અમદાવાદઃ ગુજરાતભરમાં વસ્તી ગણતરી કાર્યક્રમ જનગણના- ૨૦૨૭નો આજથી પ્રારંભ થશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં તા.૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે.
જ્યારે બીજા તબક્કામાં તા. ૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા.૧૭ મે-૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં તા. ૩૦ મે ૨૦૨૬ની સ્થિતિએ કુલ ૩.૭૪ લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે. જેમાંથી ૩.૩૦ લાખની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના ૪૪ હજારના સ્વ-ગણતરી ફોર્મ પ્રક્રિયામાં છે.
રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં ૧,૧૦,૫૯૮ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, ૧,૦૯,૦૩૮ ગણતરીદાર તેમજ ૧૮,૨૫૪ સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે. આ સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં, એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ વિગતોનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકશે નહીં. કાયદા અનુસાર દેશના દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અનિવાર્ય છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ કાયદામાં દંડની જોગવાઈ પણ છે, તેમ તેમણે અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું.