(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા આતંકી વિચારધારા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનના ભાગરૂપે ગુજરાત ATSએ નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરી હતી. 19 વર્ષનો ફૈઝાન કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતો. 25 જાન્યુઆરી, 2026ના રોજ થયેલી આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ATSએ તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીના ચારપુલ વિસ્તારમાં રહેતો ફૈઝાન શેખ મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા, નરપત નગરનો વતની છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો.
ATS અને નવસારી SOG ની સંયુક્ત ટીમે ફેઝાનની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી એક પિસ્ટલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે આશરે છ મહિના પહેલા તે રામપુર ગયો હતો ત્યારે ત્યાંથી તેણે રૂપિયા 30,000 માં આ હથિયાર ખરીદ્યું હતું.
ટેકનિકલ સર્વેલન્સમાં જાણવા મળ્યું હતું કે તે ‘અલ ફેઝાન ગાઝા’ (Al Faizan Gaza) અને અન્ય નામે ઇન્સ્ટાગ્રામ આઈડી ચલાવતો હતો, જેના પર તે આતંકી સંગઠનોનું રેડિકલ મટિરિયલ અપલોડ કરતો હતો. તેના ફોનમાંથી શંકાસ્પદ સાહિત્ય અને ટાર્ગેટ કિલિંગ માટેના લિસ્ટ અંગેની વિગતો મળવાની શક્યતા છે.
ATSના જણાવ્યા અનુસાર, ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો. તેના પર આતંક અને ભય ફેલાવવા માટે ચોક્કસ વ્યક્તિઓની હત્યા કરવાના ઇરાદે ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મેળવવાનો આરોપ છે.
પ્રાથમિક તપાસમાં ‘મોહમ્મદ અબુબકર’ નામના શખ્સ સાથે તેના ચેટિંગ અને વિડિયો શેરિંગના પુરાવા મળ્યા છે. ATS હવે તેના મોબાઈલ અને સોશિયલ મીડિયા ડેટાનું એનાલિસિસ કરી તેના અન્ય સાથીદારો અને ફાઇનાન્શિયલ નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. તેને હથિયારો કોણે પૂરાં પાડ્યાં અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ એની તપાસ પણ ATSએ શરૂ કરી છે.