દેવલ શાસ્ત્રી
ક્યારેક ઇતિહાસનાં પાનાં નિરાંતે ઊથલાવીએ તો રાજાઓ, યુદ્ધો અને વિજયોની વચ્ચે માણસ પણ દેખાય છે. ક્યારેક તેના હાથમાં તલવાર હોય છે, ક્યારેક હથોડી, ક્યારેક યંત્રનું લીવર અને ક્યારેક માત્ર એક ખાલી થાળી-વાટકી.
અઢારમી સદીના મધ્યે ઇંગ્લૅન્ડમાં દુનિયા બદલાવા લાગી. વરાળથી યંત્રો ચાલ્યાં, કાપડની મિલો ઊભી થઈ, કોલસાની ભઠ્ઠીઓ સળગવા લાગી અને ઉત્પાદનની ગતિ એવી વધી ગઈ કે માણસને લાગ્યું કે કુદરતની શક્તિ પણ પોતાના હાથમાં લઈ શકાય.
આ હતી ઔદ્યોગિક ક્રાંતિ. આ શબ્દ સાંભળતાં પ્રગતિ, ફૅક્ટરી, રેલવે, નવી ટેક્નૉલૉજી અને આધુનિક દુનિયા યાદ આવે છે, પરંતુ એ જ ક્રાંતિની બીજી બાજુએ ધુમાડાથી ભરાયેલું આકાશ, ગંદી નદીઓ, ગીચ વસાહતો અને લાંબા કલાકો સુધી કામ કરતા મજૂરો પણ હતા. શહેરો ઊભાં થઈ રહ્યાં હતાં, પરંતુ એ શહેરોમાં રહેતા દરેક માણસનું જીવન ઊંચું થઈ રહ્યું નહોતું.
ઇંગ્લૅન્ડનાં ગામડાંમાંથી રોજગારની શોધમાં લોકો માન્ચેસ્ટર અને બીજા ઔદ્યોગિક શહેરો તરફ આવવા લાગ્યા. ખેતીની જૂની વ્યવસ્થામાં આવેલા ફેરફારોને કારણે અનેક પરિવારોની જમીન સાથેની જિંદગી બદલાઈ ગઈ હતી. શહેરમાં ફૅક્ટરી હતી, કામ હતું અને મજૂરી હતી. તેની સાથે ધુમાડો હતો, ઘોંઘાટ હતો અને એવો લાંબો કામનો દિવસ હતો જે માણસને સાંજ સુધીમાં માણસ કરતાં વધુ યંત્ર જેવો બનાવી દે.
લંડનમાં તો એક સમયે સ્થિતિ એવી થઈ કે થેમ્સ નદીમાંથી આવતી દુર્ગંધે આખા શહેરને પરેશાન કરી નાખ્યું. 1858ની આ ઘટના પાછળથી `ગ્રેટ સ્ટિંક' તરીકે ઓળખાઈ. જે શહેર વિશ્વની સૌથી મોટી સત્તાઓમાંનું એક બની રહ્યું હતું એ જ શહેર પોતાની નદીમાં ભરાતી ગંદકી સામે ઊભું હતું. વિજ્ઞાન આગળ દોડી રહ્યું હતું, પરંતુ શહેરની ગટરવ્યવસ્થા પાછળ રહી ગઈ હતી.
નાનાં બાળકો ફૅક્ટરીઓમાં કામ કરતા. કોલસાની ખાણોમાં જતા. સાંકડા ભાગોમાંથી સરળતાથી પસાર થઈ શકતા હોવાથી ચીમની સાફ કરવાનું જોખમી કામ પણ તેમને સોંપાતું. બાળપણ અને મજૂરી વચ્ચેની રેખા લગભગ ગાયબ થઈ ગઈ હતી. પરિવાર ગરીબ હોય ત્યારે બાળકનો હાથ પણ આવક માટે જરૂરી હતો.
1833માં બ્રિટિશ સરકારે ફૅક્ટરીમાં બાળકોના કામ અંગે કાયદો બનાવ્યો. બાળકોના કામના કલાકો મર્યાદિત કરવામાં આવ્યા અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી, પરંતુ કાયદો બન્યો એટલે પરિસ્થિતિ તરત બદલાઈ નહોતી ગઈ. આ આખી દુનિયાને સમજવા માટે ચાર્લ્સ ડિક્નસનું નામ પૂરતું છે. ડિક્નસે ગરીબી દૂરથી જોઈ નહોતી.
