Sun May 31 2026

Logo

હિઝબુલ્લાહને ફટકોઃ લેબનોનમાં ઇઝરાયલની મોટી જીત, 26 વર્ષ બાદ ઐતિહાસિક કિલ્લા પર લહેરાવ્યો ધ્વજ

Lebanon   2026-05-31 17:51:06
Author: Devayat Khatana
Article Image

REUTERS/Stringer — Stringer


લેબનોન: અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના સંયુક્ત હુમલા પછી હજુ પણ સંપૂર્ણપણે આ યુદ્ધનો માહોલ શમ્યો નથી, પરંતુ તેનો સૌથી વધુ ફાયદો ઈઝરાયલે ઊઠાવ્યો છે. ઇઝરાયલે લેબનોનમાં ખાસ કરીને હિઝબુલ્લાહ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા સૈન્ય અભિયાનમાં સૌથી મોટી  સફળતા હાંસલ કરી છે. ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનના ઐતિહાસિક બ્યુફોર્ટ કિલ્લા પર કબજો જમાવીને ત્યાં ઇઝરાયલ અને ગોલાની બ્રિગેડનો ધ્વજ ફરકાવ્યો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને આ ઘટનાને મોટી  જીત ગણાવી હતી. આ કિલ્લો ઇઝરાયલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેની ઊંચાઈ પરથી આખા વિસ્તાર પર સરળતાથી નજર રાખી શકાય છે.

ઇઝરાયલે ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન જ દક્ષિણ લેબનોન તરફ પોતાનું અભિયાન શરૂ કરી દીધું હતું. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ઈરાન લેબનોનમાં પણ સીઝફાયર (યુદ્ધવિરામ) ની માંગ કરી રહ્યું છે, પરંતુ ઇઝરાયલ આ માટે તૈયાર નથી. 

વાસ્તવમાં, ઇઝરાયલ આ વિસ્તારમાંથી ઈરાનના સહયોગી મનાતા હિઝબુલ્લાહ સંગઠનને સંપૂર્ણપણે ખતમ કરવા માંગે છે. ઇઝરાયલ આ સંગઠનને પોતાના માટે મોટો ખતરો માને છે અને હમાસની જેમ તેને પણ નેસ્તનાબૂદ કરવાના ઉદ્દેશ્યથી દક્ષિણ લેબનોનમાં સતત પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.

બ્યુફોર્ટ કિલ્લા પર કબજો મેળવવાથી ઇઝરાયલને અનેક મોટા ફાયદાઓ થયા છે. આ કિલ્લો એક વ્યૂહાત્મક ઊંચાઈ પર આવેલો છે, જેના પર નિયંત્રણ મેળવીને ઇઝરાયલે હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓ અને ઘૂસણખોરીની ક્ષમતાને નોંધપાત્ર રીતે નબળી પાડી દીધી છે. આ ઉપરાંત, ઉત્તરીય સરહદ અને ગેલીલી વિસ્તારની વસાહતોની સુરક્ષા પણ મજબૂત બની છે અને નાગરિકો પર હુમલાનો ખતરો ઓછો થયો છે. 

હિઝબુલ્લાહ માટે આ માત્ર એક સૈન્ય મથક નહોતું, પરંતુ એક પ્રતીકાત્મક સ્થાન પણ હતું. ઇઝરાયલે અગાઉ 1982માં આ કિલ્લા પર કબજો કર્યો હતો અને 2000 સુધી પોતાની પાસે રાખ્યો હતો. હવે 26 વર્ષ બાદ ફરીથી તેના પર કબજો કરીને ઇઝરાયલે હિઝબુલ્લાહને એક મોટો ફટકો આપ્યો છે.

આ સફળતા બાદ ઇઝરાયલી સેનાએ લિતાની નદી પાર કરીને પોતાના ઓપરેશનનો વિસ્તાર વધાર્યો છે, એટલે કે એનો અર્થ છે કે ઇઝરાયલ હિઝબુલ્લાહને માત્ર નબળું પાડવા જ નથી માંગતું, પરંતુ તેને સંપૂર્ણપણે પાછળ ધકેલી દેવા માંગે છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિર્દેશ પર કરવામાં આવેલા આ અભિયાનને દેશમાં ખૂબ જ સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે. 

સંરક્ષણ પ્રધાન કાત્ઝે આ જીતને ગોલાની બ્રિગેડના શહીદ સૈનિકોની યાદમાં ખાસ ગણાવી છે. આ ઝડપી અને સચોટ કાર્યવાહીથી ઇઝરાયલી સેના અને જનતાનું મનોબળ વધ્યું છે, ઉત્તરીય સરહદ વધુ સુરક્ષિત બની છે અને પ્રાદેશિક સંતુલનમાં ઇઝરાયલની સ્થિતિ વધુ મજબૂત બની છે.