Mon Sep 07 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ મગજ પર સફળતા ચડી નથી એવા લોકોને ઓળખી લો...

2026-08-29 08:01:00
Author: Jawalant Pandya
સિક્કાની ત્રીજી બાજુઃ મગજ પર સફળતા ચડી નથી એવા લોકોને ઓળખી લો...

 

જ્યવંત પંડ્યા

ડૅડી, આઇ હેવ વોન !
ડૅડી, આઇ ડિડ ઇટ !
ડૅડી, ઇટ વૉઝ માય ડે.
આવા સંવાદોની કલ્પના ત્યારે તો અચૂક થાય જ્યારે વિશ્વના પ્રથમ ક્રમાંકના ખેલાડીને કોઈ હરાવે કે કોઈ મોટી સફળતા મેળવે, પરંતુ આવા સંવાદની આપ-લે પિતા સાથે થાય જ નહીં તો? તમને એમ અનુમાન કરવાનું અચૂક મન થશે કે હશે કોઈ મોટી વ્યક્તિ જેણે સફળતાને પચાવવાનું શીખી લીધું હશે, પરંતુ તમને એમ કહું કે એ એક મૂછનો દોરો ફૂટ્યો હોય તેવો 15 જ વર્ષનો છોકરડો છે તો?

હા, એ છોકરડો એટલે દિલ્હીનો વંદન અલંકાર સવાઈ. માત્ર 15 જ વર્ષની તેની વય એટલે ટીનએજમાં પ્રવેશ્યાને પણ માંડ બે વર્ષ વિત્યાં છે. તે ચેસનો ખેલાડી છે અને તેણે એક ઑનલાઇન બ્લિત્ઝ ટુર્નામેન્ટમાં વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડી મેગન્સ કાર્લસેનને હરાવ્યો!

વિચાર કરો કે કેટલી મોટી સફળતા! આવી સફળતા પછી કોઈ પણ વયની વ્યક્તિનો ઉત્સાહ સમાય ખરો? તે પહેલાં તો ઘરે ફોન કરે, કાં વૉટ્સઍપ તો કરે જ. પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન એ જ દિવસે કરે. શું-શું ન કરે!

જોકે વંદનના પિતા અલંકાર સવાઈને અને બાકીના પરિવારજનોને ક્યારે આ મોટા સમાચારની જાણ થઈ? જ્યારે બીજા દિવસે પિતાને થયું કે મારો દીકરો શું કરી આવ્યો છે તે જોઉં તો ખરો. તેમણે chess.com વેબસાઇટ ખોલી ત્યારે ખબર પડી કે ઓહો! કુંવર તો વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડીને હરાવીને આવ્યા છે. માત્ર વંદનના પરિવારજનો જ નહીં, તેના કોચ ગુરપ્રીતપાલસિંહને પણ પરિણામની જાણ નહોતી! તેમને પણ બીજા દિવસે જ જાણ થઈ.  
 
ગુરપ્રીતપાલસિંહ કહે છે કે બોર્ડ પર બેસે ત્યારે વંદન એકદમ આક્રમક, પરંતુ રમત પછી આ આક્રમકતા ખોવાઈ જાય. પછી તે અંતર્મુખી બની જાય. જાણે કે વંદને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું તત્ત્વચિંતન અથવા `દુ:ખમાં રડાઈ નહીં, સુખમાં છકાય નહીં' એ પંક્તિને પચાવી લીધી છે. 

આજે ઠંડા પીણાની એક જાહેરખબરમાં કહે છે કે નાના-નાના આનંદની પણ ઉજવણી કરો. અહીં તો આવડો મોટો વિજય. તેની કોઈ ઉજવણી જ નહીં. ઉજવણી છોડો, જાણ પણ નહીં કરવાની, તે પણ પરિવારને અને પ્રશિક્ષકને!

