Tue Sep 01 2026

Logo

મસ્તરામની મસ્તીઃ રક્ષાબંધન મેળો - ડુંગળી ને ખાંડ વિરુદ્ધ ચુનિયાનો જુગાડ

2026-08-29 07:56:00
Author: Milan Trivedi
મસ્તરામની મસ્તીઃ રક્ષાબંધન મેળો - ડુંગળી ને ખાંડ વિરુદ્ધ ચુનિયાનો જુગાડ

 


મિલન ત્રિવેદી

- અને એક મર્દનો અવાજ આવ્યો : `તમારો ચુનિયો `બજેટ-ભંગ' નહીં થવા દે...' 
બે છેડા ભેગા કરવા તેણે જુગાડુ જાહેરાત કરેલી કે `ગમે તેટલા ભાવ વધે - ગમે તેટલા મહેમાન આવે - ગમે તેટલા ઉત્સવો કે તહેવારો આવે... તમારું બજેટ ડામાડોળ નહીં થવા દઉં.'

તોરલે જેમ જેસલને કહેલું કે `તારી બેડલીને ડૂબવા નહીં દઉં' અને જેસલને જે હાશકારો થયો હતો તેવી ફિલિંગ આવી.
આમેય ચુનિયો કશું મફત કરે નહીં એટલે ફી તરીકે પાંચ કિલો ડુંગળી, પાંચ કિલો ખાંડ અને 501 રૂપિયા રોકડા રાખેલા.

આ મહિને તો તહેવારોનો એવો `ડોઝ' આવ્યો છે કે સામાન્ય માણસનું બજેટ વેન્ટિલેટર પર આવી ગયું છે.એક બાજુ રક્ષાબંધન, બીજી બાજુ સાતમ-આઠમનો મેળો, વચ્ચે આવતું મીની વેકેશન અને ઉપરથી રસોડામાં ગર્જના કરતા ડુંગળી-ખાંડના ભાવ!

અમારા ચુનીલાલ પોતાના ડ્રૉઇંગ રૂમમાં પદ્માસન વાળીને બેઠા, સામે એક ડાયરી, હાથમાં બૉલપેન અને કપાળ પર પસીનાનાં ટીપાં બાજી ગયાં, પરંતુ તે જાણતો હતો કે તે કોઈ દેશનું અર્થતંત્ર નથી સુધારી રહ્યો, પણ પોતાના ઘરના `બે છેડા' ભેગા કરવા માટે અણનમ જુગાડની શોધ કરી રહ્યો છે. પછી કોઈ `નીટ'ની એક્ઝામનું પેપર નીકળતું હોય તેમ મગજમાંથી મુદ્દાઓ સરક્યા.

ચાલો, જોઈએ ચુનીલાલનો આ `માસિક મોક્ષ માર્ગ'!    
શરૂઆત થઈ રક્ષાબંધનથી. ચુનીલાલે પહેલો જુગાડ અજમાવ્યો :  `ડિજિટલ પ્રેમ અને સસ્પેન્સ કવર!'
તેણે બહેનોને રાખડી બાંધ્યા પછી સુંદર શુકનનું કવર આપ્યું. અંદર 500ની નોટ મૂકવાને બદલે એક ચિઠ્ઠી મૂકી: વ્હાલી બહેન, તારો પ્રેમ અમૂલ્ય છે. આ રકમ મેં તારા નામે `ઇમેજનરી એફડી'માં મૂકી છે, જે તને હું આવતી જન્માષ્ટમીએ (અથવા બજેટ સરખું થાય ત્યારે) વ્યાજ સાથે આપીશ!

જો મોટી બહેન જો રોકડેરોકડો વ્યવહાર જ માંગે તો ¡ google payની તૈયારી કરવી અને પાંચ મિનિટ પ્રયત્ન કર્યા પછી કહેવું, `અરેરે! સર્વર ડાઉન છે, સાંજે પહોંચી જશે!' (જે સાંજ ક્યારેય આવવાની નહોતી).
રસોડાનો રાજા અને રાણી એવા ડુંગળી-ખાંડનો ડિપ્લોમેટિક બહિકષ્કાર કરવા માટે અમુક ડાયલૉગ પાકા કરાવવા...
રક્ષાબંધન પતે એટલે રસોડાનું સરપ્રાઇઝ ઑડિટ કરવું.

પત્ની કડક અવાજે કહે કે `સાંભળો છો? ખાંડ પૂરી થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ તો આસમાને પહોંચ્યા છે. ભજીયાં વગર સાતમ-આઠમ કેમ ઊજવાશે?'
ચુનીલાલે `આરોગ્ય અને આધ્યાત્મિક' જુગાડ લૉન્ચ કર્યો છે.

ડુંગળીનો વિકલ્પ આપીને કહેવું `પ્રિયે, તને ખબર છે? શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણ-ભાદરવામાં ડુંગળી ન ખવાય! એનાથી તામસી વૃત્તિ વધે. આપણે આખો મહિનો સાત્વિક રહેવાનું છે. ડુંગળી બંધ, એટલે શરીર પણ ફિટ અને પાકીટ પણ ફિટ!'

