Thu Sep 10 2026

Logo

દિશા સાલિયાન કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ! CBI નોંધશે FIR, પિતાએ ભાવુક થઈ આપી પ્રતિક્રિયા, કહ્યું આજે...

2026-09-02 14:51:52
Author: Darshana Visaria
દિશા સાલિયાન કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ! CBI નોંધશે FIR, પિતાએ ભાવુક થઈ આપી પ્રતિક્રિયા, કહ્યું આજે...

દિવંગત બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન (Disha Salian)ના મૃત્યુના મામલે બોમ્બે હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ફરી એકવાર જોરદાર ચર્ચામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને આ કેસમાં વિધિવત એફઆઈઆર નોંધીને ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આ નિર્ણય બાદ દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાન અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમણે ન્યાયતંત્ર તેમજ મીડિયાનો આભાર માનતા જણાવ્યું હતું કે આખરે સત્યનો વિજય થયો છે. 

કોર્ટના ચુકાદા બાદ દિશાના પિતા સતીશ સાલિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું જજ સાહેબનો આભાર માનું છું. આપ સૌના કારણે આજે અમને ન્યાય મળ્યો છે. આજ સુધી હું એક આંસુ પણ નહોતો રડ્યો, દિશાના મોતના સમયે પણ નહીં, પરંતુ આજે ન્યાય મળતાં મારી આંખમાંથી ખુશીના આંસુ વહી રહ્યા છે.

તેમણે પોતાના વકીલ નિલેશ ઓઝા અને તેમની લીગલ ટીમનો આભાર માનતાં જણાવ્યું હતું કે, વકીલ જે સલાહ આપશે તે મુજબ આગળની લડત લડીશું. આજે સત્યની જીત થઈ છે અને ભવિષ્યમાં પણ સત્ય જ જીતશે.

ભાજપ નેતા રામ કદમનો ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરો પ્રહાર:

ભાજપ નેતા રામ કદમે હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ન્યાયપાલિકાએ દિશા સાલિયાનના પરિવારને આખરે ન્યાય આપ્યો છે. રામ કદમે સવાલ ઉપસ્થિત કર્યો હતો કે દિશાના પિતા ખુદ કહી રહ્યા છે કે તેમની દીકરીનું કુદરતી મોત નથી થયું પરંતુ અત્યાચાર ગુજારીને હત્યા કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલિન ઉદ્ધવ ઠાકરે સરકારે કોઈ મોટા નેતાને બચાવવા માટે આ કેસને રાતોરાત રફેદફે કરવાનો પ્રયાસ કેમ કર્યો હતો? ઉદ્ધવ ઠાકરે સહિત જે પણ લોકોને બચાવવાની કોશિશ થઈ હતી, તે તમામે હવે સીબીઆઈ અને ન્યાયતંત્ર સમક્ષ જવાબ આપવો પડશે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.