણીએ કે કઈ ટેકનોલોજીના સહારે આ ફોન્સ સરળતાથી ફોલ્ડ થઈ જાય છે.

ફ્લેક્સિબલ ઓએલઈડી પેનલ:

સામાન્ય સ્માર્ટફોનમાં કઠણ કાચ પર ડિસ્પ્લે બનાવવામાં આવે છે. ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં કાચને બદલે પોલિમાઇડ પ્લાસ્ટિક સબસ્ટ્રેટનો ઉપયોગ થાય છે. એએલઈડી ટેકનોલોજીમાં દરેક પિક્સેલ પોતાનો પ્રકાશ જાતે જ ઉત્સર્જિત કરતો હોવાથી કોઈ જાડા બેકલાઇટ લેયરની જરૂર પડતી નથી, જેથી સ્ક્રીન કાગળ જેટલી પાતળી અને સરળતાથી વળી શકે તેવી બને છે.

અલ્ટ્રા થિન ગ્લાસ છે સિક્રેટ:

માત્ર પ્લાસ્ટિક લેયર રાખવાથી સ્ક્રીન પર સરળતાથી સ્ક્રેચ પડી શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે કંપનીઓ UTG (Ultra Thin Glass)નો ઉપયોગ કરે છે. આ ગ્લાસ માનવ વાળ કરતાં પણ પાતળો (આશરે 30થી 50 માઇક્રોન) હોય છે. તેને ખાસ કેમિકલ ટ્રીટમેન્ટ આપીને એટલો લચીલો બનાવવામાં આવે છે કે તે તૂટ્યા વગર સરળતાથી વળી શકે છે અને સાથે સ્મૂધ ટચ તથા ટકાઉપણું પૂરું પાડે છે.

અત્યાધુનિક હિંજ ટેકનોલોજી:

સ્ક્રીન સુરક્ષિત રીતે વળે તે માટે ફોનની કરોડરજ્જુ સમાન હિંજ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આધુનિક ફોલ્ડેબલ ફોન્સમાં વોટરડ્રોપ હિંજ ડિઝાઇન વપરાય છે. જ્યારે ફોન બંધ થાય છે, ત્યારે સ્ક્રીન એકદમ ચપટી વળવાને બદલે પાણીના ટીપાના આકારમાં અંદર સરકી જાય છે. આ મિકેનિઝમને કારણે સ્ક્રીન પર સીધું દબાણ આવતું નથી, સ્ક્રીનની વચ્ચે પડતી ક્રીઝ નહિવત્ થઈ જાય છે અને ડિસ્પ્લે લાખો વખત વાળવા છતાં સુરક્ષિત રહે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરો અને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.