Fri Sep 04 2026

Logo

‘માલામાલ વીકલી 2’માં ઈશા દેઓલની એન્ટ્રી, બિગ બોસ 17ની આ ગ્લેમરસ હસીના પણ જોવા મળશે

2026-09-02 14:47:44
Author: Mumbai Samachar Team
‘માલામાલ વીકલી 2’માં ઈશા દેઓલની એન્ટ્રી, બિગ બોસ 17ની આ ગ્લેમરસ હસીના પણ જોવા મળશે

મુંબઈ: વર્ષ 2006માં રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’ની સિક્વલ ‘માલામાલ વીકલી 2’ને લઈને સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. ફિલ્મમાં પહેલાથી જ અનેક જાણીતા કલાકારોની એન્ટ્રી થઈ ચૂકી છે. હવે ફિલ્મની કાસ્ટમાં વધુ બે અભિનેત્રીઓના નામ જોડાયા છે, જેમાં એક નામ ઈશા દેઓલનું છે, જ્યારે બીજું નામ ‘બિગ બોસ 17’માં જોવા મળેલી અભિનેત્રી સોનિયા બંસલનું છે.

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીની મોટી દીકરી ઈશા દેઓલ લાંબા સમય બાદ એક્ટિંગમાં કમબેક કરવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, મેકર્સે તેમને ‘માલામાલ વીકલી 2’ માટે અપ્રોચ કરી હતી અને હવે તેમણે ફિલ્મ સાઈન કરી લીધી છે. 
મળતી માહિતી મુજબ ઈશા દેઓલ છેલ્લા કેટલાક સમયથી એક સારા અને રસપ્રદ પ્રોજેક્ટની શોધમાં હતી, જેના દ્વારા તે એક્ટિંગમાં વાપસી કરી શકે. હવે તેની આ શોધ ‘માલામાલ વીકલી 2’ સાથે પૂરી થઈ હોવાનું કહેવાય છે.

‘બોલિવુડ હંગામા’ના અહેવાલ મુજબ ઈશા ફિલ્મમાં પોતાના પાત્રને લઈને ખુશ છે અને તેણે ફિલ્મ માટે હા પાડી છે. ઈશાના ચાહકો માટે પણ આ કમબેક ખાસ માનવામાં આવી રહ્યું છે. ઈશા દેઓલની સાથે જ આ ફિલ્મમાં ‘બિગ બોસ 17’માં જોવા મળેલી અભિનેત્રી સોનિયા બંસલ પણ ‘માલામાલ વીકલી 2’માં મોટા પડદે જોવા મળશે.

સોનિયાને ફિલ્મમાં એક રસપ્રદ ભૂમિકા માટે અપ્રોચ કરવામાં આવી હતી. રોલ પસંદ આવ્યા બાદ તેણે પણ ફિલ્મની ઓફર સ્વીકારી લીધી છે. આ રીતે ફિલ્મની કાસ્ટમાં હવે બે વધુ અભિનેત્રીઓનો ઉમેરો થયો છે. ‘માલામાલ વીકલી 2’ના શૂટિંગને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. 

અહેવાલો અનુસાર ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2026 સુધીમાં શરૂ થઈ શકે છે. ફિલ્મની વાર્તા વર્ષ 2006માં આવેલી મૂળ ‘માલામાલ વીકલી’થી સંપૂર્ણપણે અલગ હશે. જોકે, સિક્વલમાં મૂળ ફિલ્મની કોમેડી અને મનોરંજનની ભાવનાને જાળવી રાખવામાં આવશે.
 
‘માલામાલ વીકલી 2’નું નિર્દેશન ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના દિગ્દર્શક અમિત જોશી કરી રહ્યા છે. ફિલ્મના કાસ્ટ પહેલેથી જ ઘણા વધારે છે અને સમય સાથે તેમાં નવા નામો જોડાતા રહ્યા છે. તેમની સાથે જ આ ફિલ્મમાં અભિનેત્રી રવીના ટંડન અને પરિણીતિ ચોપરા પણ જોવા મળશે. 11 ઓગસ્ટે અભિનેત્રી શિલ્પા શિરોડકર ફિલ્મની કાસ્ટમાં જોડાઈ હોવાની માહિતી સામે આવી હતી.

13 ઓગસ્ટે જાણીતા અભિનેતા રાજપાલ યાદવ અને ‘બિગ બોસ OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવના ફિલ્મ સાથે જોડાવાના સમાચાર આવ્યા હતા. તેના એક દિવસ બાદ ફરદીન ખાન અને મહેશ માંજરેકરના નામ પણ ફિલ્મની કાસ્ટ સાથે જોડાયા હતા. 
હવે ઈશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી બાદ ફિલ્મના કાસ્ટ વધુ રસપ્રદ બન્યા છે. મોટા સ્ટાર્સથી ભરપૂર આ કોમેડી ફિલ્મને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. જો કે મોટા સ્ટાર્સ સાથે મળીને આ ફિલ્મમાં હાસ્યરસ ઉમેરીને લોકોનેપેટ ભરીને હસાવવામાં સફળ થશે કે પછી આ ફિલ્મ બ્રહ્માસ્ત્રની જેમ ધબળકો વાળશે તેનો જવાબ તો સમય જ આપશે.