બાળપણમાં તેમના પરિવાર પર આર્થિક મુશ્કેલી આવી હતી અને તેમણે પોતે પણ નાની ઉંમરે મજૂરી કરી હતી. પાછળથી Oliver Twist લખતાં તેમણે અનાથાશ્રમ અને વર્કહાઉસની દુનિયાને સાહિત્યમાં એવી રીતે મૂકી કે આજે પણ ઓલિવરનું એક દૃશ્ય યાદ રહી જાય છે. નાનો ઓલિવર હાથમાં ખાલી વાટકી લઈને ઊભો છે. તેને ભૂખ લાગી છે. તે થોડું વધુ ભોજન માગે છે. ડિક્નસે ઔદ્યોગિક યુગનો ઇતિહાસ આંકડાઓમાં લખ્યો નહોતો. તેમણે ભૂખ બતાવી. એક બાળકની વાટકી બતાવી. એ વાટકીમાં આખા સમાજની અસમાનતા દેખાતી હતી.
ઔદ્યોગિક ક્રાંતિ આગળ વધતી રહી. રેલવે આવી. કારખાનાં વધ્યાં. ઉત્પાદન વધ્યું. વેપાર વધ્યો. મધ્યમ વર્ગ ઊભો થયો. શહેરોનું સ્વરૂપ બદલાયું. સામાન્ય માણસ માટે પણ એવી વસ્તુઓ ઉપલબ્ધ થવા લાગી જે અગાઉ માત્ર ધનિકોના ઘરમાં જોવા મળતી હતી. ઔદ્યોગિક ક્રાંતિને માત્ર શોષણની કથા કહેવી પણ અધૂરી વાત છે. એણે આધુનિક દુનિયાનો જન્મ કર્યો. દુનિયાને માણસ માટે રહેવા યોગ્ય બનાવવામાં ઘણાં વર્ષો લાગ્યાં.
આજે આપણે બીજી એક મોટી ટેક્નૉલૉજિકલ ક્રાંતિની વચ્ચે છીએ. ત્યારે વરાળનું એન્જિન હતું, આજે કૃત્રિમ બુદ્ધિ છે. ત્યારે મશીન જોઈને લોકો વિચારતા હતા કે હવે માણસની જરૂર કેટલી રહેશે; આજે AI જોઈને પણ એવો જ સવાલ ઊભો થાય છે. ચાની લારીથી લઈને મોટી કંપની સુધી UPI પહોંચી ગયું છે. ગામડાના યુવાનના હાથમાં સ્માર્ટફોન છે. મેટ્રો, હાઇવે, સેટેલાઇટ અને AI બધું એક જ પેઢીની આંખો સામે આવી ગયું છે. આપણે ટેક્નૉલૉજીને અપનાવવામાં પહેલાં કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
ભારતની પોતાની એક તસવીર છે. રોજગારની શોધમાં ગામડેથી શહેરમાં આવતો માણસ. શહેરની બહાર ઊભી થતી નવી ફૅક્ટરી. કામની આશામાં લાંબી લાઇનમાં ઊભેલો યુવાન. રસ્તાની બાજુમાં નાની દુકાન ચલાવતો પરિવાર. બીજી બાજુ નવી દુનિયાની ચમકતી ઇમારતો દોઢસો-બસ્સો વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડનાં શહેરોમાં જે પ્રશ્નો ઊભા થયા હતા તેમના કેટલાક પડઘા આજે આપણાં શહેરોમાં પણ સંભળાય છે. રોજીરોટીની શોધમાં ઘર છોડીને શહેર તરફ આવતો માણસ દેખાય છે. અહીં ઇતિહાસ આપણને અચાનક સ્પર્શી જાય છે.
ઔદ્યોગિક ક્રાંતિના સમયનો મજૂર પણ શહેરમાં માત્ર કામ શોધવા આવ્યો નહોતો. તેની પાછળ પણ કોઈ ઘર હતું, કોઈ પરિવાર હતો અને કદાચ એક નાનું સપનું હતું : `મારાં બાળકોનું જીવન મારા કરતાં સારું હોવું જોઈએ...' કદાચ પ્રગતિની આખી કહાની એ જ રસ્તા પર ક્યાંક ઊભી છે. એક બાજુ નવી દુનિયા બનાવતાં યંત્રો છે. બીજી બાજુ એ યંત્રો ચલાવતો માણસ.
અને વચ્ચે ફરી એ જ જૂનું સપનું ઊભું છે કે થોડું સારું જીવન.
ધ એન્ડ
`મુશ્કેલીઓમાંથી જ ચમત્કારો જન્મે છે.'
-જીન ડે લા બ્રુયેર