Fri Sep 04 2026

Logo

જમવામાં કીડી હોવાની ફરિયાદ કરનારા યુવકની ચાર ફ્લેટમેટ્સે કરી હત્યા

2026-05-31 17:57:07
Author: Pooja Shah
જમવામાં કીડી હોવાની ફરિયાદ કરનારા યુવકની ચાર ફ્લેટમેટ્સે કરી હત્યા

અમદાવાદઃ એક અત્યંત ચોંકાવનારી ઘટના અમદાવાદના વટવામાં બની હતી, જેમાં માત્ર જમાવામાં કીડી આવી હોવાની ફરિયાદ કરનારા ઈમરાન સિંઘા નામના મૂળ વડોદરાના યુવકની સાથે રહેતા ચાર ફ્લેટમેટ્સે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હત્યા કરી ભાગી ગયેલા ચાર જણને પોલીસે ગુરુગ્રામથી આગ્રા જતી બસમાંથી પકડી લીધા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઘટનાની મળતી વિગતો અનુસાર પોલીસને બંધ ફ્લેટમાંથી હાથપગ બાંધેલી અને કોહવાયેલી લાશ મળી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવક અન્ય ચાર શખ્સ સાથે ફ્લેટમાં રહેતો હતો. જોકે તે ચારેય યુવક ફરાર હતા. આ ચારેય યુવક  વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફે વીરુ ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિકુમાર સાહુ ઉર્ફે રવિ અને એક અન્ય કિશોર હતો. પોલીસે ટેકનોલોજીની મદદથી તેમને શોધવા એક ટીમ રવાના કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય જયપુર ગયા હતા અને ત્યાંથી આગ્રા, આગ્રાથી ફતેહાબાદ, મથુરા, વૃંદાવન, વઝીરાબાદ, ફરી ફતેહાબાદ આવ્યા હતા.  પછી ત્યાંથી આગ્રા તરફ પાછા જતા હતા ત્યારે બસનો પીછો કરી તેમને સ્થાનિક પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા હતા. 

ચારેયની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તે દિવસે જમવાનું રવિકુમાર અને કિશોરે બનાવ્યું હતું. ખાવામાં કીડી નીકળતા ઈમરાને ફરિયાદ કરી હતી અને તેમની વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ચારેયે મળીને ઈમરાનને બાંધી તેના મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દેતા તેનું મોત થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.