ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધીનો લાભ લઈ બુટલેગરો બોર્ડર પરથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ હોય છે, જેમાં ક્યારેક સફળતા મળે છે તો અમુક વખત પોલીસની ઝપટે ચડી જવાય છે. ગુજરાત વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં બોર્ડર પરથી કેટલો દારૂ પકડાયો તેવો સવાલ પૂછાયો હતો. જેના જવાબમાં સરકારે ચોંકાવનારી માહિતી આપી હતી.
કોણે પૂછ્યો પ્રશ્ન
અમદાવાદના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછ્યું કે, 25-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પરની ચેકપોસ્ટ પરથી કેટલી કિંમતનો કેટલો વિદેશી દારૂ, બીયરની બોટલો પકડાઈ? કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે? તેમજ બાકીના આરોપીઓને પકડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી છે?
સરકારે શું આપ્યો જવાબ
ઈમરાન ખેડાવાલાના સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, 25-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પરની ચેકપોસ્ટ પરથી રૂ. 38,89,31,118નો દારૂ પકડવામાં આવ્યો છે. કુલ 10,49,855 વિદેશી દારૂની બોટલ પકડવામાં આવી છે. જયારે 1,59,265 બીયરની બોટલો મળી કુલ રૂ. 3,33,13,913નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કેટલા આરોપીની ધરપકડ છે બાકી
બે વર્ષમાં 1018 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 141 આરોપીઓને પકડવાના બાકી છે. બાકી આરોપીઓને પકડવા પોલીસ સ્ટેશન કક્ષાએથી વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે.
રાજ્યમાં દારૂબંધીથી આશરે 1500 કરોડનું નુકસાન
રાજ્ય સરકારે ગત મહિને રજૂ કરેલા બજેટમાં ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્પેઇન માટેના આયોજનની જાહેરાત કરી હતી. એકતરફ ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્ય સરકારને હેલ્થ લિકર પરમિટ ફી પેટે થતી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, 2024-2025ના સમયગાળામાં રાજ્યને કુલ રૂ. 7,88,68,000 ની આવક થઈ હતી. જ્યારે 21 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળામાં આ આવક વધીને રૂ. 8,63,15,000 પર પહોંચી ગઈ હતી. આમ, માત્ર એક જ વર્ષમાં પરમિટ ફીની આવકમાં અંદાજે 74 લાખ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.ગુજરાત સરકાર રાજ્યને વેડિંગ અને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીના કારણે લગભગ 500 શાહી લગ્નો રાજસ્થાનમાં યોજાય છે. જેના કારણે રાજ્યને વેડિંગ બિઝનેસમાં દર વર્ષે અંદાજે રૂ. 1,500 કરોડનું નુકસાન થાય છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 32 હોટલો પાસે દારૂ વેચવાની પરમિટ
ગુજરાત વિધાનસભામાં થોડા દિવસ પહેલા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હોટેલને દારૂ પરવાના આપવા અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે 25-01-2026ની સ્થિતિએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કેટલી હોટેલમાં દારૂ વેચવાના પરવાના આપેલા છે અને દારૂના વેચાણથી છેલ્લા બે વર્ષમાં સરકારને કેટલી આવક થઈ? જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં 32 હોટેલોમાં દારૂ વેચવાના પરવાના આપેલા છે અને તેનાથી સરકારને 116.39 કરોડ રૂપિયાની આવક થઈ છે.