Sat Jul 11 2026

Logo

લીલી પરિક્રમા તો સૌ જાણે છે, પણ શું તમે ગિરનારની આ અનોખી 'દૂધધારા પરિક્રમા' વિશે જાણો છો?

2026-07-11 20:38:07
Author: Devayat Khatana
Article Image

જૂનાગઢ: ગિરનાર એ સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્રબિંદુ રહી છે. ગિરનારની ભૂમિમાં મહાશિવરાત્રિ, લીલી પરિક્રમા જેવી પરંપરાઓની સાથે જ જેઠ મહિનામાં ગિરનારની તળેટીમાં એક વિશેષ પરંપરાને અનુસરવામાં આવે છે.  ત્યારે ગિરનારમાં આ વર્ષે પણ અનેરી 'દૂધધારા પરિક્રમા'ને અનુસરવામાં આવી હતી. 

જૂનાગઢના ગિરનાર પર્વતની પાવન ગિરિકંદરાઓમાં છેલ્લા ૭૨ વર્ષથી યોજાતી અનોખી અને પવિત્ર 'દૂધધારા પરિક્રમા'નો જેઠ વદ અગિયારસ (યોગિની એકાદશી)ના દિવસે ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. સારા વરસાદની કામના સાથે યોજાતી આ પરંપરાગત પરિક્રમા ગિરનારની પ્રખ્યાત પાંચ દિવસીય ૩૬ કિલોમીટર લાંબી 'લીલી પરિક્રમા' કરતા તદ્દન અલગ છે.

લીલી પરિક્રમા વિશે સૌ કોઈ જાણે છે, પરંતુ ગિરનારના ગાઢ અને પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં વર્ષમાં માત્ર એક જ વાર યોજાતી આ દૂધધારા પરિક્રમા વિશે બહુ ઓછા લોકો માહિતગાર છે. ગુરુ દત્તાત્રેય અને માતા અંબાની આ પાવન ભૂમિ પર યોજાતી આ વિશેષ પરિક્રમા લાંબી ન હોવાથી, સવારથી શરૂ થઈને સાંજ સુધીમાં એટલે કે માત્ર એક જ દિવસમાં પૂર્ણ થઈ જાય છે.

ભવનાથ તળેટીમાં આવેલી કરમણ ભગતની જગ્યાએથી સવારે શરૂ થતી આ યાત્રામાં ભવનાથના નેશ વિસ્તારના માલધારી સમાજ દ્વારા વિનામૂલ્યે અપાયેલું આશરે ૧૦૦ લિટર જેટલું શુદ્ધ દૂધ સાથે રાખવામાં આવે છે. યાત્રિકો જંગલ વિસ્તારમાં આવતા તમામ શિવાલયો પર દૂધની અખંડ ધારા અર્પણ કરે છે.

આ યાત્રા ગિરનારેશ્વર, ત્રિગુણેશ્વર, લંબે હનુમાન અને દૂધેશ્વર મંદિરે દૂધાભિષેક કર્યા બાદ ગાઢ જંગલમાં કાળભૈરવ, જીણાબાવાની મઢી, માળવેલા, સરકડીયા હનુમાન અને નળ પાણીની ઘોડી થઈને સાંજે છ વાગ્યાની આસપાસ બોરદેવી મંદિરે ધાર્મિક વિધિ સાથે સંપન્ન થાય છે. આ જંગલ વિસ્તાર અભયારણ્ય હોવાથી વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડે છે, જેથી સાધુ-સંતો અને અન્ય લોકો સહિત માત્ર ૧૫૦ થી ૨૦૦ જેટલા મર્યાદિત લોકો જ આ યાત્રામાં ભાગ લે છે.