Fri Sep 04 2026

Logo

એનસીપીમાં આંતરીક વિવાદ ચરસીમાએ

2026-05-31 18:39:52
Author: Sapna Desai
એનસીપીમાં આંતરીક વિવાદ ચરસીમાએ

બાવીસ વિધાનસભ્ય પક્ષથી છેડો ફાડવાની તૈયારીમાં?

મુંબઈ: સ્વર્ગસ્થ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત)માં આંતરિક વિવાદ ચરસીમાએ પહોંચી ગયો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું  છે. પક્ષના સિનિયર નેતાઓ અને સુનેત્રા પવાર વચ્ચે મતભેદો હોવાનું માનવામાં આવે છે. વધુમાં અજિત પવારના અવસાન બાદ બાવીસ વિધાનસભ્યો ફૂટી ગયા હોઈ બહુ જલદી તેઓ પક્ષાંતર કરવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે અજિત પવારના નજીકના વરિષ્ઠ નેતા પ્રકાશ સોળંકેએ આ બધી ચર્ચાઓ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

બે દિવસ પહેલા યોજાયેલી રાષ્ટ્રવાદી કૉંગ્રેસની બેઠકમાં ખરેખર શું થયું? તેની માહિતી પણ આપતા માજલગાંવના વિધાનસભ્ય પ્રકાશ સોળંકેએ કહ્યું હતું કે પક્ષમાં બધું બરાબર છે અને તમામ વિધાનસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સુનેત્રાતાઈના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે. પક્ષના બાવીસ વિધાનસભ્ય પક્ષપલટો કરવાના અને પાર્ટીમાં મતભેદો હોવાના સમાચાર મીડિયામાં ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા છે. આ બધા અહેવાલોમાં કોઈ સત્ય નથી. સુનેત્રાતાઈના નેતૃત્વ હેઠળ બધા એક ટીમ તરીકે અને સંગઠિત રીતે કામ કરી રહ્યા છે.

પ્રકાશ સોલંકેએ વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં સુનેત્રાતાઈના નેતૃત્વ હેઠળ વિધાનસભ્યો અને સાંસદોની બેઠક યોજવામાં આવી હતી. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે અને બધા નેતાઓ તે બેઠકમાં હાજર હતા. બાવીસ વિધાનસભ્ય ત્યાં ગયા હતા, પાર્ટીમાં મતભેદો છે, આવા સમાચાર મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહ્યા છે. જોકે, આમાં કોઈ સત્ય નથી. પક્ષના બધા ધારાસભભ્યો સર્વસંમતિથી સુનેત્રતાઈની પાછળ ઉભા છે. સુનિલ તટકરે, છગન ભુજબળ અને પ્રફુલ પટેલ જેવા વરિષ્ઠ નેતાઓ પણ સુનેત્રાતાઈના નેતૃત્વમાં એક થઈને કામ કરી રહ્યા છે. છતાં, આવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.