Fri Aug 21 2026

Logo

ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ ઓટોનોમસ યુનિવર્સિટી બની

2026-08-05 16:46:32
Author: Mumbai Samachar Team
Article Image

ગાંઘીનગર: ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા  ગુજરાત યુનિવર્સિટીને Category-II University તરીકે 29 જુલાઈ 2026ના રોજ માન્યતા આપવામાં આવી છે.  તેમજ Category-IIની તમામ અનુસંગી લાભો મેળવનારી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર રાજ્યની પ્રથમ અને એકમાત્ર સ્ટેટ યુનિવર્સિટી બની છે.

નવા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરી શકાશે

યુજીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomy મળવાના પરિણામે હવે યુનિવર્સિટી પોતાની સ્વાયત્તતા હેઠળ UGCની પૂર્વમંજૂરી વિના જ વર્તમાન માળખામાં નવા અભ્યાસક્રમો, વિભાગો, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે. આ ઉપરાંત, National Skills Qualification Framework (NSQF) મુજબ ઉદ્યોગસંલગ્ન તેમજ રોજગારલક્ષી નવા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરી શકાશે.

 20 ટકા સુધી વિદેશી અધ્યાપકોની નિમણૂક કરી શકાશે 

આ ઉપરાંત મંજૂર અધ્યાપકોની સંખ્યા ઉપરાંત 20 ટકા સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત નિમણૂક કરી શકાશે અને સ્થાનિક વિદ્યાર્થી ક્ષમતા ઉપરાંત 20 ટકા સુધી વિદેશી વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપી શકાશે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL)દ્વારા પણ પોતાના શૈક્ષણિક કાર્યક્રમોનો વ્યાપ વધારી શકશે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ અભિનંદન આપ્યા 

ગુજરાત યુનિવર્સિટીની આ ઐતિહાસિક ઉપલબ્ધિ બદલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ યુનિવર્સિટી પરિવાર, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.  ગુજરાત યુનિવર્સિટીને મળેલું આ ગૌરવ રાજ્યના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે.

વૈશ્વિક શૈક્ષણિક સહયોગને એક નવી દિશા અને અભૂતપૂર્વ વેગ મળશે

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલી આ ઐતિહાસિક સ્વાયત્તતાના પરિણામે હવે ગુજરાત યુનિવર્સિટીમાં ઉચ્ચ સ્તરનું સંશોધન, ઇનોવેશન, બહુવિષયક (Multidisciplinary) અભ્યાસક્રમો તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈશ્વિક શૈક્ષણિક સહયોગને એક નવી દિશા અને અભૂતપૂર્વ વેગ મળશે.