Sun Sep 13 2026

Logo

સાથી મહિલાએ નોંધાવેલા બળાત્કાર, ઠગાઈના કેસમાં એમએસએફનો કોન્સ્ટેબલ નિર્દોષ જાહેર

2026-09-02 17:49:30
Author: Yogesh D. Patel
સાથી મહિલાએ નોંધાવેલા બળાત્કાર, ઠગાઈના કેસમાં એમએસએફનો કોન્સ્ટેબલ નિર્દોષ જાહેર

થાણે: થાણેની કોર્ટે 2020માં સાથી મહિલા કર્મચારી દ્વારા નોંધાવાયેલા બળાત્કાર, બળજબરીથી ગર્ભપાત અને ઠગાઇના કેસમાં મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સ (એમએસએફ)ના કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કર્યો હતો.

એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે 28 ઑગસ્ટે આપેલા ચુકાદામાં તપાસકર્તા પક્ષ આરોપીના દોષને સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો હોવાનું જણાવ્યું હતું. કોર્ટે ફરિયાદીના નિવેદનમાં નોંધપાત્ર વિરોધાભાસ હોવાનું તેમ જ શારીરિક સંબંધ લગ્નના ખોટા વચન પર આધારિત નહોતો, પરંતુ સમંતિથી હતો, એવું નોંધ્યું હતું. 

તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર પીડિતા અને આરોપી ઘાટકોપર રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં હતાં અને 2018માં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે જાધવે લગ્નના ખોટા વચન આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેને કારણે તે ગર્ભવતી બની હતી અને તેની સંમતિ વિના ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

જાધવે અન્ય મહિલા સાથે લગ્ન કર્યાં હોવાની જાણ થયા બાદ પીડિતાએ 4 માર્ચ, 2020ના રોજ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે માહિતી આપનારના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી તેની સાથે લગ્ન કરવાનો ઇરાદો ધરાવતો હતો અને તે આરોપી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહી હતી.

(પીટીઆઇ)