મઉ (યુપી): ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાંથી એક ચોંકાવનારો પણ પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 'જેન આલ્ફા' (Gen Alpha) બાળકીની હિમ્મત જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. પહેલા ધોરણમાં અભ્યાસ કરતી સાત વર્ષની માસૂમ બાળકી સમરા નાઝ સીધી જિલ્લાધિકારી (DM) આનંદ વર્ધન પાસે પહોંચી ગઈ હતી અને પોતાના વિસ્તારના ખરાબ રસ્તાની ફરિયાદ કરી હતી.
આજકાલ સ્કૂલના બાળકો દ્રઢતા સાથે પોતાની સ્કૂલમાં થનારી સમસ્યાઓની સાથે સાથે વિસ્તારોમાં પડી રહેલી મુશ્કેલીઓને બેધડક અધિકારીઓની સામે વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં માઉ જિલ્લામાં તૂટેલા રસ્તાઓની સમસ્યા અને તેના સમારકામ માટેની અપીલ એક નાની માસુમ બાળકીએ કરી હતી. સાત વર્ષની સમરા નાઝે જિલ્લાધિકારી સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી. જિલ્લાધિકારી પણ તેને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા.
ડીએમને ખરાબ રસ્તાની ફરિયાદ કરી
સમરા નાઝે જિલ્લા અધિકારીએ કહ્યું કે રસ્તા ખૂબ જ ખરાબ છે અને તેના લીધે મુશ્કેલી પડે છે. અનેકવાર તે રસ્તા પરના ખાડાઓના લીધે પડી જાય છે, જેથી તેનો ડ્રેસ પણ ખરાબ થઈ જાય છે અને તેના માટે તેને સ્કૂલમાં ઠપકો પણ સાંભળવો પડે છે. જિલ્લાધિકારી આનંદ વર્ધને બાળકી સાથે વાતચીત દરમિયાન પૂછ્યું કે તે સ્કૂલ કઈ રીતે જાય છે, ત્યારે સમરાએ કહ્યું કે તે ઓટોથી સ્કૂલ જાય છે, પરંતુ ખરાબ રસ્તાના કારણે અવરજવર કરવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે.
જિલ્લાધિકારીએ સાંભળી સમરાની વાત
જિલ્લાધિકારીએ પણ આ વાતને ગંભીરતાપૂર્વક સાંભળી અને તેની આ સમસ્યા વિશે જાણકારી મેળવી હતી. આ સાથે જ તેમણે સમરાને તાત્કાલિક કાર્યવાહી માટેનું આશ્વાસન પણ આપ્યું હતું. ડીએમએ નિવેદન જારી કરતા કહ્યું કે બાળકીની ફરિયાદના આધારે રસ્તાની સ્થિતિની તપાસ કરવામાં આવશે. જિલ્લાધિકારીએ પત્રકારોને કહ્યું કે સવારે તેમની પાસે એક સાત વર્ષની બાળકી સમરા નાઝ, જે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે, રસ્તાના નિર્માણને લઈને ફરિયાદ કરવા માટે આવી હતી. છોકરીઓ વોર્ડ નંબર 17ની રહેવાસી છે અને સ્કૂલ જવાના રસ્તે લગભગ 25 મીટરનો કાચો અને ખરાબ રસ્તો આવે છે જેના સમારકામની જરૂરિયાત છે.