હેમંત વાળા
આવાસની રચના પાછળ ઘણા હેતુ છે. આવાસ થકી વિપરીત પરિબળો સામે રક્ષણ મળે, સલામતીની ભાવના જાગે, જે તે કાર્ય માટે સગવડતા મળી રહે, જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સંગ્રહ સરળ બને, કૌટુંબિક ભાવના દૃઢ થાય અને સાથે સાથે એક ઓળખ બંધાય. આવા આવાસમાં વિરોધાભાસી બાબતોનું સહ-અસ્તિત્વ જોવા મળે છે. આવાસ થકી માનવી પોતાના વ્યક્તિગત જીવન માટે સીમા નક્કી કરે છે.
આ સીમામાં ગોપનીયતા જળવાઈ રહે તેવો પ્રયાસ થતો હોય છે. આ માટે આવાસને બાહ્ય પરિસ્થિતિથી વિમુખ બનાવાય તો સાથે સાથે બહારના સમાજ સાથેનો સંબંધ પણ જરૂરી હોવાથી ક્યાંક સંપર્કતા પણ સ્થપાય છે. આવાસની રચના જ એટલા માટે કરવામાં આવે છે કે માનવીનું પોતાનું વ્યક્તિગત ક્ષેત્ર નિર્ધારિત થઈ જાય, સાથે સાથે તે ક્ષેત્ર સમગ્ર વસવાટ - જન સમુદાય સાથે ચોક્કસ પ્રકારનાં સમીકરણો જાળવી શકાય.
માનવી સામાજિક પ્રાણી છે. તે સમાજમાં બધાની સાથે રહેવા ઈચ્છતો હોય છે અને સાથે સાથે તેને પોતાની ગોપનીયતા પણ જાળવી રાખવી હોય છે. માનવીને અમુક પ્રકારના સંબંધ માન્ય છે તો સાથે ચોક્કસ બાબતો માટે તે અલગ રહેવા માગે છે. તે મોકળાશ તો ઈચ્છે છે, પણ આ મોકળાશ એક પ્રકારની સીમિતતાવાળી હોવી જોઈએ. તે ખુલ્લાપણું તો ઈચ્છે છે, પણ સાથે ચોક્કસ પ્રકારની બાધીત પરિસ્થિતિમાં તે વધુ સલામતી અનુભવે છે.
ખુલ્લાપણું અનુભવવા તે આવાસની સામે પોતાનું આંગણું બનાવે છે અને તે આંગણાને દીવાલ વડે બંધિયાર બનાવી દે છે. ક્યારેક ખુલ્લાપણા માટે તે આવાસની અંદર ચોકની વ્યવસ્થા કરે છે પણ આ ચોક ચારે તરફથી ઓરડાઓ વડે ઘેરાયેલો હોય છે. આવાસની રચનામાં કે જીવનમાં, મોકળાશની ઈચ્છા રાખતો માનવી તે મોકળાશને પોતાની રીતે બાંધી રાખવા પ્રયત્ન કરતો હોય છે.
વ્યક્તિગત ગોપનીયતાના વિચારો તથા ગોપનીયતાના સામાજિક ધારા-ધોરણો ભિન્ન હોય છે. વ્યક્તિગતતામાં શક્ય હોય તેટલી બાબતો પોતાના પ્રભાવ તથા તાબા હેઠળ રાખવાનો પ્રયત્ન થાય છે, જ્યારે સામાજિક ગોપનીયતામાં ઘણાં સમીકરણો બદલાઈ જાય. આવાસમાં વ્યક્તિ પોતાના ઘરની આસપાસ આડશ રૂપ વંડો બનાવે જેથી તેના દ્વારા નિયંત્રિત થતી પરિસ્થિતિ-સીમા નિર્ધારિત થાય.
આ વંડાની અંદર પછી ઝાપો એ રીતે બનાવવામાં આવે છે જેનાથી બહારના સમાજ સાથે-બહારની પરિસ્થિતિ સાથે ઇચ્છિત સંપર્ક સ્થપાય. આવાસના ઓરડાને બહારની પરિસ્થિતિથી બચાવવા કે અલિપ્ત રાખવા દીવાલો બનાવાય છે. આધુનિક આવાસની એક જરૂરિયાત મુજબ દીવાનખંડ અને રસોડા વચ્ચેનો દૃશ્ય સંપર્ક જળવાઈ રહે તે માટે બે વચ્ચેની દીવાલ દૂર કરાય અને પછી આ દૃશ્ય સંપર્કના જે તે પ્રકારે સુનિશ્ચિત કરવા માટે વચ્ચે ચોક્કસ પ્રકારની છિદ્રાળુ આડાશ ઊભી કરાય.
આવાસની રચનામાં ખુલ્લાપણું જરૂરી છે. પ્રાપ્ય જમીનનું ક્ષેત્રફળ ઓછુ હોય કે બાંધકામ સીમિત ક્ષેત્રફળવાળું હોય, તો પણ ખુલ્લાપણાની અપેક્ષા રખાય જ છે. આવાસના વિસ્તારને મુખ્યત્વે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય : ઉપયોગિતા માટેનો વિસ્તાર, સંગ્રહ સ્થાન તરીકે નિર્ધારિત થતી જગ્યા અને ખુલ્લાપણા કે મુક્તતાનો અહેસાસ કરાવતા સ્થાન.
