થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે સાત રોકાણકાર સાથે 1.61 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ થાણેના 44 વર્ષના રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પચીસમી મેના રોજ નોંધવામાં આવેલી ફરિયાદને આધારે કાસારવડવલી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેણે ડિસેમ્બર, 2023થી જૂન, 2025 દરમિયાન છેતરપિંડી આચરી હતી. 45 વર્ષના શખસે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ તેને અને અન્ય છ રોકાણકારને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરનું આશ્ર્વાસન આપ્યું હતું.
આરોપીએ સમયાંતરે રોકાણકારો પાસેથી 1.61 કરોડ રૂપિયા લીધા હતા અને મહિલાના ચોક્કસ બૅંક ખાતામાં રૂપિયા ડિપોઝિટ કરવાના નિર્દેશ આપ્યા હતા, જેનો પતિ આરોપીની ઓફિસમાં કામ કરતો હોવાનું કહેવાય છે.આરોપીના કહેવાથી રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું, પરંતુ તેમને કોઇ વળતર મળ્યું નહોતું. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રોકાણકારોએ કાસારવડવલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકરણ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ આદરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)