જોકે આવા લોકો હોય છે. `ધૂરંધર' ફેમ નિર્દેશક આદિત્ય ધરને જ જુઓને. આમ તો, `ઉરી: સર્જિકલ સ્ટ્રાઇક', `આર્ટિકલ 370' સફળ તો ખરી જ, પરંતુ `ધૂરંધર' અને `ધૂરંધર રિવેન્જ' બંને અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ બની ગઈ તોય તેના ધૂરંધર નિર્દેશક આદિત્ય ધરે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો નથી. પહેલી `ધૂરંધર'ની સફળતા પછી બીજી `ધૂરંધર'ના પ્રમોશન માટે તેઓ કોઈ મીડિયાના દ્વારે પણ નહોતા ગયા. તેમની પત્ની અભિનેત્રી યામી ગૌતમ કહે છે, સફળતા તેમના માથા પર ચડી નથી. નથી તેઓ મિજાજ ગુમાવી બેસતા. તે તો એવા ને એવા નમ્ર વ્યક્તિ છે જેવા તે ધૂરંધર પહેલાં હતા.

આવા અનેક વ્યક્તિ મળી જશે, જેમણે સફળતા ખરેખર પચાવી છે. 
વોરેન બફેટનું નામ કોણ નહીં જાણતું હોય? આટલા મોટા ધનાઢ્ય, શૅરબજારમાં મોટા રોકાણકાર, જેમની સલાહો લોકો પાઠ્યપુસ્તકની જેમ સાંભળે-વાંચે તેવા આ ઉદ્યોગપતિ હજુ પણ એ જ ઘરમાં રહે છે જે ઘર તેમણે દસ-વીસ વર્ષ પહેલાં નહીં ઈ. સ. 1958માં ખરીદ્યું હતું! વિચાર કરો, આજે કોઈને માત્ર પચાસ લાખ વધુ કમાણી થઈ જાય તો પણ તે વધુ મોટા ઘરમાં અને વધુ ભપકાદાર ઘરમાં જવાનું વિચારવા લાગે છે, પરંતુ વોરેનદાદા તો એ જ ઘરમાં રહે છે. આ જ કૉલમમાં આપણે ઝોહો મેઇલ અને અન્ય ઍપ્લિકેશન-સૉફ્ટવેર બનાવનાર તમિળનાડુના શ્રીધર વેમ્બૂની વાત જાણી હતી. અબજોપતિ હોવા છતાં તે તમિળનાડુના મથલમ્પરાઈ ગામમાં સાદગીપૂર્ણ રીતે જીવી રહ્યા છે.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ પણ તેમના સાદગીપૂર્ણ જીવન માટે જાણીતા હતા. તેમને મન વિદ્યાર્થીઓ, યુવાનોને સકારાત્મક રીતે ઉન્નત ભારત માટે કાર્ય કરતા કરવા એ જ સ્વપ્ન હતું. તેમનું નિધન પણ આ રીતે જ થયું. 27 જુલાઈ 2015એ કલામ શિલોંગમાં આઇઆઇએમમાં `ક્રિએટિગ અ લિવેબલ પ્લાનેટ અર્થ' પર પ્રવચન આપવા જઈ રહ્યા હતા. વિમાનમાં બેસવા માટે સીડીનાં પગથિયાં ચડતી વખતે તેમને અસુખ વર્તાયું. પરંતુ થોડા વિશ્રામ પછી તેઓ પ્રવચન આપવા માટે લોકોની વચ્ચે પહોંચી ગયા. તેમના પ્રવચનમાં પાંચ મિનિટ પછી તે મંચ પર જ ઢળી પડ્યા...! 

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા જ લોકોમાં સ્થાન પામે. 
જ્યારે મુખ્ય પ્રધાનના દાવેદાર જાહેર થયા ત્યારે તે છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમને ખબર જ નહોતી કે તે મુખ્ય પ્રધાન બનશે. તેમને જાણતા લોકો કહે છે કે મુખ્ય પ્રધાન બન્યા પછી પણ તેઓ સહેજે બદલાયા નથી. `મૃદુ અને મક્કમ'નું બિરુદ પામેલા ભૂપેન્દ્રદાદા ક્યાંય પ્રવાસે જાય છે તો વચ્ચે કોઈ ચાના ગલ્લે ખાટલા પર બેસી ચા પી લે છે, તો ક્યારેક પોતાની વાહન શ્રૃંખલા રોકી સામાન્ય નાગરિકોને મળી લે છે. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રભાઈ દાદા ભગવાનના ચિંતનમાં માને છે અને તેને આત્મસાત કરેલું છે. એટલે આટલા સરળ અને સહજ રહી શકે છે.