Wed Aug 26 2026

Logo

વિધાન પરિષદની ચૂંટણીમાં નેતાઓના પુત્ર-પુત્રીઓ વચ્ચે ટિકિટ મેળવવા હોડ

2026-05-31 17:05:00
Author: Mumbai Samachar Team
વિધાન પરિષદની ચૂંટણીમાં નેતાઓના પુત્ર-પુત્રીઓ વચ્ચે ટિકિટ મેળવવા હોડ

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી 17 બેઠકમાંથી 8 પર નેતાઓના સંતાનો દાવેદાર

મુંબઈ: રાજ્યમાં વિધાન પરિષદની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓ પોતાના પુત્રો અને પુત્રીઓને ટિકિટ અપાવવા માટે પક્ષના હાઈકમાન્ડ સમક્ષ લાગવગ લગાવી રહ્યા છે. તમામ પક્ષના નેતાઓ પોતાના પક્ષના નેતૃત્વ સમક્ષ કોશિશ કરી રહ્યા છે. 17 બેઠકમાંથી રાજકીય નેતાના સંતાનો આઠ બેઠકો માટે ઉમેદવારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલ તેમના પુત્રને જળગાંવ મત વિસ્તારમાંથી ઉમેદવારી આપવા માટે આગ્રહી છે. પક્ષના અધ્યક્ષ એકનાથ શિંદે સમક્ષ પણ તેમણે આવી જ માગણી કરી છે. રસપ્રદ વાત એ છે કે શિવસેનાના વિધાન સભ્ય કિશોર પાટીલ તેમના પુત્રને જળગાંવ મત વિસ્તારમાંથી જ ઉમેદવારી અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા અને રાયગઢના સંસદ સભ્ય સુનીલ તટકરેના પુત્ર અનિકેત તટકરે ફરી એકવાર રત્નાગિરી રાયગઢ સિંધુદુર્ગ મત વિસ્તારમાંથી રાયગઢના સ્થાનિક સંસ્થા મદારસંઘમાંથી ફરી ચૂંટણી લડવા ઉત્સુક છે. સુનીલ તટકરે પોતે તેમના માટે પ્રયાસ કરી રહ્યા છે. 

આ સિવાય રાયગઢના પાલક પ્રધાન પદની રેસમાં રહેલા ભરત ગોગાવલેના પુત્ર વિકાસ ગોગાવલે પણ ચૂંટણી લડવા ઇચ્છુક છે. શિવસેનાના વિધાન સભ્ય મહેન્દ્ર દળવીની પુત્રી જુઈલી દળવીએ પણ અરજી દાખલ કરી છે. એકનાથ શિંદેના શિવસેનાના વિધાનસભ્ય અર્જુન ખોતકરના પુત્ર અભિમન્યુ ખોતકર પરભણી હિંગોલી બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે. તેમણે ઉમેદવારી માટે કોશિશ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારની પુત્રી શિવાની વડેટ્ટીવારે પણ જાહેરાત કરી હતી કે તેઓ પોતાની અરજી દાખલ કરશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અરજી દાખલ કરવા માટે જરૂરી વય મર્યાદા કરતાં તેમની ઉંમર એક મહિનો ઓછી હોવાથી તેઓ ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે. એવું કહેવાય છે કે નાંદેડ જિલ્લાના લોહા-કંધાર મતવિસ્તારના વિધાન સભ્ય પ્રતાપરાવ પાટીલ ચિખલીકરે તેમના પુત્ર માટે વિધાન પરિષદની ઉમેદવારી માંગી છે.