તબીબોના અહેવાલમાં દારૂને કારણે મૃત્યુનો ઉલ્લેખ નહીં: વિસેરા ફોરેન્સિક તપાસ માટે મોકલાશે
પુણે: પુણેના લઠ્ઠાકાંડમાં એક તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ મૃત્યુના કારણને લઈ આંચકાજનક માહિતી સામે આવી છે. મૃતદેહોનાં પોસ્ટમોર્ટમમાં વિલંબને કારણે મૃતકોએ ઝેરી દારૂ પીવાને કારણે જીવ ગુમાવ્યો હોવાનું કહેવું મુશ્કેલ બન્યું છે. તબીબોના અહેવાલમાં દારૂને કારણે મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ ન હોવાથી આ મામલે રહસ્ય ઘેરાયું છે. જોકે આ બાબતે ખાતરી કરવા મૃતદેહોના વિસેરા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
પિંપરી-ચિંચવડના દાપોડી, ફુગેવાડી અને પુણેના કાળેપડળ, હડપસરના અનેક લોકોએ ઝેરી દારૂ પીવાને કારણે જીવ ગુમાવતાં દેશઆખામાં હાહાકાર મચી ગયો હતો. હડપસરમાંના ચાર દરદીને સારવાર માટે સસૂન હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે તેમાંથી ત્રણ જણનાં તો માત્ર બેથી ત્રણ કલાકમાં જ મૃત્યુ થયાં હતાં.
પિંપરી-ચિંચવડમાંની વાયસીએમ અને પુણેની સસૂન હૉસ્પિટલમાં કરાયેલા મૃતદેહોનાં પોસ્ટમોર્ટમના અહેવાલમાં ‘દારૂને કારણે મૃત્યુ’ એવી નોંધ કરવાનું ટાળવામાં આવ્યું છે. જોકે સસૂસ હૉસ્પિટલના વરિષ્ઠ પ્રોફેસર અને તબીબી નિષ્ણાતે આ મામલે ચોખવટ કરી હોવાનું કહેવાય છે. તેમના કહેવા મુજબ અનેક દરદીના મૃત્યુના બેથી ત્રણ દિવસે તેમનાં શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તપાસમાં આટલા વિલંબને કારણે શરીરમાંના આલ્કોહોલ અથવા મિથેનોલના અંશ કુદરતી રીતે નષ્ટ થઈ જાય છે, જેને પગલે અહેવાલમાં તેની સીધી નોંધ આવતી નથી.
દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની દૃષ્ટિ ધૂંધળી થવી, ઊલટીઓ, ઊબકા, ચક્કર આવવાં તથા શ્ર્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાનાં લક્ષણો હતાં. વળી, આમાંથી કેટલાક દરદીને ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની તકલીફો હતી. ઝેરી રસાયણને કારણે આ જૂની ડાયાબિટીસ અને બ્લડપ્રેશર વધી જવાથી શરીરના મહત્ત્વના અવયવ નિષ્ક્રિય થઈ ગયા, જેને લઈ તેમનાં મૃત્યુ થયાં હશે એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તેથી અહેવાલમાં દારૂને કારણે મૃત્યુનો ઉલ્લેખ કરાયો નથી. જોકે તેમના વિસેરા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે અને તેના અહેવાલ પરથી મૃત્યુનું કારણ નિશ્ર્ચિત કરવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
મૃતકના પરિવારને પાંચ લાખની સહાય અને સરકારી નોકરી
પુણેના લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલાઓના પરિવારને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત ભાજપના નેતા ગિરીશ મહાજને કરી હતી. એ સિવાય નગર નિગમ તરફથી એક લાખ રૂપિયાની વધારાની મદદ પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વિધાનસભ્યે જાહેરાત કરી છે કે જે પરિવારે તેમના ઘરના કમાતા સદસ્યને ગુમાવ્યા છે એવા પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાવવાનો પ્રયાસ કરાશે, જેથી એ પરિવારને ભવિષ્યમાં આર્થિક સધિયારો મળી રહે.