આરોપીઓ સ્ટ્રગલિંગ ઍક્ટર્સ અને બૅકગ્રાઉન્ડ આર્ટિસ્ટને પોલીસે ગોરેગામમાંથી શોધી કાઢ્યા
મુંબઈ: યુગાન્ડાના બિઝનેસમૅનની ખારના પબમાં અને બહાર બે વખત મારપીટ કરવામાં આવી હોવાની ઘટનામાં પોલીસે યુવતી સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઘટના બાદ રફુચક્કર થઈ ગયેલા આરોપી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટ્રગલિંગ ઍક્ટર્સ અને બૅકગ્રાઉન્ડ આર્ટિસ્ટ હોવાનું તપાસમાં જણાતાં પોલીસે 12 કલાકમાં જ તેમને ગોરેગામ વિસ્તારમાંથી શોધી કાઢ્યા હતા.ખાર પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની મધરાતે એક વાગ્યાની આસપાસ બની હતી. યુગાન્ડાના નાગરિક પ્રિન્સ લુઈસ મુશાબે (28) સાથે કથિત મારપીટ કરનારા આરોપીઓની ઓળખ મુરાદ અલ રશિદી (26), રિતિકા અલ રશિદી (25), નઈમુદ્દીન શેખ (37), મોહિત રામરાજે (23), નવનીત ઝા (28) અને અર્નવ ઝા (28) તરીકે થઈ હતી.
ઘટનાના 12 કલાકમાં જ પોલીસે છ જણને તાબામાં લીધા હતા. કાનૂની જોગવાઈ હેઠળ નોટિસ આપીને તેમને સોમવારની સાંજે છોડવામાં આવ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે તાબામાં લેવાયેલા છ આરોપી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલિંગ ઍક્ટ્રેસ અને બૅકગ્રાઉન્ડ આર્ટિસ્ટ્સ તરીકે જોડાયેલા છે. પબમાંથી નીકળ્યા પછી છ શકમંદ કૅબમાં ગયા હોવાનું સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડ્યું હતું. પોલીસે કૅબને ટ્રેસ કરી શકમંદોને ગોરેગામના નિવાસસ્થાનેથી તાબામાં લીધા હતા.પોલીસ ફરિયાદ અનુસાર એક મલ્ટિનૅશનલ કંપનીનો મૅનેજિંગ ડિરેક્ટર પ્રિન્સ લુઈસ મુશાબે (28) રવિવારની રાતે ખાર પાંચમા રોડ પર આવેલા ‘રાસ્તા બાઉન્સ’ પબમાં ગયો હતો.
મધરાતે અજાણ્યા શખસે હાથ મિલાવીને તેને પોતાની તરફ ખેંચ્યો હતો, જેને પગલે ભૂલથી તેની કોણી પાછળ ઊભેલી યુવતીને વાગી હતી. ગુસ્સામાં યુવતીએ મુશાબેને કથિત રીતે લાફો ચોડી દીધો હતો. પબના બાઉન્સર્સ મધ્યસ્થી કરી મુશાબેને પબ બહાર લઈ ગયા હતા.અધિકારીએ જણાવ્યું હતું કે પછી મુશાબે ઍપ આધારિત કૅબમાં બેઠો હતો ત્યારે યુવતી પણ ત્યાં ગઈ હતી. અશ્ર્લીલ હાવભાવ કરી યુવતીએ અપશબ્દો કહ્યા હતા. આવું વર્તન કરવા અંગે પૂછવા માટે મુશાબે કૅબમાંથી બહાર આવ્યો તો યુવતી સાથેના યુવકોના જૂથે તેની બેરહેમીથી પીટાઈ કરી હતી.
બાઉન્સરે મુશાબેને છોડાવીને ખાર પોલીસ સ્ટેશને મોકલાવ્યો હતો. આ મારપીટમાં મુશાબેને ઇજા થઈ હતી અને તેની કીમતી ઘડિયાળને નુકસાન થયું હતું. તેના ડાબા કાને સાંભળવામાં તકલીફ થતી હોવાથી ભાભા હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ડૉક્ટરે મોટી ઇજા થઈ હોવાનું નિદાન કર્યું હતું.આરોપીઓએ દાવો કર્યો હતો કે મુશાબેએ યુવતી સાથે ગેરવર્તન કર્યું હતું. જોકે ફરિયાદીએ આક્ષેપોનું ખંડન કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)