Sun May 31 2026

Logo

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે લિપુલેખ અને કાલાપાની મુદ્દે વિવાદ છેડ્યો, જાણો વિગતે

Kathmandu   2026-05-31 18:02:27
Author: Chandrakant Kanoja
Article Image

કાઠમંડુ : નેપાળના વડાપ્રધાન બાલેન શાહે  ભારત નેપાળ બોર્ડરને લઇને વિવાદ છેડ્યો છે. તેમણે પ્રથમ વાર સાંસદોને સંબોધિત કરતા લિપુલેખ અને કાલાપાનીના વિષયને બ્રિટન સમક્ષ ઉઠાવવાની વાત કરી છે. લિપુલેખ અને કાલાપાની ભારત નેપાળ સરહદ પર સ્થિત છે અને પ્રાદેશિક વિવાદનો મુદ્દો છે.જોકે, પીએમ બાલેન શાહ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લઇ જવા માંગે છે. 

નેપાળ સરકાર આ મુદ્દો બ્રિટન સમક્ષ ઉઠાવશે

લિપુલેખ-લિમ્પિયાધુરા ક્ષેત્ર પર નેપાળના દાવા અંગે સાંસદોને સંબોધતા, બાલેન શાહે જણાવ્યું હતું કે તેમની સરકાર આ મુદ્દો બ્રિટન સમક્ષ ઉઠાવશે. તેમણે ખાતરી આપી હતી કે ભારત સાથેનો સરહદી મુદ્દો વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા ઉકેલવામાં આવશે. તેમણે દેશના દક્ષિણ પાડોશી સાથે સારા સંબંધો જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો, જ્યારે લાંબા સમયથી ચાલતા પ્રાદેશિક વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અંગે સરકારની નીતિની રૂપરેખા આપી.

આ વિવાદના મૂળ બ્રિટિશ ભારત સમયના

નેપાળના પીએમ બાલેન શાહે કહ્યું, આ વિવાદના મૂળ બ્રિટિશ ભારત સમયના છે. તેમણે કહ્યું કે ભારત સાથે રાજદ્વારી અને ટેબલ-ટોપ વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવામાં આવશે. તેમણે કહ્યું કે  નેપાળ સંવેદનશીલ દ્વિપક્ષીય મુદ્દાઓના ઉકેલ માટે  રાજદ્વારી, પરસ્પર આદરને પ્રાથમિકતા આપશે. તેમજ  લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદો અંગે, ભારત અને નેપાળ લગભગ 1,751 કિલોમીટર સુધી ફેલાયેલી ખુલ્લી સરહદ ધરાવે છે અને ગાઢ સાંસ્કૃતિક, આર્થિક અને લોકો વચ્ચેના સંબંધો જાળવી રાખે છે.


વિવાદિત પ્રદેશો પર પોતપોતાના દાવા જાળવી રાખ્યા

જોકે, ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી પશ્ચિમમાં કાલાપાની-લિમ્પિયાધુરા-લિપુલેખ ક્ષેત્ર અને દક્ષિણમાં સુસ્તા ક્ષેત્ર મુદ્દે વિવાદ છે. સરહદ વિવાદ 1816માં નેપાળ રાજ્ય અને બ્રિટિશ ભારત વચ્ચે થયેલી સુગૌલી સંધિ સાથે જોડાયેલો છે. આ બંને રાષ્ટ્રોએ વિવાદિત પ્રદેશો પર પોતપોતાના દાવા જાળવી રાખ્યા છે.

આ માર્ગનો ઉપયોગ કૈલાશ માનસરોવર યાત્રા માટે થાય છે

આ પ્રદેશ ભારત માટે મહત્વના છે. વર્ષ 2020માં ભારત દ્વારા ઉત્તરાખંડમાં ધારચુલાને લિપુલેખ પાસ સાથે જોડતા રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ કાલાપાની ક્ષેત્ર પર તણાવ વધ્યો હતો. આ માર્ગનો ઉપયોગ કૈલાશ માનસરોવર યાત્રા માટે થાય છે. ત્યારબાદ  નેપાળે એક સુધારેલો સત્તાવાર નકશો બહાર પાડ્યો જેમાં કાલાપાની , લિપુલેખ અને લિમ્પિયાધુરાને તેના પોતાના પ્રદેશમાં દર્શાવવામાં આવ્યો હતો. આ નકશાને બાદમાં બંધારણીય સુધારા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

ભારતે આ પ્રદેશો પર તેનો દાવો કર્યો છે

જોકે, આ વિવાદ વચ્ચે હંમેશા ભારતે આ પ્રદેશો પર તેનો દાવો કર્યો છે. તેમજ  કહ્યું છે કે તમામ બાકી રહેલા સરહદી મુદ્દાઓને હાલના દ્વિપક્ષીય તંત્ર અને રાજદ્વારી સંવાદ દ્વારા ઉકેલવા જોઈએ. આ  બંને દેશોએ ભૂતકાળમાં રાજદ્વારી માધ્યમથી  સરહદી મુદ્દાઓ પર ચર્ચા કરી છે.