Mon Sep 07 2026

Logo

વિદેશ પ્રવાસે પીએમ કે રાષ્ટ્રપતિ એરોબ્રિજથી કેમ નથી ઉતરતા? રેડ કાર્પેટવાળા પગથિયા પાછળનું જાણો સુરક્ષા અને રાજદ્વારી રહસ્ય

2026-09-02 17:36:28
Author: Darshana Visaria
વિદેશ પ્રવાસે પીએમ કે રાષ્ટ્રપતિ એરોબ્રિજથી કેમ નથી ઉતરતા? રેડ કાર્પેટવાળા પગથિયા પાછળનું જાણો સુરક્ષા અને રાજદ્વારી રહસ્ય

જ્યારે પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમેરિકા, રશિયા જેવા દેશોના રાષ્ટ્રપ્રમુખ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેમના પ્લેનમાંથી ઉતરવાનું દ્રશ્ય હંમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે. વૈશ્વિક નેતાઓ સામાન્ય મુસાફરોની જેમ ક્યારેય પેસેન્જર બોર્ડિંગ બ્રિજ કે એરોબ્રિજનો ઉપયોગ કરતા નથી. તેમના વિમાન પાસે હંમેશા લાલ જાજમ (રેડ કાર્પેટ) બિછાવેલી એક ખાસ મોબાઈલ સીડી લાવવામાં આવે છે.

આ કોઈ માત્ર શો-ઓફ નથી, પરંતુ તેની પાછળ સર્વોચ્ચ કક્ષાની સુરક્ષા, આંતરરાષ્ટ્રીય કૂટનીતિ, સદીઓ જૂનો પ્રોટોકોલ અને વૈશ્વિક મીડિયા પબ્લિક રિલેશન્સની એક ચોક્કસ વ્યૂહરચના કામ કરે છે.

360 ડિગ્રી  સુરક્ષા અને ઈમરજન્સી પ્લાનિંગ:

એરપોર્ટનો સામાન્ય પેસેન્જર બોર્ડિંગ બ્રિજ ચારેય તરફથી બંધ હોય છે. જો કોઈ આકસ્મિક હુમલો કે કટોકટી સર્જાય તો તેમાંથી VVIP ને ઝડપથી બહાર કાઢવા મુશ્કેલ બને છે. ખુલ્લી સીડી આસપાસ સિક્યોરિટી ફોર્સને 360 ડિગ્રી વિઝન પૂરું પાડે છે. પગથિયાના બરાબર નીચે જ બુલેટપ્રૂફ સુરક્ષા વાહનો તૈનાત હોય છે, જેથી નેતા નીચે ઉતરતાં જ સેકન્ડોમાં વાહનમાં સુરક્ષિત બેસી શકે.

ડિપ્લોમેટિક પ્રોટોકોલ અને ગાર્ડ ઓફ ઓનર:

જ્યારે કોઈ દેશના વડા બીજા દેશની ધરતી પર પગ મૂકે છે, ત્યારે યજમાન દેશ દ્વારા તેમનું ઔપચારિક રાજકીય સ્વાગત કરવામાં આવે છે. બંધ એરોબ્રિજમાં આવો ભવ્ય કાર્યક્રમ શક્ય નથી. ખુલ્લી સીડીની નીચે 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવે છે, બંને દેશોના રાષ્ટ્રગીત વાગે છે અને રાજદૂતો તથા ઉચ્ચ અધિકારીઓ સ્વાગત માટે હાજર રહે છે.

વૈશ્વિક મીડિયા કવરેજ અને 'અરાઇવલ શોટ':

ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં વિમાનના દરવાજે ઊભા રહીને હાથ હલાવીને આપવામાં આવતા પોઝને 'અરાઇવલ શોટ' (Arrival Shot) કહેવામાં આવે છે. રેડ કાર્પેટવાળા પગથિયા પરથી ઉતરતા નેતાની તસવીર તેમના આત્મવિશ્વાસ, શક્તિ અને બંને દેશોના મજબૂત સંબંધોનું પ્રતીક બનીને વિશ્વભરના મીડિયામાં હેડલાઇન બને છે.

નોર્મલ સ્ટેરકેસ કરતાં કેટલા અલગ અને એડવાન્સ્ડ હોય છે આ પગથિયા?

અમેરિકી પ્રમુખના 'એર ફોર્સ વન' જેવા વિમાનો સાથે વપરાતી સીડીઓમાં ખાસ આર્મર્ડ પ્રોટેક્શન હોય છે, જે ગોળીબાર કે નાના વિસ્ફોટ સામે રક્ષણ આપે છે. આ સિવાય સીડી પર વપરાતું રેડ કાર્પેટ એન્ટી-સ્કિડ ટેકનોલોજીથી સજ્જ હોય છે, જેથી વરસાદ કે બરફવર્ષામાં પણ લપસી જવાનો ભય ન રહે. તેમજ તેના પગથિયાં પહોળા અને આરામદાયક એંગલ પર બનાવવામાં આવે છે.

આ ખાસ પગથિયાની વધારે ખાસિયત વિશે વાત કરીએ તો રાતના સમયે વિઝ્યુઅલ ક્લેરિટી માટે ખાસ સોફ્ટ લાઈટ્સ લગાવેલી હોય છે, જે કેમેરામાં સ્પષ્ટ ફોટો આપે છે અને નેતાઓની આંખો પર સીધો પ્રકાશ ફેંકતી નથી. અમેરિકા કે અન્ય શક્તિશાળી દેશોના વિમાનોમાં પોતાની અંદર જ ફોલ્ડ થતી સીડીઓ જોડાયેલી હોય છે, જેથી કોઈ અજાણ્યા એરપોર્ટ પર ગ્રાઉન્ડ સપોર્ટ વિના પણ વિમાન ઓપરેટ થઈ શકે. 

મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી મુખ્ય સીડી પરથી માત્ર દેશના સર્વોચ્ચ નેતા અને તેમના જીવનસાથી જ ઉતરી શકે છે; પ્રતિનિધિમંડળ કે અન્ય મંત્રીઓ પાછળના દરવાજેથી બહાર આવે છે.