Sat Sep 05 2026

Logo

અમરેલીના ઇંગોરાળામાં 5 સિંહોએ કર્યો ભેંસનો શિકાર, પછી ભેંસોના ટોળાએ સિંહોને દોડાવ્યા!

2026-07-27 16:05:36
Author: Mayur Patel
અમરેલીના ઇંગોરાળામાં 5 સિંહોએ કર્યો ભેંસનો શિકાર, પછી ભેંસોના ટોળાએ સિંહોને દોડાવ્યા!

અમરેલીઃ જિલ્લામાં સિંહોની સંખ્યા વધારે છે અને અવારનવાર સિંહના મારણ કે લટારના વીડિયો વાયરલ થતા હોય છે. આ દરમિયાન ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામ નજીક સિંહ વિસ્તારમાં એક રોમાંચક ઘટના બની હતી. 5 સિંહોના જૂથે ભેંસોના ટાળા પર હુમલો કરીને એક ભેંસનું મારણ કર્યું હતું.

એક ભેંસનો શિકાર કર્યા બાદ ભેંસોનું આખું ટોળું ડરવાને બદલે એકજૂથ થઈ ગયું હતું. ભેંસોના ટોળાએ હિંમત ભેગી કરીને સિંહો સામે જ મોરચો માંડ્યો અને તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. ભેંસોને આ રીતે પોતાની તરફ આવતી જોઈને 5 સિંહોને પણ જીવ બચાવીને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. આ સમગ્ર રોમાંચક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સામાન્ય રીતે સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે, પરંતુ વન્યજીવ નિષ્ણાતોના મતે, ગીરની ભેંસો કદમાં ખૂબ મોટી અને ભારે હોય છે, સાથે જ તે સિંહથી સહેજેય ડરતી નથી.  જ્યારે ભેંસો ટોળામાં હોય છે ત્યારે તે સિંહો માટે અત્યંત ખતરનાક સાબિત થાય છે. ભૂતકાળમાં પણ સિંહો અને ભેંસો વચ્ચેના આવા ઘર્ષણમાં સિંહોને પીછેહઠ કરવી પડી હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંહો હવે જંગલ છોડીને મોટાભાગે રેવન્યુ વિસ્તારમાં કાયમી વસવાટ કરતા જોવા મળે છે. જેના કારણે અવારનવાર પાલતુ પશુઓના મારણ અને માનવ વસાહતો નજીક સિંહો આવી ચડવાના કિસ્સા બનતા રહે છે. ઇંગોરાળા ગામ નજીક બનેલી આ ઘટના હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં અને સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.