Fri Sep 04 2026

Logo

MPSC ડ્રગ ઈન્સ્પેક્ટર પેપર લીક: અધ્યક્ષના સ્પષ્ટીકરણ સામે ઊભા થયા ગંભીર સવાલો, જાણો મામલો?

2026-09-02 17:54:00
Author: Mumbai Samachar Team
MPSC ડ્રગ ઈન્સ્પેક્ટર પેપર લીક: અધ્યક્ષના સ્પષ્ટીકરણ સામે ઊભા થયા ગંભીર સવાલો, જાણો મામલો?

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ના ડ્રગ ઈન્સ્પેક્ટર (ગ્રુપ-B) પરીક્ષાના કથિત પ્રશ્નપત્ર લીક મામલે અધ્યક્ષ વિવેક ભીમણવારે આપેલું સ્પષ્ટીકરણ હવે ટાઈમલાઈનને લઈને નવા સવાલો ઊભા કરી રહ્યું છે. રાજીનામાની માંગ વચ્ચે ભીમણવારે દાવો કર્યો છે કે પ્રશ્નપત્ર લીકની ઘટના જાન્યુઆરી 2026માં બની હતી અને તે સમયે તેઓ MPSCના અધ્યક્ષ નહોતા. 

MPSC દ્વારા ડ્રગ્સ ઈન્સ્પેક્ટર ભરતી માટે 29 જુલાઈ 2025ના જાહેરાત બહાર પાડવામાં આવી હતી ત્યાર બાદ સ્ક્રીનિંગ પરીક્ષા 22 માર્ચ 2026ના રોજ મહારાષ્ટ્રના છ વિભાગીય મુખ્ય મથકો પર યોજાઈ હતી. એટલે પરીક્ષા યોજાઈ ત્યારે ભીમણવાર 3 માર્ચે MPSCના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા હતા. ભીમણવારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે 18 ફેબ્રુઆરીએ અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા અને 3 માર્ચે કાર્યભાર સંભાળ્યો હતો.

આ મામલે સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ તપાસમાં પ્રશ્નપત્ર લીકની કડી પરીક્ષાના થોડા દિવસો પહેલાંની હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ 20 માર્ચે કથિત રીતે લીક થયેલું પ્રશ્નપત્ર ઉમેદવાર રુતુજા પાટીલ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે પરીક્ષા યોજાઈ હતી. પાટીલને આ પરીક્ષામાં સાતમો ક્રમ મળ્યો હતો અને તાજેતરમાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

આથી ભીમણવારના જાન્યુઆરીમાં ઘટના બની હોવાના દાવાને લઈને સવાલ ઊભો થાય છે કે તેઓ જાન્યુઆરીમાં બનેલી કઈ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેમના નિવેદનમાં જાન્યુઆરીની ઘટનાની ચોક્કસ તારીખ, તેનું સ્વરૂપ કે 20 માર્ચે પ્રશ્નપત્ર ઉમેદવાર સુધી પહોંચ્યાની ઘટનાની સાથે તેનો સંબંધ શું હતો તેની સ્પષ્ટ વિગતો આપવામાં આવી નથી. બીજી તરફ પોલીસ તપાસમાં કથિત પ્રશ્નપત્રની હેરફેરની મહત્વપૂર્ણ કડી માર્ચ મહિનામાં સામે આવી રહી છે. 

પરીક્ષા બાદ 12 જૂને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 506 ઉમેદવારને ઈન્ટરવ્યૂ માટે લાયક ઠેરવવામાં આવ્યા હતા, તેમાંથી 488 ઉમેદવારોએ 1થી 22 જુલાઈ દરમિયાન ઈન્ટરવ્યૂમાં હાજરી આપી હતી. ત્યાર બાદ MPSCએ 488 ઉમેદવારોની કામચલાઉ સામાન્ય મેરીટ યાદી જાહેર કરી હતી, જેમાં 485 ઉમેદવારોને નિમણૂક માટે લાયક જાહેર કરવામાં આવ્યા હતા. 

મહત્વનું એ પણ છે કે MPSCના જણાવ્યા મુજબ સ્ક્રીનિંગ પરીક્ષાની પ્રક્રિયા અંગે 22થી 26 જુલાઈ દરમિયાન ઉમેદવારો અને જાહેર પ્રતિનિધિઓ તરફથી ફરિયાદો મળી હતી. આ ફરિયાદો ઈ-મેઇલ મારફતે કરવામાં આવી હતી. ત્યાર બાદ મામલો તપાસ હેઠળ ગયો અને 26 ઓગસ્ટે MPSCએ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરની સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરી હતી.એક તરફ પોલીસ દ્વારા ધરપકડ અને તપાસ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ MPSC તથા રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે સમિતિઓની રચના કરવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન MPSCના કર્મચારીઓની પણ ધરપકડ થઈ છે. અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં પરીક્ષામાં સાતમો ક્રમ મેળવનારી રુતુજા પાટીલનો પણ સમાવેશ થાય છે. તપાસમાં પ્રશ્નપત્રની કથિત હેરફેરમાં કમિશનની આંતરિક વ્યવસ્થાની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા છે.

ભીમણવારે પોતાના બચાવમાં જણાવ્યું છે કે આક્ષેપો કરતી વખતે ઘટનાની સમયરેખા ધ્યાનમાં લેવી જોઈએ. તેમનું કહેવું છે કે જાન્યુઆરીમાં બનેલી ઘટનાના સમયે તેઓ અધ્યક્ષ પદે નહોતા. જોકે, સમગ્ર પ્રકરણમાં માત્ર પ્રશ્નપત્ર ક્યારે લીક થયું તે જ નહીં, પરંતુ 20 માર્ચના રોજ થયેલું લીક , 22 માર્ચની પરીક્ષા, ત્યારબાદ પરિણામ અને ઈન્ટરવ્યૂ તથા જુલાઈમાં મળેલી ફરિયાદો અંગે MPSCએ ક્યારે અને કેવી કાર્યવાહી કરી તે પણ મહત્વનું બની જાય છે.

આ સ્થિતિમાં ભીમણવારનું સ્પષ્ટીકરણથી વ્યક્તિગત જવાબદારીના સવાલ તો ઊભા થયા જ છે, પરંતુ સમગ્ર ભરતી પ્રક્રિયાની સંસ્થાકીય જવાબદારીનો પ્રશ્ન હજુ યથાવત છે. જાન્યુઆરીમાં કઈ ઘટના બની હતી અને તેનો 20 માર્ચે થયેલી કથિત પ્રશ્નપત્ર લીક સાથે શું સંબંધ હતો તે સ્પષ્ટ થાય ત્યાર બાદ જ સમગ્ર સમયરેખા વધુ સ્પષ્ટ બની શકે છે. તેથી હાલનો મુખ્ય સવાલ એ છે કે આ સ્પષ્ટીકરણ જવાબદારી નક્કી કરવાની દિશામાં પગલું છે કે પછી પોતાના કાર્યકાળની જવાબદારીથી દૂર રહેવાનો પ્રયાસ.