Mon Jun 01 2026

Logo

ગીરના સિંહો પર બેવડો વાયરસ એટેક: સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રખડતા પશુ-કૂતરાની વધતી વસ્તીથી ચિંતા

2026-06-01 09:06:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ  ગીરમાં સિંહોમાં ફેલાયેલા રોગચાળા અને તેના કારણે થઈ રહેલા મૃત્યુ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા વન પ્રધાન સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફ્લો તાબડતોબ દોડી આવ્યો હતો. 13 સિંહોના મોતના મામલે છેક દિલ્હી વડાપ્રધાન સુધી પડઘા પડ્યા છે, જેને પગલે વન પ્રધાન જામવાળા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન પશુપાલન વિભાગના એક સર્વેમાં થયેલા ખુલાસા મુજબ, સૌરાષ્ટ્રમાં સિંહના વિસ્તારમાં રખડતા પશુઓ કરતાં રખડતા કૂતરાની સંખ્યા વધારે છે.

એશિયાટિક સિંહોની 95 ટકા વસ્તી સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે, આ જ વિસ્તારોમાં 1.08 લાખ રખડતા કૂતરા પણ છે, જે સિંહો માટે જીવલેણ એવા CDV વાયરસના સંભવિત વાહક છે. આ જ સિંહ વિસ્તારોમાં આશરે  80,050 રખડતા પશુઓ પણ છે, જેમને ઘણીવાર મોટી ઉંમર અથવા ઓછી ઉત્પાદકતાના કારણે રસ્તા પર છોડી દેવામાં આવે છે. આ પશુઓમાં ઈતરડી જોવા મળે છે, જે બેબીસિયા  નામનો રોગ ફેલાવે છે. આ રોગ પણ સિંહો માટે મોટો ખતરો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પશુપાલન વિભાગના પશુધન સર્વેક્ષણમાંથી એકત્રિત કરાયેલા નવીનતમ ડેટા મુજબ સિંહની 95 ટકા વસ્તી ધરાવતા આ ચાર જિલ્લાઓમાં 22.9 લાખ પાલતુ પશુઓ પણ છે. સુરક્ષિત જંગલોની બહારના વિસ્તારોમાં આશરે 84,460 વન્ય તૃણાહારી પ્રાણીઓ છે. ગીર અભયારણ્યની અંદર કોઈ રખડતા કૂતરા કે બિનવારસી પશુઓ નથી. સરકારની વ્યવસ્થાપન યોજનામાં સિંહ વસવાટ ધરાવતા આ ક્ષેત્રમાં રહેલા અંદાજે 1.90 લાખ રખડતા પ્રાણીઓની હાજરી પર ધ્યાન આપવું જ પડશે, કારણ કે આ પ્રાણીઓ રોગ નિયંત્રણના પ્રયાસો સામે મોટો પડકાર ઉભો કરી શકે છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે,  રખડતા કૂતરા CDV ટ્રાન્સમિશન (વાયરસ ફેલાવવાનું) નું જોખમ ઊભું કરે છે. 2018ના CDV ફાટી નીકળ્યા બાદ પ્રકાશિત થયેલા એક સંશોધન પત્ર ‘કેનાઈન ડિસ્ટિમ્પર વાયરસ ઇન એશિયાટિક લાયન્સ ઓફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા’ માં નોંધવામાં આવ્યું હતું કે, ભારતમાં કૂતરાઓમાં કેનાઈન ડિસ્ટિમ્પર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, અને મુક્તપણે ફરતા કૂતરાઓની વસ્તી ઘણીવાર વન્યજીવોમાં CDV ટ્રાન્સમિશનનો ખતરો પેદા કરે છે. આ સંશોધન પત્રમાં વધુમાં જણાવાયું છે કે, અન્ય વન્યજીવ પ્રજાતિઓ પણ CDV ને જાળવી રાખવામાં અને ફેલાવવામાં ભૂમિકા ભજવી શકે છે.

નિષ્ણાતોએ ઉમેર્યું હતું કે ઈતરડી સામાન્ય રીતે રખડતા પશુઓ પર વધુ જોવા મળે છે, જેના કારણે આ ચાર જિલ્લાઓમાં રખડતા શ્વાન અને પશુઓની મળીને અંદાજે 1.90 લાખની સંયુક્ત વસ્તી સિંહ સંરક્ષણ માટે ચિંતાનો વિષય બની છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  જ્યારે રાજ્ય સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાઓમાં સિંહોની હાજરી સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખે છે, ત્યારે તેણે રાજ્યમાં રહેલા 3.07 લાખ રખડતા શ્વાન અને રખડતા પશુઓની વિશાળ વસ્તી દ્વારા ઉભા થતા પડકારનો સામનો કરવો જ પડશે. ગીર ઇકોસિસ્ટમમાં ઈતરડીથી થતા બેબીસિયા ચેપના કેસો સમયાંતરે નોંધાય છે, પરંતુ જ્યારે આ ચેપથી નબળા પડેલા સિંહો CDV ના સંપર્કમાં આવે છે, ત્યારે મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે.

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, રોગની દેખરેખ સિંહ સંરક્ષણ આયોજનનો એક અભિન્ન ભાગ બનવી જોઈએ. જેમ જેમ સિંહો માનવ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે, તેમ તેમ રખડતા કૂતરા અને છોડી દીધેલા પશુઓની વસ્તીનું સંચાલન કરવું મહત્વપૂર્ણ બની ગયું છે. સંરક્ષણનો પડકાર હવે માત્ર સિંહોના રક્ષણ પૂરતો સીમિત નથી રહ્યો; તે તેમને પર્યાવરણમાં ફરતા રોગોથી બચાવવા વિશે પણ છે.

હાલમાં સિંહોની સંખ્યા ઐતિહાસિક સ્તરે સૌથી વધુ છે અને તેમનો વિસ્તાર સતત વધી રહ્યો છે, ત્યારે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એશિયાટિક સિંહોની વન્ય વસ્તીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વસવાટની સુરક્ષા જેટલી જ આગોતરી રોગ દેખરેખ અને તેનું સંચાલન પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.