ખાંડનો વિકલ્પ આપવો અને કહેવું `અને ખાંડ? અરે, ખાંડ તો `સફેદ ઝેર' છે! ડૉક્ટરો કહે છે કે ગળપણ ઓછું ખાવું જોઈએ. આ તહેવારોમાં આપણે ઘરના બધા સભ્યોને `શુગર-ફ્રી' લાઇફસ્ટાઇલ પર શિફ્ટ કરીએ છીએ. મીઠાઈના બદલે આપણે બધા પ્રેમથી એકબીજાનું મોઢું મીઠું કરાવીશું!'

આટલું બોલ્યા પછી ઊંધા ફરી જવું નહીં તો પત્નીના ડોળાનો સામનો નહીં કરી શકો.
સાતમ-આઠમના મેળામાં જવાની જીદ થાય સ્વાભાવિક છે તો શું કરવું? 

`વર્ચ્યુઅલ રિયાલિટી'નો જાદુ અજમાવવો, `પપ્પા, મેળામાં જવું છે! ચગડોળમાં બેસવું છે, ફુગ્ગા ફોડવા છે અને જંક ફૂડ ખાવું છે!' બજેટ અહીં જ સો ટકા કૉલેપ્સ થઈ જાય. મેળામાં જવું એટલે ઓછામાં ઓછો બે-ત્રણ હજારનો ધુમાડો! 
જોકે ચુનીલાલના ઇન્ડિયન જુગાડુ સિલેબસમાં જણાવ્યા પ્રમાણે : 

ઘરમાં `હોમ-મેડ મેળો' ઊભો કરવો. ચગડોળનો અનુભવ કરાવવા નાના દીકરાને ઘરમાં રહેલી પ્લાસ્ટિકની ફરતી ખુરસી (Office Chair) પર બેસાડી અને ગોળ-ગોળ ફેરવો. સાથે ટેપરેકૉર્ડરમાં મોટેથી મેળાનું સંગીત વગાડો. છોકરો ચક્કર ખાઈને નીચે પડશે અને બોલશે : `પપ્પા, બસ... બહુ મેળો થઈ ગયો!'

ખાણી-પીણીમાં મેળાની ભેળ અને ચાટના બદલે તેમણે ઘરમાં મમરા-સેવ ભેગા કરીને મોટો બાઉલ ભરી દઈ અને નામ આપવું રૉયલ મેળા સ્પેશ્યલ ઇન્દોરી ભેલ!
ચગડોળના પૈસા બચાવવા મેળાના મેદાન બહાર ઊભા રહીને છોકરાઓને કહેવું `જુઓ બેટા, ચગડોળમાં બેસો તો ઊલટી થાય. આપણે નીચે ઊભા રહીને જ આકાશમાં ગોળ ગોળ ફરતા લોકોને જોઈને આનંદ લેવાનો! આને કહેવાય `ઓપન-ઍર એન્ટરટેઇનમેન્ટ'!
મીની વેકેશનને જુદી પરિભાષામાં લેવું. `સ્ટેકેશન'  (Staycation)નો મંત્ર આપવો.
ઑગસ્ટમાં સળંગ ત્રણ રજા આવતી હતી. આજુબાજુના પાડોશીઓ ગોવા, ઉદયપુર અને મહાબળેશ્વરના સ્ટેટસ મૂકી રહ્યા હતા. એકવાર આવે જ કે `આપણા પાડોશી એમના પરિવારને લઈને માઉન્ટ આબુ ગયા છે અને તમે મને આ આખો ઑગસ્ટ ઘરમાં જ પૂરી રાખી છે!'

જરાય ગભરાયા વગર ચશ્માં સરખા કરી અને કહેવું, `પ્રિયે, તું હજુ આધુનિક ટે્રન્ડથી અજાણ છે! અત્યારે દુનિયામાં `ટૂરિઝમ' જૂનું થઈ ગયું છે, હવે `સ્ટેકેશન' અને `ઇકો-ફ્રેન્ડલી લિવિંગ'નો જમાનો છે.'
ઘરની અગાસી પર બે ચટાઈ પાથરી, નીચે કૂંડાં ગોઠવવાં અને કહેવું, `આ આપણું `ગ્રીન વૅલી રિસૉર્ટ' છે.'
સાંજે બટાકા પૌંઆ બનાવીને અગાસી પર ખાવા અને પંખાની હવા નીચે બેસીને કહેવું, `જોયું? ન ટ્રાફિકની કચકચ, ન હોટેલનું મોંઘુ બિલ, અને તાજી હવા ફ્રીમાં!'

આમ જુઓ તો તહેવારોની મજા મિત્રો સગાં-વહાલાંઓ અને કુટુંબીજનોને ભેગા કરી આનંદ કરવામાં આવે.
ચુનીલાલે પોતાનો આ સિલેબસ વેચી અને 50 કિલો ડુંગળી 50 કિલો ખાંડ અને 10,000 રૂપિયા ભેગા કરી લીધા છે. એને બારોબાર જલસા થઈ ગયા.

વિચારવાયુ:
ખાંડની ચાસણીમાં ડૂબાડેલી ડુંગળીના કટકાનું કચુંબર એક શાહી વાનગી ગણાશે.