રસોઈ કરવા માટે જે જગ્યા જોઈએ તે ઉપયોગિતા પ્રકારની શ્રેણીમાં આવે. કબાટ માટે જે જગ્યા જોઈએ એને સંગ્રહસ્થાન કહેવાય. જ્યારે આ બંને વચ્ચે રહેલી, રાચરચીલા-મુક્ત જગ્યા વડે ખુલ્લાપણું અનુભવાય. આ જગ્યાનો કુટુંબના સભ્યો પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકે. મહેમાન આવે ત્યારે આવા સ્થાને રાત્રે પથારી પથરાઈ જતી હોય અને રજાના દિવસોમાં અહીંયા જ બેસીને કેરમ કે પત્તા રમાતા હોય. લગ્ન સમયે અહીં જ મહેંદી મૂકવામાં આવે અને કુટુંબમાં નિધન થયું હોય તો અહીં જ ખરખરો કરવામાં આવે. આવાં મુક્ત સ્થાનો જ આવાસને જીવંત બનાવે છે.
પરંપરાગત ગ્રામ્ય વિસ્તારના આવાસમાં આગળનું આંગણું ખુલ્લાપણાનો મહત્તમ અહેસાસ કરાવી શકે. શહેરી વિસ્તારના એપાર્ટમેન્ટમાં આ શક્યતા નથી હોતું. અહીં તો 6-10 એપાર્ટમેન્ટની વચ્ચે ચારે તરફથી બંધિયાર એવો માત્ર આવનજાવનનો માર્ગ હોય છે, જે ખુલ્લાપણાનો અહેસાસ કરાવવા સમર્થ નથી.
છતાં પણ આવા સ્થાનને પૂર્ણ રીતે બંધિયાર ન બનાવી ત્યાં જો કુદરતી હવા-ઉજાસની વ્યવસ્થા ઊભી કરાતી હોય અને જો આ સ્થાનનું ક્ષેત્રફળ વધારે રાખી સામાન્ય ઉપયોગિતાની સંભાવના ઊભી કરાતી હોય તો આ સ્થાન બંધિયારપણાની શ્રેણીમાંથી બહાર નીકળે. જો આ શક્ય ન હોય તો ખુલ્લાપણાની અનુભૂતિ માટે આવાસની આંતરિક રચનામાં જ પૂરતી સંભાવનાઓ હોવી જોઈએ. આ મુશ્કેલ છે, પણ અસંભવ નથી.
ખુલ્લાપણું અનુભવવા માટે શહેરી વિસ્તારના એપાર્ટમેન્ટમાં સંગ્રહસ્થાન ઓછા કરી શકાય. રાચરચીલું પણ બહુ-ઉપયોગી બનાવવું પડે. જે તે સ્થાનના નિર્ધારણમાં પણ, શક્ય હોય ત્યાં, ઓવરલેપ માન્ય રાખવું પડે. સાથે સાથે બારીઓ મોટી રાખવાથી ખુલ્લાપણાની અનુભૂતિમાં વધારો થઈ શકે. ક્યારેક ઉંચી છત પણ મદદરૂપ થાય. ખુલ્લાપણું અનુભવવા દરેક પ્રકારની ભૌતિક કે મનોવૈજ્ઞાનિક ગીચતા ઓછી કરવી પડે. આનાથી વિપરીત પરિસ્થિતિથી બંધિયારપણાનો ભાવ ઊભરી શકે.
પ્રાપ્ય બજેટમાં આવાસનું ક્ષેત્રફળ તેટલું જ રહે. તેથી, જીવનશૈલીના ધોરણે, અગ્રતાક્રમમાં ન આવે તેવી બિન-જરૂરી ઉપયોગિતા ઓછી કરવી પડે. જે જરૂરી હોય તેટલા જ પદાર્થો - સામગ્રી સંઘરવાની ટેવ પાડવી પડે. સૌથી અગત્યનું, જે છે તે પૂરતું છે - તે પ્રમાણે સંતોષ માનવો પડે. જ્યાં સુધી વધુ મોટા આવાસની અપેક્ષા હોય ત્યાં સુધી અત્યારનું આવાસ ગમે તેટલું હોય, તો પણ નાનું જણાશે.
ખુલ્લાપણાની અનુભૂતિ આવાસની બહાર પણ થઈ શકે. બની શકે કે આવાસ માત્ર રહેવાની અનુકૂળતા માટેના સાધન તરીકે જ હોય. આવાસ સમૂહની બહાર, સામાન્ય વિસ્તારમાં, ચોક્કસ પ્રકારની સવલતો ઊભી કરી શકાય. આનાથી આવાસ પ્રત્યેની અપેક્ષામાં થોડી હળવાશ આવી શકે. પણ આ પ્રક્રિયામાં આવાસનું એક એકમ તરીકે જે મહત્ત્વ છે તે ઓછું થઈ જાય. આવાસ એ એવું સ્થાન છે જ્યાં કૌટુંબિક સમીકરણો તથા સંબંધો દૃઢતા પામે છે. ભારતીય સમાજમાં કુટુંબ એક અગત્યનું ઘટક છે - અને આવાસ આ ઘટકનું આશ્રય સ્થાન.
આવાસ એ લાગણીઓને પ્રતિબિંબિત કરતી રચના છે. અહીં ઉપયોગિતા સાથે વ્યક્તિની સંવેદના અને ભાવના પણ સમાવાવી જોઈએ. આવાસ એ રહેવા માટેનું મશીન માત્ર નથી. મશીન ઉપયોગિતાની દૃષ્ટિએ યોગ્ય રહે પણ તેમાં વ્યક્તિની લાગણીઓનું પ્રતિબિંબ ન પડે. આવાસનું ઇચ્છિત બંધિયાર કે ખુલ્લાપણું માનવીની હકારાત્મક લાગણીઓને હકારાત્મક પ્રતિભાવ આપવાનું એક અસરકારક માધ્યમ બની શકે.